દુબઇની જેમ સુરત શોપિંગ ફેસ્ટીવલ યોજવાનો મેયર દક્ષેશ માવાણીનો પ્રસ્તાવ સૌને ગમી ગયો

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતા પોલિશ્ડ લુઝ ડાયમંડ એક્ષ્પોની છઠ્ઠી એડિશનને આજે દેશ વિદેશના ખરીદારો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે 53 ડાયમંડ વિક્રેતાઓ, ઝવેરીઓએ પોતાના લાખો કેરેટ્સના કરોડો રૂપિયાના ઝગમગતા હીરા તેમજ ઝવેરાતનું એવું ડિસ્પ્લે કર્યું હતું કે દેશ વિદેશના ખરીદારોએ તાબડતોબ ઓર્ડરો આપવા માંડ્યા હતા. કેરેટ્સ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે રીતે દુબઇમાં શોપિંગ ફેસ્ટિવલ વિશ્વભરમાં વખણાય છે એની તર્જ પર સુરતમાં હીરા, કાપડ તેમજ અન્ય ઉદ્યોગકારોએ ભેગા મળીને 10-15 દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ, જેમાં સુરત મહાનગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સહયોગી બનશે અને એ સુરતને એક આગવી ઓળખ આપશે. સુરત મેયરના આ પ્રસ્તાવમાં રાજ્યસભાના સાંસદ અને સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ હામી ભરતા જણાવ્યું હતું કે મેયરે રજૂ કરેલા પ્રસ્તાવ પર કામ કરીને સુરતને નવી ઓળખ આપી શકાય અને વેપાર પણ વધારી શકાય.
સુરત એરપોર્ટની સામે આવેલા અવધ યુટોપીયા ખાતે આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા લુઝ પોલિશ્ડ ડાયમંડના કેરેટ્સ એક્ષ્પોમાં સુરત અને મુંબઇના 53થી વધુ હીરાના વિક્રેતાઓ, ઝવેરાત ઉત્પાદકોએ પોતાની એક એકથી ચઢીયાતી પ્રોડ્કટ્સ તેમજ ઝગમગતા, ચમકદાર લાખો કેરેટ્સના હીરાને ડિસ્પ્લેમાં મૂક્યા હતા. આજે પહેલા જ દિવસે વિદેશી ખરીદારો માટે અનેક આર્ટિકલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એ પૂર્વે આજે કેરેટ્સ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં ઉદઘાટન તરીકે રાજ્યસભાના સાંસદ ગોવિંધ ધોળકિયા તેમજ મુખ્યમહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.
મેયર દક્ષેશ માવાણીએ સુરતમાં યોજાતા કાપડના એક્ષ્પો, ડાયમંડ એક્ષ્પો, ઝવેરાત એક્ષ્પો વગેરેને ઉલ્લેખ કરીને એક એવો આઇડીયા રજૂ કર્યો હતો કે જેના પર કામ કરવા માટે તમામે તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે સુરત શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ. હીરા ઉદ્યોગ, ટેક્ષટાઇલ ઉદ્યોગે ભેગા આવવું જોઇએ, સુરત મહાનગરપાલિકા પણ તૈયાર છે અને ચેમ્બર ઓફ કોમર્સ પણ તેને સપોર્ટ કરશે. 10થી 15 દિવસનો એવો શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ કે દેશના અન્ય શહેરોના લોકો, વિદેશી ખરીદારો સુરત માણવા પણ આવે અને ખરીદવા પણ આવે. મેયરે કહ્યું કે સાડી, ડ્રેસ મટિરિયલ, દાગીના વગેરે ખરીદવા સાથે સુરત જેના માટે વખણાય છે એવી વાનગીઓ પણ ખરીદારો માણી શકે અને એ ફેસ્ટિવલ બે-ચાર દિવસ નહીં પણ એકાદ બે અઠવાડીયા જેટલો લાંબો ચલાવવામાં આવે. ટૂંકમાં મેયર દક્ષેશ માવાણીએ દુબઇ શોપિંગ ફેસ્ટિવલ તરફ ઇશારો કરતા જણાવ્યું કે શોપિંગ ફેસ્ટિવલથી સુરતની નવી ઓળખ વિકસાવી શકાશે અને વેપાર વાણિજ્યનો પણ વિકાસ કરી શકાશે. શોપિંગ ફેસ્ટિવલ જો સહિયારા ધોરણે થાય તો જે તે ઉદ્યોગોનો માર્કેટીંગ, બ્રાન્ડિંગનો પણ ખર્ચો વહેંચાય જશે એટલે ઓછા ખર્ચામાં સારું આયોજન થઇ શકશે.
મેયર પછી પોતાના ઉદબોધનમાં રાજ્ય સભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ મેયરના પ્રસ્તાવ પર કામ કરવામાં હામી ભરી હતી. ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે શોપિંગ ફેસ્ટિવલ જેવા સહિયારા આયોજન કરવા જોઇએ. આ ઉપરાંત ગોવિંદ ધોળકિયાએ હીરા ઉદ્યોગ માટે સુરત ડાયમંડ એસોસીએશન જે પ્રકારે કામ કરી રહી છે તેવું સર્વસંમતિભર્યું કાર્ય ગુજરાતનું કોઇ વ્યાપારીક સંગઠન નથી કરી રહ્યું. 32 વર્ષમાં સુરત ડાયમંડ એસોસીએશનનો એકેય વિવાદ નથી અને પોઝિટીવ કામ કર્યે રાખ્યું છે.
કેરેટ એક્ષ્પોમાં લાખો કેરેટ્સના પોલિશ્ડ હીરાની રેન્જથી ખરીદારો ખુશ
સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું કે પહેલા દિવસે જ ખરીદારોને જોરદાર રિસ્પોન્સ જોવા મળ્યો છે. વિદેશી સાથે દેશના અનેક રાજ્યોના ખરીદારો આજે કેરેટ્સમાં હીરા ખરીદવા માટે સુરત પહોંચ્યા હતા. પહેલા દિવસે 53 વિક્રેતાઓ પોતાના સ્ટોલ્સ પર જે પ્રકારના લુઝ પોલિશ્ડ ડાયમંડની રેન્જ ડિસ્પ્લેમાં મૂકી હતી એ જોઇને ખરીદારો ઉત્સાહમાં આવી ગયા હતા. આગામી તહેવારોની સિઝન તેમજ લગ્નસરા માટે ખરીદારોને જે પ્રકારના દાગીના બનાવવાના ઓર્ડર છે તેના માટે જરૂરી પોલિશ્ડ ડાયમંડની અવનવી રેન્જ, સાઇઝ, કલર, ક્લેરિટી, પ્યોરિટી મળી રહી છે. પહેલા જ દિવસે ખરીદારોને ઉત્સાહ જોતા આ વખતે કેરેટ્સ એક્ષ્પોમાં અત્યાર સુધીના સૌથી વધુ બાયર્સ ઉમટી પડે તેવું જણાય રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું.
પંજાબથી ઝવેરાત ઉદ્યોગકારોનું ડેલિગેશન ખાસ સુરત પહોંચ્યું

કેરેટ્સ એક્ષ્પોમાં પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે આજે પંજાબથી ખાસ હીરા ઝવેરાત ઉદ્યોગકારોનું એક ડેલિગેશન સુરત આવ્યું હતું. આ ડેલિગેશનમાં અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના પ્રમુખ કાશ્મીરસિંઘ રાજપૂત, પંજાબ સુવર્ણકાર સંઘના પ્રેસિડેન્ટ અશ્વિની કુમાર, પંજાબ સુવર્ણકાર સંઘના જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રજીતસિંઘ સહિતના ડેલિગેશને જણાવ્યું કે સુરત કાચા હીરાને પોલિશ્ડ કરતું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે અને કોઇપણ દાગીનો કે ઝવેરાત હીરા વગર શક્ય બનતું નથી એટલે હીરા માટે સુરત આવવું જ પડે. કાશ્મીરસિંઘ રાજપૂતે કહ્યું કે કેરેટ્સ ડાયમંડ એક્ષ્પોથી સુરત અને પંજાબના ઝવેરીઓ વચ્ચે એવું જોડાણ થયું છે કે હવે એ વ્યાપારીક સંબંધ કાયમી બનશે. કેરેટ્સ એક્ષ્પોમાં ઉપલબ્ધ વિશાળ રેન્જમાં લુઝ પોલિશ્ડ ડાયમંડ્સને કારણે પંજાબના લોકોની ઝવેરાતની રેન્જ પણ વધુ ચમકદાર બનશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
