CIA ALERT
18. May 2024
April 22, 20191min9140

લંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ: 207 મૃત્યુ

Share On :
Print Friendly, PDF & Email
ત્રણ દેવળ, ત્રણ હોટલ, એક ઘર નિશાન : સાતની ધરપકડ; કર્ફયુ, 500 લોકો ઘાયલ
દુનિયાભરના દેશોની જેમ શ્રીલંકાના ત્રણ દેવળો તેમજ હોટલ પર નિશાન સાધતાં ઇસ્ટરના રવિવારની સવારથી છ કલાકમાં કરાયેલા આઠ શ્રેણી બદ્ધ બોમ્બ ધડાકામાં 207 લોકોના મોત થયાં હતાં, તો આ ટાપુ દેશને ધ્રૂજાવી નાખનાર ખતરનાક હુમલાઓમાં 500 જેટલા લોકોયે ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રી પાલા સિરીસેના સાથે ફોન પર વાત કરીને શોકની લાગણી સાથે તમામ સંભવ મદદની તત્પરતા બતાવી હતી. આ જીવલેણ હિંસાબાદ સાત સંદિગ્ધ હુમલાખોરોની ધરપકડ કરતાં કફર્યુની ઘોષણા સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
એલ.ટી.ટી.ઇ. સાથે નિર્મમ નાગરિક યુદ્ધના અંત પછી એક દાયકા સુધી સ્થપાયેલી શાંતિનો ભંગ કરતાં કરાયેલા આઠમાંથી કમસેકમ બે બોમ્બ હુમલામાં બે આત્મઘાતીઓ બોમ્બરની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતુ ં.
સિંહાલી પ્રશાસને અફવા, હિંસા અને અરાજકતાની વિકટ સ્થિતિઓ ટાળવાના હેતુ સાથે આજે સાંજે છ વાગ્યાથી આવતીકાલે સોમવારની સવારે છ વાગ્યા સુધી કફર્યુ લાદી દીધો હતો. સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો કફર્યુનો ગાળો લંબાવી પણ શકાય છે.
આતંકવાદીઓએ સવારે પોણા નવ વાગ્યાના અરસામાં ઇસ્ટર પ્રાર્થના સભા દરમ્યાન રાજધાની કોલંબોમાં સેંટએથની ચર્ચ, પશ્ચિમી કાંઠાળ શહેર નેગેમબોનાં સેંટ સેબેસ્ટિયન ચર્ચ તેમજ બદ્ધિકલોવાનાં એક ચર્ચ પર નિશાન સાધતાં જીવલેણ ધડાકા કર્યા હતા. આ ધડાકાઓ બાદ ટાપુ રાષ્ટ્રમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
પ્રશાસને બચાવ-રાહત અભિયાન છેડયું હતું. આતંકીઓએ શંગરીલા, ધ સિનામોન ગ્રાન્ડ અને ધ કિંગ્સબરી એમ ત્રણ લકઝરી હોટલોને નિશાન સાધતાં પણ ધડાકા કર્યા હતા. આ આઠ શ્રેણીબદ્ધ બોમ્બ હુમલામાં જીવ ખોનાર 207માં 35 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
કુલ્લ સાત ધડાકા કર્યાની થેડીવાર પછી આજે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક રહેણાંક પરિસર પર નિશાન સાધતાં આઠમો ધડાકો કર્યો હતો. એક ઇમારતમાં તલાશ માટે પોલીસ કર્મી અંદર પ્રવેશ્યા ત્યારે આતંકવાદીઓએ જાતને બોમ્બથી ફૂંકી મારતાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ભારત, પાકિસ્તાન, અમેરિકા, મોરક્કો અને બાંગલાદેશમાંથી આવેલા પર્યટકો પણ આ શ્રેણીબદ્ધ ધડાકાઓમાં ઘાયલ થયા હતા.
શાંતિનો સંદેશ આપતાં દેવળોમાં અશાંતિ ફેલાવતાં આતંકવાદના અધમ કૃત્યથી લાશોના ડગલા નજરો નજર જોનારા સૌ કોઇની આંખોથી ચોધાર આંસુ સરી પડયાં હતાં. કરુણ દ્રશ્યો સર્જાતાં લોકો અવાક અને સ્તબ્ધ બની ગયા હતા.
દસ દી’ પહેલાં જ મળી’તી ગુપ્તચર બાતમી
આ ધડાકા વિશે શ્રીલંકા પોલીસની પાસે પહેલાંથી જ ‘ઇનપુટ’ હતું. આમ છતાં આ ધડાકાને રોકી શકાયા નહોતા.
જાણકારી મળી છે કે, 10 દિવસ પહેલાં એવી ગુપ્તચર માહિતી હતી કે, દેશના મુખ્ય ચર્ચોની સાથેસાથે ભારતીય રાજદ્વારી કચેરીઓ પણ કટ્ટરપંથીઓના નિશાને છે. મળતી જાણકારી મુજબ શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારીએ દસ દિવસ પહેલાં એલર્ટ આપ્યું હતું.
મોદી, કોવિંદે કરી ટીકા: ભારત શ્રીલંકાની સાથે છે
એક પછી એક લગાતાર સાત ધડાકાથી ધ્રૂજી ઉઠેલાં શ્રીલંકામાં રવિવારે 150થી વધુ લોકોના મોતના હિંસક કૃત્યની ભારત સહિત દુનિયાભરના દેશોએ આકરી ટીકા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ હુમલાઓની ટીકા કરું છું. આપણા ક્ષેત્રમાં આવી બર્બરતા માટે કોઇ જગ્યા નથી. આ મુશ્કેલ સમયમાં ભારત શ્રીલંકાની સાથે છે. મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પરથી સંદેશમાં જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો પર બુદ્ધિહીન હિંસાની સભ્ય સમાજમાં કોઇ’ જગ્યા નથી. અમે શ્રીલંકાની સાથે છીએ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.
કોંગ્રેસ પક્ષે’ પણ નિવેદન જારી કરતાં આ દુ:ખના સમયમાંથી લોકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ દુ:ખની લાગણી સાથે કહ્યું હતું કે, મારી પીડિતો માટે પ્રાર્થના છે. બીજી તરફ પાકિસ્તાને પણ આ હુમલાઓની’ નિંદા કરી હતી. પાક વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહંમદ ફૈઝલે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન શ્રીલંકાની સાથે છે.
ત્રણ ભારતીયનાં પણ મૃત્યુ
શ્રીલંકામાં રવિવારે સવારે થયેલા શ્રેણીબદ્ધ આઠ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ભારતીય નાગરિકના પણ મૃત્યુ થયા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર મારફતે આ જાણકારી જારી કરી હતી. મૃતકોનાં નામ લોકાશિની, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે અને આ ત્રણેય મૃતકો અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :