CIA ALERT

B.V.Sc. course Archives - CIA Live

January 17, 2025
veterinary.jpg
1min479

અત્યાર સુધી GUJCET પરીક્ષાના સ્કોરના આધારે મેરીટ લિસ્ટ બનતું હતું હવે મેડીકલ અને પેરામેડીકલની જેમ વેટરનરી અભ્યાસ માટે પણ NEET UGનો સ્કોર જરૂરી

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ એ વાતથી અજાણ છે કે વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 2025-2026ના શૈક્ષણિક વર્ષથી ગુજકેટની જગ્યાએ નીટ યુજીની પરીક્ષાનો સ્કોર ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. મેડીકલ અને પેરામેડીકલની જેમ હવે વેટરનરી તબીબ બનવા માટે પણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓએ નીટ યુજી પરીક્ષા 2025 આપવી ફરજિયાત છે અન્યથા આ અભ્યાસક્રમમાં પ્રવેશથી વંચિત રહેવું પડશે. હાલમાં ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બાબતથી અજાણ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમનું સંચાલન કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા કરવામાં આવે છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે તાજેતરમાં એવો ઠરાવ કર્યો છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કે જેઓને બેચલર ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં સ્ટેટ ક્વોટાની સીટો પર પ્રવેશ આપવા માટે ગુજકેટ પ્રવેશ પરીક્ષાની સ્કોર ફરજિયાત હતો તેના બદલે શૈક્ષણિક વર્ષ 2025-2026થી નીટ યુજી પ્રવેશ પરીક્ષાનો સ્કોર ફરજિયાત કરવામાં આવ્યો છે. વેટરનરી અભ્યાસક્રમમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ હવેથી નીટ યુજી પરીક્ષામાં મેળવાયેલા માર્કસના આધારે તૈયાર કરવામાં આવશે. જે વિદ્યાર્થી નીટ યુજી પરીક્ષા આપી ન હશે તેઓ વેટરનરી અભ્યાસક્રમમાં પ્રવેશપાત્ર ગણાશે નહીં.

રાજ્ય સરકારનું કહેવું છે વેટરનરી સાયન્સ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશમાં એકસૂત્રતા જળવાય તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં વેટરનરી સાયન્સમાં નેશનલ ક્વોટાની સીટો પર પ્રવેશ પ્રક્રિયા ઇન્ડિયા કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર રિસર્ચ દ્વારા નીટ યુજીના સ્કોરના આધારે થાય છે, જ્યારે ગુજરાત રાજ્યમાં આ જ અભ્યાસક્રમમાં સ્ટેટ ક્વોટાની સીટ માટે ગુજકેટનો સ્કોર ગણતરીમાં લેવાય છે. આથી વિદ્યાર્થીઓએ બન્ને પરીક્ષા આપવી પડતી હોવાથી એકસૂત્રતા જળવાય તે હેતુથી વેટરનરી સાયન્સના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ચાલુ વર્ષથી નીટ યુજી પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે.