CIA ALERT

ટેક્ષટાઇલ પ્રોસેસર્સેનો 10% ભાવ વધારો, પણ અમલ કોણ કરશે? હાલ મુશ્કેલીથી 40 ટકા પ્રોડકશન છે, ઓછા નફે બહોળો વેપાર કરશે શાણા પ્રોસેસર્સ

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.28મી જૂને મળેલી પ્રોસેસર્સ એસોસીએશનની મિટીંગમાં દક્ષિણ ગુજરાતના ટેક્ષટાઇલ પ્રોસેસર્સ (ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ)એ ફેબ્રિક ઉત્પાદનમાં 10 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ હવે સવાલ એ છે કે કયા પ્રોસેસર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવનો અમલ કરશે. બજારના જાણકારોનું કહેવું છે કે પ્રોસેસર્સે ભલે 10 ટકા લમસમ ભાવ વધારો કર્યો હોય પરંતુ, હાલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં આમેય 50 ટકા ઉપરાંતની પ્રોડકશન લોસ છે, જો હજુ ભાવ વધારો કરશે તો ટ્રેડર્સ પ્રોસેસિંગ માટે ગ્રે મોકલાવશે જ નહીં. સૂત્રો કહે છે કે શાણા પ્રોસેસર્સ એક તરફ પ્રોસેસર્સ એસોસીએશનની સાથે હોવાનું જણાવે છે અને બીજી તરફ પોતાના યુનિટમાં ભાવ વધારાનો અમલ નહીં કરીને પ્રોડકશન ચાલુ રાખશે એટલે કે બહોળા નફે વધુ વેપારની નીતિ અપનાવશે એમ જાણવા મળે છે. એવા પ્રોસેસર્સ ભાવ વધારો કરશે જેઓ મોનોપોલી પ્રોસેસિંગ કરી રહ્યા છે. જેમના વગર કામ અટકી પડે છે, એ સિવાય જનરલ પ્રોસેસર્સ હાલ તુરત ઓછા નફાથી કામ ચલાવશે પણ પ્રોસેસિંગમાં 10 ટકા ભાવ વધારો કરીને વેપાર ખોવવાની નીતિ નહીં અપનાવશે એમ જણાય રહ્યું છે.

એ પૂર્વે પ્રોસેસર્સ દ્વારા ટેક્ષટાઇલ પ્રોસેલિંગમાં વધારો દરમાં નહીં પરંતુ, બિલમાં એડિશનલ કોસ્ટ, એનર્જી પ્રાઇસ એસ્કેલેશન તરીકે નિર્દેશિત કરવામાં આવશે. ટેક્ષટાઇલ પ્રોસેસર્સના આ પ્રકારે મંદીમાં કરવામાં આવેલા ભાવ વધારાની અસર ટેક્ષટાઇલ ટ્રેડર્સ અને તેમના મારફતે સુરતમાં ઉત્પાદિત થતા કાપડ પર થશે. સુરતનું કપડું હવે વધુ મોંઘુ માર્કેટમાં પહોંચશે.

કોલસો, કલર, કેમિકલ, ડિઝલ બધામાં ભાવો વધ્યા છે પણ જો પ્રોસેસર્સ વધારશે તો મુશ્કેલી વધુ આવશે

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશના પ્રમુખ જીતુભાઇ વખારીયાએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ પ્રોસેસર્સની સામાન્ય સભા મળી હતી. જેમાં છેલ્લા બે જ મહિનામાં કોલસાના ભાવોમાં થયેલા 40થી 45 ટકા જેટલા જંગી ભાવ વધારા ઉપરાંત કલર, કેમિકલ જેવા રો મટિરિયલમાં થયેલા ભાવ વધારાને કારણે ફેબ્રિક પ્રોસેસિંગમાં ઇનપૂટ કોસ્ટના પ્રતિ મીટરના દરમાં 13 ટકા જેટલો વધારો થયો છે. આ વધારો હાલ તુરત તો પ્રોસેસર્સ તેમની આવકમાંથી ભોગવી રહ્યા છે. પરંતુ, હવે પછી ફેબ્રિક પ્રોસેસિંગના બિલમાં 10 ટકા એડિશનલ કોસ્ટ ઉમેરીને ટ્રેડર્સને બિલ આપવામાં આવશે. આ નિર્ણય સભામાં ઉપસ્થિત તમામ પ્રોસેસર્સ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.

બે મહિના અગાઉ કોલસો 5000 રૂ. ટન મળતો આજે 9થી 10 હજાર સુધીનો ભાવ

જીતુભાઇ વખારીયાએ ઉમેર્યું કે કોલસાનો ભાવ બે મહિના અગાઉ પ્રતિ ટન રૂ.5 હજારની આસપાસ ચાલતો હતો જે વધીને હાલમાં રૂ.નવથી સાડા નવ હજાર જેટલો થઇ ગયો છે. પ્રોસેસર્સ માટે કોલસો એ મુખ્ય એનર્જી ઇંધણ છે અને તેના વગર મિલો ચાલી શકે નહીં અને પ્રોસેસર્સ આ ભાવ વધારો લાંબો સમય ભોગવી પણ શકે નહીં એટલે પ્રોસેસિંગ ચાર્જમાં કોઇ ભાવ વધારો ન કરતા એડિશનલ કોસ્ટ, એનર્જી પ્રાઇશ એસ્કેલેશ કોસ્ટ તરીકે બિલમાં ઉમેરી આપવામાં આવશે.

જેવી ક્વોલિટી એવો પ્રોસેસિંગ ચાર્જ, રૂ.4થી રૂ.40 પ્રતિ મીટરે લમસમ 10 ટકા વધારો

ટેક્ષટાઇલ પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો ભાવ વધારાનો અમલ કેવી રીતે થશે તે અંગે સ્પષ્ટતા કરતા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને જણાવ્યું હતું કે કોઇ મિલ માલિકો રૂ.4 પ્રતિ મીટરે પણ ડાઇંગ કરે છે, કોઇ રૂ.15ના દરે પણ પ્રોસેસિંગ કરે છે અને કોઇ મિલ માલિક રૂ.45 પ્રતિ મીટરે પણ પ્રોસેસિંગ કરે છે એટલે તેની માર્કેટમાં શું અસર પડશે એ કહી શકાય નહીં. પ્રોસેસિંગ ચાર્જમાં ભાવ વધારો કરવાની જગ્યાએ દરેક ડાઈંગ પ્રિન્ટીંગ મિલને રો મટિરિયલ અને એનર્જી કોસ્ટમાં ભાવ વધારો નડે છે એટલે લમસમ 10 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભીવંડી, માલેગાવ, નવાપુરથી આવતા ગ્રેના જથ્થા પર પણ બ્રેક લાગી ગઇ

સુરત અને આસપાસના વિસ્તારોમાં ચાલતા કુલ 350 ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ હાઉસોમાં અત્યાર સુધી સુરત ઉપરાંત બહારગામથી જેમકે નવાપુર, ભીવંડી, માલેગાંવ વગેરેના ટ્રેડર્સ દ્વારા પણ ગ્રે કાપડ પ્રોસેસિંગ માટે આવતું હતું. સુરતના પ્રોસેસિંગ હાઉસ માટે આ પણ એક સારો બિઝનેસ હતો પરંતુ, હાલમાં બહારગામથી આવતા દૈનિક સરેરાશ જથ્થો 70 ટકા જેટલો ઘટી ગયો હોવાનો ઉકળાટ પણ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મંદીના સમયમાં ભાવ વધારાની નોબત

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપર્ટસ કહે છે કે ભાવ વધારો કરવાની નોબત હાલ મંદી ચાલી રહી છે ત્યારે આવીને ઉભી છે, ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આ નિશાની સારી નથી. મંદીના આર્થિક ફટકામાં હાલ જે કામ મળી રહ્યું છે એ કામ પણ મળતું ઓછું થાય તેમ છે. હવે ટ્રેડર્સ ઓર્ડર મળે પછી જ ગ્રે ને પ્રોસેસિંગમાં મોકલશે. ટ્રેડર્સ સ્ટોક કરવાની જગ્યાએ બજારની ચાલના આધારે જ નવા ઓર્ડર આપશે સરવાળે આ બાબત પ્રોસેસર્સને જ હાનિકર્તા બની રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :