મક્કાઇની ધાણી મલ્ટીપ્લેક્સીસનો નફો ધૂળધાણી કરી દેશે
મલ્ટિપ્લેક્સ ઉદ્યોગ અત્યારે ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યો છે અને આવકના નવા સ્રોત ઊભા કરવાના વિકલ્પો શોધી રહ્યો છે તેવા સમયે બહારથી ખાદ્ય સામગ્રી લાવવાની છૂટ મળશે તો ઉદ્યોગ માટે ‘એન્ટિક્લાઇમેક્સ’ જેવી સ્થિતિ સર્જાશે અને તેમાં પણ મહારાષ્ટ્ર સરકારે મલ્ટીપ્લેક્સીસ અને સિનેમા ગૃહોમાં બહારનો નાસ્તો લઇ જવા અંગે આપેલી પરવાનગીનો વાઇરસ દેશના દરેક રાજ્યોમાં ઝડપભેર ફેલાય તેવી વકી છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પોપકોર્નથી શરૂ થયેલો વિવાદ મલ્ટીપ્લેક્સીસ માલિકોની કમાણી છીન્નભીન્ન કરી દે તો નવાઇ નહીં. જો વિવિધ રાજ્યો મલ્ટિપ્લેક્સ કંપનીઓને ખાણીપીણીનું વેચાણ MRP પ્રમાણે કરવાની ફરજ પાડશે અને બહારથી ખાદ્ય ચીજવસ્તુઓ લાવવાની છૂટ આપશે તો કંપનીઓની કમાણીમાં આગામી મહિનાઓમાં નીચી વૃદ્ધિ થશે.
મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારા દર્શકો માટે પોપકોર્ન એક સામાન્ય નાસ્તો છે પરંતુ મલ્ટિપ્લેક્સ કંપનીઓ માટે તે કમાણીનો મોટો સ્રોત છે. ગઇ તા.13મી જુલાઇ 2018ને શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે મલ્ટિપ્લેક્સમાં બહારથી નાસ્તો લઈ જવાની છૂટ આપતાં PVR અને આઇનોક્સ લીઝરના શેર અનુક્રમે 13 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. તા.16મી જુલાઇએ પણ આ બંને કાઉન્ટર્સમાં વેચવાલી જળવાઈ રહી હતી અને આઇનોક્સનો શેર 5.1 ટકા ઘટીને ₹11.95એ જ્યારે PVRનો શેર 5.06 ટકા ઘટીને ₹1,153એ પહોંચી ગયો હતો. સિનેમાગૃહો અને મલ્ટીપ્લેક્સીસની કુલ આવકમાં ફૂડ & બેવરિજ (F&B) બિઝનેસનો હિસ્સો 26 ટકા જેટલો ઊંચો હોવાથી મલ્ટિપ્લેક્સ કંપનીઓને ફિલ્મ હિટ જવાની ચિંતા કરતાં પોપકોર્ન સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કેટલું વધ્યું તેની ચિંતા રહે છે.
બોમ્બે હાઈ કોર્ટે થોડા મહિના અગાઉ ચુકાદો આપ્યો હતો કે, મલ્ટિપ્લેક્સની અંદર ફૂડ આઇટમ અને બોટલ્ડ વોટરનું વેચાણ MRP પ્રમાણે જ થવું જોઈએ. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે આના સંદર્ભમાં નીતિ ઘડવાની અને 1 ઓગસ્ટથી MRP કરતાં વધારે ભાવ લેવા પર પ્રતિબંધનો કાયદો અમલી કરવાની જાહેરાત કરી હતી.
મલ્ટિપ્લેક્સ ઉદ્યોગની કુલ આવકમાં F&B સેગમેન્ટનો હિસ્સો જબરજસ્ત વધ્યો છે. 2012-’13માં આ બિઝનેસ દ્વારા મલ્ટિપ્લેક્સ ઉદ્યોગને 19 ટકા આવક થતી હતી, જે હવે 25થી 26 ટકા થઈ ગઈ છે. આની સામે ટિકિટના વેચાણથી થતી આવક 2011-’12માં 62 ટકા હતી, જે ઘટીને 56 ટકા થઈ ગઈ હતી. એક અંદાજ પ્રમાણે, મલ્ટિપ્લેક્સ કંપનીઓ F&Bના વેચાણ પર 75 ટકા જેટલું ઊંચું ગ્રોસ માર્જિન મેળવે છે. ટિકિટના ટકામાં સરેરાશ F&B ખર્ચ 2011-’12માં 28 ટકા હતો, જે 2016-’17માં વધીને 41 ટકા થયો હતો.
ભારતના મલ્ટિપ્લેક્સ ઉદ્યોગમાં PVR અને આઇનોક્સ લીઝરનું પ્રભુત્વ છે અને F&B વસ્તુઓ માટે અતિઊંચા ભાવ વસૂલવાને કારણે બંનેને જોરદાર ફાયદો પણ થયો છે. મલ્ટિપ્લેક્સમાં ટિકિટ કરતાં પોપકોર્નના એક ટબનો ભાવ બેથી ત્રણ ગણો હોય છે.
2011-’12માં PVRને F&B સેગમેન્ટમાંથી ₹92.85 કરોડની આવક થતી હતી, જે 2016-’17માં છ ગણી વધીને ₹580 કરોડ થઈ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
