કોલસાની તંગીથી વીજ ઉત્પાદનને અસર: અનેક રાજ્યોમાં 8 કલાકનો વીજકાપ
દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.
કયા રાજ્યોમાં વીજકટોકટી
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા

ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે. હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે.
ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે.
દેશના મોટા ૧૬૪માંથી ૨૭ થર્મલ પ્લાન્ટમાં માત્ર ૦થી પાંચ ટકા કોલસાનો જથ્થો છે. ૩૦ ટકા થર્મલ પ્લાન્ટમાં ૧૦ ટકા કે એનાથી પણ ઓછો કોલસો બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિયાના આંકડાં પ્રમાણે ડેઈલી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ થર્મલ પ્લાન્ટમાં ૬થી ૧૦ ટકા જેટલો કોલસો ઉપલબ્ધ છે. ૧૬૪ મોટા થર્મલ પ્લાન્ટ પૈકી ૪૮ એટલે કે ૨૯ ટકા પાસે ૧૦ ટકા જેટલો કોલસો માંડ બચ્યો છે.
કોલસા મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દેશના કુલ કોલસાની જરૃરિયાતમાંથી ૨૦ ટકા જેટલો જથ્થો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આયાત થાય છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો મોંઘો થયો હોવાથી ભારતીય કંપનીઓએ કોલસાની આયાત ઘટાડી દીધી છે. પરિણામે કોલસાનો જથ્થો ઘટી ગયો છે.
અહેવાલો પ્રમાણે દેશમાં કોલસાનો જથ્થો નવ વર્ષમાં સૌથી ઓછો થઈ ચૂક્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વીજળીની કટોકટી વધારે ઘેરી બને તેવી શક્યતા છે.
સરકારી આંકડાં પ્રમાણે દેશમાં એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ વીજળીની માગમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો હતો અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ અસહ્ય ગરમી પડવાનું શરૃ થયું હતું. એના કારણે દેશમાં સરેરાશ ૧.૪ ટકા વીજળીની જરૃરિયાત વધી હતી. માર્ચની શરૃઆતમાં વીજળીની માગમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચના અંતમાં અચાનક ગરમી વધી પડતાં વીજળીની જરૃરિયાત પણ વધી ગઈ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
