જયેશ બ્રહ્મભટ્ટ
આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

- ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
- સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
- સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.
સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો
બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
