હેમંત કરકરેને મેં શાપ આપ્યો એટલે કમોતે મર્યા
સાધ્વીની કટુવાણીએ છેડ્યો વિવાદ ભાજપે નિવેદનને ‘અંગત અભિપ્રાય’
મહારાષ્ટ્ર એટીએસના ભૂતપૂર્વ વડા હેમંત કરકરેના મૃત્યુ બાબતમાં માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરુવારે આપેલા નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થયો હતો. તેમણે કહ્યું હતું કે ‘મારા શાપના કારણે તેમનું મોત થયું હતું.’ નવેમ્બર, 2008માંના 26/11 મુંબઈ હુમલામાં કરકરે અને અન્ય બે વરિષ્ઠ અધિકારી ત્રાસવાદીઓના ગોળીબારમાં શહીદ થયા હતા.
જોકે તેમના આ નિવેદને દેશભરમાં રાજકીય ભૂકંપ સર્જતા તેમણે મોડેથી માફી માગી લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારા આ નિવેદનથી દેશના દુશ્મનોને લાભ થઈ રહ્યો છે. એટલે હું મારું નિવેદન પાછું ખેંચું છું.’ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ તેમના આ નિવેદનને અંગત નિવેદન ગણાવ્યું હતું. ભોપાળમાંથી ભાજપ તરફથી
ઉમેદવારી કરી રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરુવારે રાત્રે ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ‘હેમંત કરકરેને (માલેગાંવ વિસ્ફોટ)ની તપાસ સમિતિએ મુંબઈ બોલાવ્યા હતા. હું તે વખતે મુંબઈની જેલમાં હતી. તપાસ સમિતિના સભ્યે કરકરેને કહ્યું કે જો તેમની પાસે (સાધ્વીની વિરુદ્ધમાં) પુરાવા ન હોય તો ગેરકાયદેસર રીતે સાધ્વીને જેલમાં નહીં રાખવી જોઈએ. કરકરેએ કહ્યું કે પુરાવા લાવવા તે કંઈ પણ કરવા તૈયાર છે. પુરાવા ઊભા કરીશ, અહીંથી ત્યાંથી લઈ આવીશ, પણ સાધ્વીને છોડીશ નહીં.’ સાધ્વીના નિવેદનનો ઠેરઠેર વિરોધ થયો હતો.
સાધ્વી પ્રજ્ઞાસિંહના નિવેદન સામે વાંધો ઉઠાવતા કૉંગ્રેસે શુક્રવારે માગ કરી હતી કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ અને સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે પગલાં ભરવાં જોઈએ. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલેએ કહ્યું કે ‘મોદીજી, 26/11ના શહીદ હેમંત કરકરેને ‘દેશદ્રોહી’ કહેવાનો ગુનો ફક્ત ભાજપના નેતા જ કરી શકે છે.’ સાધ્વીના નિવેદનને ભાજપે તેમનું અંગત મંતવ્ય જણાવ્યું હતું.
ભાજપે કહ્યું કે ‘ત્રાસવાદીઓ સામે બહાદુરીપૂર્વક લડતી વખતે કરકરે શહીદ થયા હતા. ભાજપે તેમને હંમેશાં શહીદ ગણ્યા છે. ‘ભાજપના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ‘સાધ્વી ઠાકુરે વર્ષોથી પોલીસ કસ્ટડીમાં ‘શારીરિક અને માનસિક ટોર્ચર’ સહન કર્યું હતું જેના કારણે તે કદાચ આવું નિવેદન કરી રહ્યાં છે.’ આ તેમનું અંગત નિવેદન છે.
દરમિયાન આઈપીએસ ઑફિસર્સ એસોસિયેશને સાધ્વીના નિવેદનને વખોડી કાઢતા કહ્યું હતું કે ‘અશોકચક્ર પ્રાપ્ત કરનારા દિવંગત શ્રી હેમંત કરકરેએ (આઈપીએસ) ત્રાસવાદીઓ સામે લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. એક ઉમેદવારના અપમાનજનક નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને આપણા શહીદોના બલિદાનનું સન્માન થવું જોઈએ તેવી માગ કરી છે.’ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં પત્રકારોને કહ્યું કે ‘હું માનું છું કે હેમંત કરકરે જેવા શહીદો માટે આવી ભાષાનો ઉપયોગ કરનારા ઉમેદવારો જેવો વિકલ્પ પ્રજા સમક્ષ આપો છો. આપણા દેશ માટે ખૂબ જ ખરાબ દિવસો કહેવાય.’ મહેબૂબાએ કહ્યું કે ‘જેમની સામે ચાર્જશીટ થઈ છે જેમની સામે આવા ગંભીર આરોપો છે, જે જેલમાં હતા તેવી મહિલાને ચૂંટણીમાં ઊભા રાખી તમે લોકોને શું સંદેશ આપવા માગો છો?’
સાધ્વી પ્રજ્ઞાસિંહે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘આ તેમની (કરકરેની) લુચ્ચાઈ હતી. આ દેશદ્રોહ હતો. આ ધર્મની વિરુદ્ધમાં હતું. મેં તેમને કહ્યું હતું કે તમારો નાશ થશે. તેમણે મને ત્રાસ આપ્યો હતો અને અપશબ્દો બોલતા હતા. જે મારાથી સહન થતું ન હતું. મેં તેમને કહ્યું હતું કે તેમનો નાશ થશે.’
સાધ્વી પ્રજ્ઞાસિંહ હાલમાં જામીન પર છે અને ભોપાળથી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ સામે ભાજપે તેમને ઊભા રાખ્યા છે. સાધ્વી સામે ‘અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ’ હેઠળ કામ ચાલી રહ્યું છે. જોકે તેમને ‘મકોકા’માંથી (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ઍક્ટ) કોર્ટે તેમને મુક્ત કર્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
