CIA ALERT

શ્રાવણ મહિમા Archives - CIA Live

July 25, 2025
image-11.png
1min112

આજે 25 જુલાઈ 2025થી ગુજરાતમાં શિવભક્તો માટે અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ આખો મહિનો ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા-અર્ચના કરતા હોય છે, ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામવાની છે. આજે વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં ભક્તો શિવ પૂજા અને આરાધના માટે ઉમટી પડ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. શિવજીના તમામ ભક્તો આજથી શિવભક્તિમાં લીન રહેવાના છે. શિવજીની પૂજા માટે બીલીપત્ર, ફૂલો અને જળ લઈને મંદિરમાં જઈ રહ્યાં છે.

આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ 25મી જુલાઈ એટલે આજથી થયો છે. શ્રાવણ મહિનો 23મી ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ શ્રાવણ માસમાં કુલ 4 શ્રાવણ સોમવાર આવે છે. જેમાં શિવભક્તો દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત કરતા હોય છે. શિવભક્તો શ્રાવણના પહેલા સોમવારથી વ્રતથી ઉપવાસ રાખવાનું શરૂ કરી દેતા હોય છે. અનેક ભક્તો તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનામાં દાન-પૂર્ણ કરવાનું પણ વધારે મહત્વ હોય છે.

5 જ્યોતિર્લિંગમાં 11 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થયો

શ્રાવણ માસની વાત કરવામાં આવે તો, મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર, અને ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના વિશ્વનાથ, ઝારખંડના વૈધનાથ અને ઉત્તરાખંડના કેદારનાથ આ પાંચ જ્યોતિર્લિંગમાં 11 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, જે 9મી ઓગસ્ટ સુધી રહેશે. જ્યારે બાકીના સાત જ્યોતિર્લિંગ જેમાં ગુજરાતનું સોમનાથ અને નાગેશ્વર, મહારાષ્ટ્રનું ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર, આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન અને તામિલનાડુના રામેશ્વરમમાં આજથી શ્રાવણ માસ શરૂ થયો છે. આ મંદિરોમાં શિવજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.

શિવલિંગ પૂજન અને જળ અભિષેકનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શ્રાવણ માસમાં શિવપૂજનના આ ગહન રહસ્ય અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.

શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે, અને તેઓ તેમના ભક્તો પર ત્વરિત પ્રસન્ન થવા માટે જાણીતા છે. શિવલિંગ પર જળ અભિષેક કરવાની પરંપરા પાછળ એક પૌરાણિક કથા રહેલી છે, જે શિવની કરુણા અને શાંતિનો સંદેશ આપે છે.

પૌરાણિક કથા મુજબ, જ્યારે દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી કિંમતી રત્નો અને અમૃતની સાથે-સાથે હળાહળ વિષ પણ બહાર આવ્યું. આ વિષ એટલું ભયંકર હતું કે તેનાથી સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ શકે તેમ હતો. જ્યારે દેવો અને દાનવો ગભરાઈ ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ભોલેનાથની શરણમાં જવાની સલાહ આપી.

દેવો અને દાનવોએ ભગવાન શિવ પાસે જઈને પ્રાર્થના કરી. સૃષ્ટિ પરનું સંકટ જોઈને દયાળુ ભોલેનાથે તે સમગ્ર વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું. વિષની તીવ્ર અસરને કારણે તેમનું ગળું વાદળી (નીલ) રંગનું થઈ ગયું, અને તેથી જ તેઓ ‘નીલકંઠ’ તરીકે ઓળખાયા.

વિષને કંઠમાં ધારણ કરવાથી શિવજીને તીવ્ર બળતરા થવા લાગી. આ જોઈને બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને પોતાના કમંડળમાંથી જળ લઈને શિવજી પર અભિષેક કરવા જણાવ્યું. ઇન્દ્રએ જળ અભિષેક કરતા જ શિવજીની બળતરા શાંત થવા લાગી. આ પ્રસંગથી પ્રસન્ન થઈને શિવજીએ આશીર્વાદ આપ્યા કે, “જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક મારા પર જળ અભિષેક કરશે, તેની શારીરિક, માનસિક કે આર્થિક બળતરા (કષ્ટ) દૂર થશે અને તેને શાંતિ પ્રાપ્ત થશે.”

આ જ કારણથી, શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે. શિવભક્તો આ માસ દરમિયાન પૂજા-અર્ચના, વ્રત અને જળાભિષેક કરીને પોતાના અને પોતાના પિતૃઓના કલ્યાણ તથા શાંતિ માટે પ્રાર્થના કરે છે. શિવજીના આ આશીર્વાદ આજે પણ ભક્તોને તૃપ્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે.