ચેમ્બરના V.P.પદ માટે ઉદ્યોગપતિઓનું સેટીંગ : આજે મારું કાલે તારું, બીજું કોઇ આવશે તો જોઇ લેશું
- લોકશાહી પ્રક્રિયાને અવગણીને સગવડીયો ધર્મ અપનાવતા નાવડીયા-ગુજરાતી જૂથના કહેવાતા ઉદ્યોગપતિઓ
- 16 ઉમેદવારો માંથી 15 રાજી હોવાનો દાવો, હીરા અને ડાયમંડ ઉદ્યોગપતિઓએ અંદરોઅંદર સેટિંગ કરી લીધું
- આ વર્ષે દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ બને અને આવતા વર્ષે આશિષ ગુજરાતી બને તેવું બે મોટા જૂથોનું કહેવાતું સેટિંગ
- નીતિન ભરૂચા આ સગવડીયા સમાધાનની વિરુધ્ધમાં હોવાની સ્થિતિ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ને કેટલાક ઉદ્યોગપતિઓ પોતાની જાગીર સમજતા થઇ ગયાની અનુભૂતિ આજે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે કહેવાતા ઉદ્યોગપતિઓના સમૂહ વચ્ચે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદની થયેલી વહેંચણી પરથી થઇને રહે છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના આગામી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા. 16 ઉમેદવારો પૈકી આજે 15 જણા વચ્ચે એવી સમજૂતી થઇ કે આ વખતે ચેમ્બરનું વાઇસ પ્રેસિડેન્ટ પદ હીરા ઉદ્યોગને એટલે કે દિનેશ નાવડીયાને આપવામાં આવે અને આવતા વર્ષે ટેક્સટાઇલ ઉદ્યોગના આશીષ ગુજરાતીને આપવામાં આવે.
અત્યાર સુધી ગમે તે સંજોગોમાં ચૂંટણી લડું લડું કરનારા 13 ઉમેદવારો આ સમાધાન માટે રાજી થઇ ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક ઉમેદવાર કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ભરૂચાએ આ સગવડીયા ધર્મ સામે સખત વિરોધ નોંધાવતા સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ગમે તે સંજોગોમાં તેઓ લોકશાહીને જીવંત રાખશે અને હાલ તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં પથારીવશ હોવા છતાં ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી લડશે.
લોકશાહીની પ્રક્રિયાને કોરાણે મૂકીને સગવડીયું સેટિંગ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે નક્કી એવું થયું છે કે દિનેશ નાવડીયા અને આશીષ ગુજરાતી એમ બે જૂથોના ઉદ્યોગપતિઓ ભેગા થઇ ગયા છે અને બન્ને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ વખતે આશીષ ગુજરાતી જૂથ દિનેશ નાવડીયાના આડે નહીં આવે અને જો ચૂંટણી થાય તો તેમને સપોર્ટ કરશે જ્યારે આવતા વર્ષે દિનેશ નાવડીયા-બીએસ અગ્રવાલ જૂથ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આશિષ ગુજરાતીને સપોર્ટ કરશે.
સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવનાર આશીષ ગુજરાતીએ ચેમ્બર પ્રમુખ બનવું છે
જે કાર્યક્રમમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) સહ આયોજક હતું એ કાર્યક્રમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના હિત માટે યોજાયો હતો અને તેમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા. સોનાની થાળી સમા આ કાર્યક્રમમાં આશીષ ગુજરાતીએ લોઢાનો મેખ રચતા સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવ્યા હતા. આશીષ ગુજરાતીએ કોંગ્રેસી અશોક જીરાવાળા સાથે મળીને ફોગવાના નામે ચેમ્બર સામે જ બાંયો ચઢાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સની ટેક્સટાઇલ કમિટીની જવાબદારી હોવા છતાં ચાર ચાર મહિના સુધી નિષ્ક્રીય રહીને ચેમ્બર સામે બાંયો ચઢાવનાર આશીષ ગુજરાતીને તો જે જોઇતું હતું એ મળી ગયું છે આજે નહીં તો આવતા વર્ષે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે તેમણે સેટિંગ કરી લીધું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
