પાટીદારોનું અકળ મતદાન, ભાજપાને અકળાવી રહ્યું છે, કોંગ્રેસ પણ સૂનમૂન
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં
ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્ત્વની જ નહીં, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્ત્વનું હતું. તા.23મી એપ્રિલ 2019ના રોજ પાટીદારોએ કઇ પાર્ટી કે કયા ઉમેદવાર તરફી મતદાન કર્યું એ વલણ હજુ સુધી અકળ રહ્યું છે. ભાજપા કે કોંગ્રેસ કોઇ કળી શક્યું નથી કે પાટીદારોએ કોને મત આપ્યા હશે, આ સસ્પેન્સ ભાજપા માટે રહસ્યમયી બન્યું છે. કોંગ્રેસને એવી આશા છે કે હાર્દિક પટેલ પાટીદારોના મત ખેંચી લાવશે પરંતુ, એ બાબતે ખુદ કોંગ્રેસી નેતાઓ અવઢવભરી વાતો કરી રહ્યા છે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલી વિધાનસભા અને જિલ્લા -તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને પાટીદારોનો રોષનો સામનો કરવા પડ્યો હતો. હવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એક સંપ થઇને નરેન્દ્ર મોદીને પડખે ઊભો રહેલો પાટીદાર સમાજ આ વખતે એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું કર્યું હશે તેની સમીક્ષા અને એનાલિસિસનો દૌર શરૂ થયો છે.
ભાજપા અને કોંગ્રેસની વિચાર વિમર્શ બેઠકોમાં ગુજરાતની ૨૬ બેઠકોના મતદાનમાં સવા કરોડથી વધુની વસતી ધરાવતા પાટીદારો કંઇ બાજુ ઢળ્યાં હશે ? એવા સવાલોના અકળાવનારા જવાબો પાર્ટી કાર્યકરો આપી રહ્યા છે, ભાજપા કે કોંગ્રેસ કોઇ છાતી ઠોકીને કહી શકતુ નથી કે પાટીદારોના મત ક્યાં પડ્યા હશે
પાટીદારોના પ્રભુત્ત્વવાળી બેઠકો પર કેટલેક ઠેકાણે વધારે તો કેટલીક બેઠકો પર ઓછું મતદાન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. પાટીદારોનાં કેટલાંક સંગઠનો દ્વારા આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિરોધનું પુનરાવર્તન કરવા માટે વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રુપ મિટિંગો યોજીને ભાજપને સબક શિખવવા માટેની અપીલો કરવામાં આવી હતી, પરંતુ તેમની આ અપીલો અને પ્રયાસો કેટલા સફળ થયા છે તેનું રહસ્ય ૨૩મી મેના રોજ મતગણતરી સાથે ખૂલશે.
પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે.
પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી સુરત, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકો
ગુજરાતમાં શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જૂનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોની સમસ્યાઓ પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં હોવાનું જણાયું છે ત્યારે પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન પર નજર નાખીએ તો, ૨૦૧૪ ૨૦૧૯ મહેસાણા બેઠક પર ૨૦૧૪માં ૬૭.૦૩ ટકા જ્યારે ૨૦૧૯માં ૬૪.૯૧, ગાંધીનગર બેઠક પર ૨૦૧૪માં ૬૫.૫૭ અને ૨૦૧૯માં ૬૪.૯૫, બનાસકાંઠા બેઠ પર ૨૦૧૪માં ૫૮.૫૪ ટકા અને ૨૦૧૯માં ૬૪.૭૧, અમરેલીમાં ૨૦૧૪માં ૫૪.૪૭ ટકા અને આ વખતે ૫૫.૭૩ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૨૦૧૪માં ૬૧.૫૯ અને ૨૦૧૯માં ૬૦.૭૭, રાજકોટ બેઠક પર ૨૦૧૪માં ૬૩.૮૯ અને ૨૦૧૯માં ૬૩.૧૨ અને આણંદ બેઠક પર ૨૦૧૪માં ૬૪.૮૯ ટકા અને ૨૦૧૯માં ૬૬.૦૩ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.
પાટીદાર આંદોલનની પોઝિટિવ કે નેગેટિવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી. મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો ૨૩મી મેના રોજ પરિણામ આવતા વાસ્તવિકતા જોવા મળશે.
ગુજરાતમાં ફક્ત બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન ૬ ટકા જેટલુ વધ્યું છે. પાટીદારોની સૌથી વધુ પ્રભુત્વવાળી બેઠકોમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદાર બહુલ બેઠકો પર ભાજપને નુકસાન ન થાય તે માટે ભાજપે કમર કસી હતી, અને પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરી હતી. અમિત શાહે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ અને ખોડલધામના આગેવાનો સાથે મિટિંગ કરી હતી.
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી અમરેલી, પોરબંદર, રાજકોટ, મહેસાણા, આણંદ એમ ૫ બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી. તે પહેલા જૂના સીમાંકનોમાં જૂનાગઢ લોકસભા ક્ષેત્ર સાથે પણ ભાજપ મહદઅંશે આ પાંચ બેઠકો ઉપર પાટીદાર આગેવાનોને ઉમેદવાર તરીકે ઉતારતું રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં દોઢ- બે દાયકામાં પહેલીવાર ભાજપે વધુ એક પાટીદારને અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કૉંગ્રેસે રાજકોટ, પોરબંદર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર બેઠકો પર પાટીદાર નેતાઓને ટિકિટ ફાળવેલી છે. જે જોતા ટિકિટ ફાળવણીમાં ભાજપ કરતા કૉંગ્રેસનો આંકડો વધુ દેખાય છે. આ ઉપરાંત ભાજપ માટે મુશ્કેલ મનાતી બનાસકાંઠા ૬૪.૭૧ પાટણ ૬૧.૨૩ મહેસાણા ૬૪.૯૧ સાંબરકાંઠા ૬૭.૦૩ સુરેન્દ્રનગર ૫૭.૭૯ જુનાગઢ ૬૦.૭ અને અમરેલી બેઠક પર ૫૫.૭૩ ટકા મતદાન થયું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
