CIA ALERT

નવસારી Archives - CIA Live

July 17, 2025
Gujarat-map.jpg
1min135

ગુજરાતમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું હતું. રાજ્યના નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ સહિતના નવ શહેરોને હવે નગરપાલિકા તરીકે નહીં પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નવી ઓળખ આપવામાં આવી છે.

50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

આ તમામ મહાપાલિકાઓમાં દરેક માટે 13 વોર્ડ અને 52 કોર્પોરેટરની બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, નવી રચાયેલી મનપાઓમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને 27 ટકા બેઠકો અન્ય પછાત જાતિ (ઓબીસી) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી મહાનગરપાલિકા બનતા આ શહેરોની આજુબાજુના ગામડાઓ અને વધતા વિસ્તારને હવે શહેર હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પરિણામે, વિકાસ યોજનાઓ વધુ ગતિથી અમલમાં આવી શકશે અને શહેરી વસાહતો માટે વધુ સારી જનસેવાઓ ઉપલબ્ધ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે આગામી એક વર્ષની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ સીમાંકનના આદેશો જારી થતા રાજકીય રીતે પણ ગરમાવો જોવા મળી શકે છે. આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાશે. આગામી દિવસોમાં વોર્ડની હદ અને ક્યા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવશે.