CIA ALERT
19. April 2024

દ્રૌપદી મૂર્મૂ Archives - CIA Live

July 25, 2022
murmu.jpeg
1min303

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સર્વોચ્ય બંધારણીય પદ માટેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક દેશોના રાજદૂત તથા ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે.

સીજેઆઈ એન.વી.રમણાએ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મુર્મુને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે સમારંભના સમાપન બાદ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે અને ત્યાં તેમને ઈન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય સેનાઓના શૌર્ય અને સંયમનું પ્રતીક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની શુભેચ્છા પાઠવું છું.

‘ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે’

મહામહિમ મુર્મુએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. તે ભારતના પ્રત્યેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગીએ એ વાતનો પુરાવો છે કે, ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘મેં મારા જીવનની સફર ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું ત્યાં મારા માટે પ્રારંભિક શિક્ષણની પ્રાપ્તિ પણ એક સ્વપ્ન સમાન હતી. પરંતુ અનેક અડચણો છતાં મારો સંકલ્પ દૃઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણી લોકશાહીની જ તાકાત છે જેમાં એક ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ય બંધારણીય પદ સુધી પહોંચી શકે છે.’

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘દેશે મને એક એવા મહત્વપૂર્ણ કાલખંડમાં રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી અમુક દિવસો બાદ દેશ સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ એક સંયોગ કહી શકાય કે, દેશ જ્યારે પોતાની આઝાદીના 50મા વર્ષનો પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષે મને આ નવી જવાબદારી મળી છે.’

પોતાના સંબોધન દરમિયાન દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સ્વતંત્ર ભારતના નાગરિકો સાથે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણાં પ્રયત્નો તેજ કરવા પડશે. મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો પરંતુ દેશની લોકશાહીમાં એ તાકાત છે કે, મને અહીં સુધી પહોંચાડી.

રામનાથ કોવિંદ તથા તેમના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી હતી.