CIA ALERT

કો-ઓપરેટીવ સેક્ટરનું ભારતનું સર્વોચ્ચ સન્માન સુરતના કાનજીભાઇ ભાલાળાને નવી દિલ્હી ખાતે રૂ.11 લાખની ધનરાશિ સાથે ઇફ્કો સહકારીતા એવોર્ડ કાનજીભાઇ ભાલાળાને એનાયત કરાયો

Share On :

વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન સહકારી અગ્રણી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ એનાયત થયો છે. 

તારીખ ૩૦-૦૫-૨૦૨૪ના રોજ દિલ્હી ખાતે મળેલ ઇફકોની ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં  દેશભરમાંથી  આવેલ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળાને સહકારી ક્ષેત્રે નોંધનીય  કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ  જણાવ્યું હતું કે કાનજીભાઈ ભાલાળાએ આર્થિક જાગૃતિ અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે નિષ્ઠાથી નોંધનીય કાર્ય કર્યું છે. તેથી ઇફકો તરફથી આ સન્માન આપતા અમો ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો. ઓપરેટિવ ઇફકો તરફથી દર વર્ષે સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે પાયાનું નોંધનીય પ્રદાન કર્યું હોય તેવા વ્યક્તિને ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

સહકારી ક્ષેત્રની ટોચની સંસ્થા ઇફકો તરફથી રાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું જતન થાય અને છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવા માટે વધુ નોંધનીય કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઇફકો સહકારીતા બંધુ એવોર્ડ અને ઇફકો સહકારિતા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ માટે ગુજરાતના સહકારી અગ્રણી અને સામાજિક કાર્યકર એવા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સહકારિતા રત્ન એવોર્ડ યુ.પી. સરકારમાં સહકારી મંત્રી શ્રી જે. પી. એસ. રાઠોડ ને આપવામાં આવેલ છે.

         ૧૯૯૫માં વરાછા કો-ઓપરેટીવ બેંકનાં સ્થાપના કાળથી એમ.ડી., ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સતત નેતૃત્વ કરી વરાછા બેંકના ઝડપી અને નક્કર વિકાસમાં નોંધનીય કાર્ય કર્યુ છે. ૧૯૯૨માં આરાધના અર્બન કો.ઓપરેટીવ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે સહકારી પ્રવૃત્તિ શરૂ કરનાર શ્રી કાનજીભાઈ ભાલાળા આજે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ. બેંક્સ અને ક્રેડિટ સોસાયટી લિ. (NAFCUB), ન્યુ દિલ્હીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ એસોસિએશનના ઉપપ્રમુખ તથા ગુજરાત રાજ્ય કો.ઓ.વર્કસ ફેડરેશનના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સુરત જિલ્લા સહકારી સંઘમાં નિષ્ણાંત ફેકલ્ટી તરીકે તાલીમ વર્ગો માટે સેવા પણ આપી છે.

         શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સમૂહ લગ્ન પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકેની શરૂઆતથી આજે સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાજિક જાગૃતિનું  નેત્ર દિપક કાર્ય કરી રહ્યા છે. કુદરતી કે માનવસર્જિત આફતોમાં કામ કરતી એક પાંખ સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન છે. તેમાં તેમની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇ ૨૦૨૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે. ૧૯૯૩માં કારગિલ યુદ્ધ સમયથી જય જવાન નાગરિક સમિતિ સુરત શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આ સંસ્થાની સ્થાપના કાળથી ટ્રસ્ટી તરીકે ભૂમિકા નિભાવે છે.

         મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના બળેલ પીપરીયા ગામના વતની અને ૧૯૭૯ થી સુરતને કર્મભૂમિ   બનાવનાર શ્રી કાનજીભાઈ ભાલાળાએ ધોરણ-૧૦ પછીનું શિક્ષણ સુરતમાંથી મેળવ્યું છે. એમ.કોમ., એલ.એલ.બી કરી ઇન્કમટેક્ષ પ્રેક્ટિસનર તરીકે વ્યવસાય શરૂ કર્યાની સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય કામગીરી કરતા રહ્યા છે. અભ્યાસમાં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું હતું. રીયલ ટીવી ચેનલના ન્યુઝ એડિટર તરીકે પણ કાર્ય કર્યું છે. આજે ૬૨ વર્ષની ઉંમરે પણ તેઓ  ભણી રહ્યા છે.  એમ.એ. વીથ પોલિટિકલ સાયન્સની પદવી મેળવી છે અને હાલ એમ.એ. વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહ્યા છે. સુરતમાં આવેલી આપત્તિ-દુર્ઘટના સમયે લોકોના જાન-માલના રક્ષણ માટે જાગૃતિ અને  સેવાના કાર્ય માટે અગ્રેસર રહ્યા છે.

         કોરોના મહામારીના લોકડાઉન ના સમયે સહકારી સંસ્થાઓ અને ગુજરાત સરકારે સાથે મળી  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. રૂપિયા ૨૫૦૦ કરોડનું ધિરાણ  ખૂબ નાના વ્યક્તિઓને વગર વ્યાજે આપવામાં આવ્યું હતું. આ યોજના તૈયાર કરવામાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વડાપ્રધાન વીમા યોજનાઓમાં વરાછા બેંકના બે લાખથી વધુ ખાતેદારોને જોડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૧૩ ખાતેદારોના અવસાન થતાં તેમના પરિવારોને રૂપિયા ૨૪.૨૬ કરોડની સહાય વડાપ્રધાન વીમા યોજનામાંથી અપાવવામાં આવી છે. વરાછા કો.ઓ. બેન્ક તેમના સભાસદો, ખાતેદારો અને થાપણદારોને અકસ્માત વીમા કવચ પણ પૂરું પાડે છે.

           છેવાડાના નાના માણસો સહકારી પ્રવૃત્તિઓના લાભ લે તથા નાણાકીય જાગૃતિ માટે  છેલ્લા ૩૫ વર્ષના સતત પ્રયાસો અને સફળતા તથા સહકારી ક્ષેત્રને નેતૃત્વ પૂરું પાડવા બદલ ઇફકો તરફથી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સન્માન મળે છે. ૧૯૯૩થી ઇફકો તરફથી દર વર્ષે એક એવોર્ડ પુરા દેશમાંથી કોઈ એક ને આપવામાં આવે છે. ગુજરાતમાંથી ઇફકો સહકારીતા-બંધુ એવોર્ડ મેળવનાર શ્રી કાનજીભાઈ ભાલાળા બીજા ગુજરાતી છે.

ધી વરાછા કો.ઓ. બેન્ક તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તથા જય જવાન નાગરિક સમિતિ સુરત અને અનેકવિધ સંસ્થા તરફથી શ્રી કાનજીભાઈ ભાલાળાને સગૌરવ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :