CIA ALERT

રૂ.2000ની કરન્સી નોટ Archives - CIA Live

November 6, 2024
2000.jpg
1min132

દેશમાં રૂ. 2000ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ 2000 રૂપિયાની કુલ નોટોમાંથી હજુ પણ લોકો પાસે 6,970 કરોડ રૂપિયાની નોટો છે. આ આંકડો 31 ઓક્ટોબર 2024 સુધીનો છે. RBIના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે 2000 રૂપિયાની 98.04 ટકા નોટ પરત આવી ગઇ છે.

ગયા વર્ષે મે મહિનામાં RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી. હવે સમસ્યા એ છે કે કેન્દ્રીય બેંકને નોટ પરત કરવાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આનો અર્થ એવો પણ થાય છે કે જેની પાસે આ નોટો છે તેઓ તેને પરત કરવા માંગતા નથી. બહુ ઓછા લોકો હવે આ નોટો પરત કરવા આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર 147 કરોડ રૂપિયાની ગુલાબી નોટો પરત આવી છે.

આરબીઆઇએ તેમનો ડેટા પણ શેર કર્યો છે જે અનુસાર 1 જુલાઈ, 2024ના રોજ બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બચી ગઈ હતી. 1 ઓક્ટોબરે તે રૂ. 7,117 કરોડ હતો અને હવે 31 ઓક્ટોબરે રૂ. 6,970 કરોડ છે. મતલબ કે જુલાઈથી અત્યાર સુધીમાં માત્ર 611 કરોડ રૂપિયાની નોટ જ પરત આવી છે.

આરબીઆઇએ 9 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે, સમયાંતરે આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી હતી. રૂપિયા 2000ની નોટ નવેમ્બર 2016માં ચલણમાં લાવવામાં આવી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાં બંધ કરી દીધી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો, તેથી 2018-19માં રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.