સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ
કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.
બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા
યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944