એક તરફ માર્ચ એન્ડિંગ, નાણાંકીય વર્ષ 2021-22નું અંતિમ સપ્તાહ અને તેમાં પણ બેંકોની હડતાળને કારણે સુરત સમેત સમગ્ર ગુજરાતમાં ધંધા-રોજગાર કરનારાઓ મોટી મુશ્કેલીમાં મૂકાય જાય તેવી સ્થિતિ છે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ તા.28 અને 29મી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકોના થઇ રહેલા ખાનગીકરણની વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે. એ પહેલાના બે દિવસ તા.26મીએ ચોથો શનિવાર અને તા.27મીએ રવિવાર એમ બે રજાઓ છે. આમ, બેંકીંગ કામકાજ કુલ ચાર દિવસ બંધ રહેશે અને તેના કારણે હિસાબી વર્ષના અંતમાં અનેક લોકો મુશ્કેલીમાં મૂકાય એવી સ્થિતિ હોઇ, બેંકોએ ગ્રાહકોને સત્વરે તેમના ડિલિંગ્સ પૂર્ણ કરી દેવા માટે પણ સૂચવ્યું છે.
મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અસોસિએશન(MGBEA)ના સભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પ્રસ્તાવિત જાહેર ક્ષેત્રની બેન્કોના હિતમાં ન હોય તેવી નીતિઓનો વિરોધ કરવા માટે દેશભરમાં હડતાળ કરવામાં આવે છે. MGBEAના એક અનુમાન અનુસાર, બે દિવસ બેન્કો બંધ રહેવાને કારણે લગભગ 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થઈ શકે છે.
નાણાંકીય વર્ષનો અંત એટલે કે 31મી માર્ચ સાવ નજીક છે. MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાના સરકારના આ ઈરાદા વિરુદ્ધ અમારો વિરોધ ચાલુ રહેશે. સરકારી બેન્કોના તંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો કરવાના સ્થાને સરકાર લોકોના પૈસા ખાનગી કંપનીઓના હાથમાં આપવાની વાતો કરી રહી છે. આ સિવાય અમારા અસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે રાખવામાં આવે.