CIA ALERT

પાટીદાર મહાસભા Archives - CIA Live

January 8, 2022
Naresh-Patel.jpg
1min432

આજે તા.8મી જાન્યુઆરી 2022ના રોજ રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલે બેઠક યોજીને ખોડલધામ પાટોત્સવની મહાસભા મૌકૂફ રાખીને સમગ્ર કાર્યક્રમ ભાવિકો માટે ઓનલાઇન લાઇવ દર્શાવવાની યોજના અંગે માહિતગાર કર્યા હતા.

બાદમાં નરેશ પટેલે આ બાબતોની જાણકારી આપવા માટે યોજાયેલા પ્રેસ-કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે સરકારી ગાઇડલાઇન અનુસાર ફક્ત 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો જુદા જુદા સોશ્યલ મિડીયા માધ્યમ દ્વારા ઓનલાઈન આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.

રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.