
Saif ali khan admit at leelawati Hospital | જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેમી.નો ઘા પડી ગયો છે. જોકે તે હજુ ખતરાથી બહાર છે. તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે.
માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પાં વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.
જ્યારે આ ઘટના વિશે ઘરના નોકર અને સભ્યોને જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટના બાદથી ચોર ફરાર થઇ ગયા હતા. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા.