CIA ALERT
19. April 2024

ગણપતિ બાપ્પા મોરીયા Archives - CIA Live

August 31, 2022
ganapati-1280x720.jpg
1min243

દેશમાં એકબાજુ  ગણેશ ચતુથી પહેલાં ગણપતિ બાપ્પાના આગમનનો જયજયકાર ગુંજી ઊઠયો છે તેવા સમયે ભારતીય શેર બજારોમાં પણ મંગળવારે તેજીના જયજયકાર ગૂંજી ઉઠયા હતા. શેરબજારોમાં સોમવારનો મંદીનો કડાકો પચાવીને મંગળવારે  સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ કૂદીને ૫૯૫૩૭.૦૭ જ્યારે નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટની છલાંગ લગાવી ૧૭,૭૫૯.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા. ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે સેન્સેક્સ, નિફટીમાં મંગળવારે વર્ષ ૨૦૨૨નો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

ભારતીય શેરબજારોમાં તેજીની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ વર્ષના તળીયેથી ઉંચકાઈ ૫૧ પૈસાનો વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઉછાળો નોંધાવી ૭૯.૪૫ પહોંચી ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ પોણા ચાર ડોલર ઘટી આવ્યા સાથે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. શેરોમાં રોકાણકારોની સંપતિ પણ આજે એક દિવસમાં જ રૂ.૫.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૫ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જે ૧૮,ઓગસ્ટની રૂ.૨૮૦.૫૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગઈ હતી.

ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત આંચકા આવ્યા હતા. પરંતુ ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે આજે શેરોમાં કેશમાં રૂ.૪૧૬૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. સોમવારના કડાકાને લઈ હરખાયેલા મંદીવાળાઓને આજે તેજીવાળાઓએ મિચ્છામી દુક્કડમ કહેતાં હોય એમ શ્વાસ લેવા નહીં દેતી એકધારી તોફાની તેજી કરી હતી. સાર્વત્રિક તેજીએ તમામ સેકટરલ ઈન્ડેક્સ આજે પોઝિટીવ બંધ રહ્યા હતા.  બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થતાં બજાજ ફિનસર્વ  ૫.૪૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૮૬ ટકા, ઈન્ડસઈન્ડ બેંક ૪.૩૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૩.૨૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૭૨ ટકા વધી આવતાં  બીએસઈ બેંકેક્સ ૧૪૫૮.૮૪ પોઈન્ટની છલાંગે ૪૫૨૯૫.૮૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટના પોણા ચાર ડોલર ઘટીને ૧૦૧.૩૫ ડોલર થઈ જતાં અને નોમુરાએ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે  ઉજળું ભાવિ રજૂ કરી પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો અંદાજ મૂકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓની આક્રમક ખરીદી થઈ હતી. ટાટા મોટર્સ ૩.૮૯ ટકા, મારૂતી ૨.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૦ ટકા, અશોક લેલેન્ડમાં ૩.૯૮ ટકા ભાવ ઉછળી આવતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૨.૦૪ પોઈન્ટ ઉછળીને ૩૦૩૩૪.૧૮ પહોંચી ગયો હતો. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મોટી ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૬.૩૦ પોઈન્ટ  ઉછળી ૪૨૭૧૧.૪૨ પહોૅચી ગયો હતો.

વૈશ્વિક ફંડ બેંકિંગ-ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ બાર્કલેઝ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૧૬ ટકાની આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવી આગાહી કરતાં  વિશ્વભરના શેર બજારોમાં આજે સર્વાધિક ઉછાળો ભારતીય શેર બજારોમાં નોંધાયો હતો. અન્ય વૈશ્વિક શેર બજારોમાં એશીયામાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૭ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૭૪.૧૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો, યુરોપના બજારોમાં સાંજેજર્મનીનો ડેક્ષ ૧૨૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં વધુ ઘટી આવી ડાઉ જોન્સ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૬૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.