પાલ-અડાજણ રોકેટ સ્પીડથી ડેવલપ થશે, 8-10 મહિના પછી મિલક્તોના ભાવ વધશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
- કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાપર્ણ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ આપશે
- એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી
- પાલ-અડાજણમાં નવા ધંધા-રોજગાર આવશે, શોપિંગ સાઇટ્સ વધશે
- 8-10 મહિનાના સમયમાં મિલક્તોના ભાવ 20 ટકા સુધી વધી જશે
- શહેરભરમાંથી લોકો અડાજણ-પાલ આવશે, ડુમસ રોડનું ભારણ ઘટશે

હાલના અડાજણનો એરીયલ વ્યૂ, સરદાર બ્રિજથી શરૂ કરીને આખું અડાજણ ચિત્રમાં કંડારી લેવાયું છે
મંગળવાર તા.2જી ઓક્ટોબર 2018 ને ગાંધી જયંતિના દિવસે, શ્રાધ્ધ પક્ષમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરતના અડાજણ અને અઠવાલાઇન્સને જોડતા તાપી નદી પરના કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ થવાના સમાચાર બધાએ સાંભળ્યા હશે પણ સીઆઇએ લાઇવ વેબ પોર્ટલ આપને એવા સમાચાર આપી રહી છે જે આપ પહેલી વખત જાણી રહ્યા છે.

2 જી ઓક્ટોબર 2018ને મંગળવાર ગાંધીજયંતિથી કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ખુલ્લો મૂકાશે
અડાજણ અઠવાલાઇન્સને જોડતો તાપી નદી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાતાની સાથે જ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ મળશે. પાલ અને અડાજણમાં ડેવલપમેન્ટ પૂરજોશમાં શરૂ થઇ જશે. પાલ અડાજણમાં બિઝનેસ ફર્મ્સ મોટા પાયે શરૂ થશે. સુરતના અનેક લોકો, નિષ્ણાંતો સાથે થયેલી વાતચીતના નિષ્કર્ષમાં એ વાત સામે આવી કે કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટનને પગલે તાત્કાલિક જમીન-મકાનના ભાવ કે ભાડા વધશે નહીં પણ 8થી 10 મહિનાના સમયગાળામાં જમીન મકાનના ભાવમાં 20થી 25 ટકા જેટલો ઉછાળો જોવા મળશે.
હાલમાં હોટેલ રેસ્તરાં છે, હવે પછી બીજા ધંધા રોજગાર આવશે પાલ-અડાજણમાં
એક્સપર્ટસ કહે છે કે કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થયા બાદ અડાજણ-પાલ તરફના લોકોને ફાયદો થશે એ વાત સ્વાભાવિક છે પણ અડાજણ-પાલમાં આવેલા ધંધા રોજગારને મોટી ઘરાકી મળશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા નવા વિકસી રહેલા વિસ્તારના ધંધા રોજગારને મોટી ઘરાકી મળવાની સંભાવના છે. હાલમાં એલ.પી.સવાણી સ્કૂલ રોડ ફૂડ ઝોન તરીકે વિકસી રહ્યો છે, અહીં હાલમાં મોટા ભાગની બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ હોટેલ, રેસ્તરાં સ્થપાઇ ચૂકી છે પણ નવો બ્રિજ શરૂ થયા પછીના 3-4 મહિના દરમ્યાનમાં અડાજણ અને પાલમાં અનેક બિઝનેસ ફર્મ્સ, દુકાનો, ફ્રેન્ચાઇઝી, એજન્સીઝ વગેરે નવા બિઝનેશ શરૂ કરશે. નિષ્ણાંતો કહે છે ખાસ કરીને હોમ એપ્લાઇયન્સીઝ, મોબાઇલ શોપ્સ, કમ્પ્યૂટર શોપ્સ, રિટેઇલ માર્કેટ, ગારમેન્ટસ જેવા રિટેલ બિઝનેસની નવી નવી ફર્મ્સ પાલ અને અડાજણ વિસ્તારમાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ બાદ શરૂ થશે.
અડાજણ-પાલમાં પ્રોપર્ટી રેટ્સ વધશે
શહેરના જાણીતા બિલ્ડર્સ અને પાલ અડાજણમાં પ્રોજેક્ટ કરી રહેલા બિલ્ડર્સનું માનવું છે કે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેક્ટ મૂકાયો ત્યારે ઓલરેડી અડાજણ પાલમાં જમીન મકાનના ભાવો અને ભાડાં વધી ચૂક્યા હતા, એટલે પ્રારંભિક પ્રોજેક્ટ ઇફેક્ટ હાલના રેટમાં સામેલ થઇ ચૂકી છે. સંજોગોવસાત્ કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણમાં વિલંબ થયો એટલે માર્કેટ સ્લેક થયું. હવે તાત્કાલિક બ્રિજ ખુલે એટલે પ્રોપર્ટીના ભાવો વધી જશે કે ભાડાં વધી જાય તેવું નથી પણ હાલ 8થી 10 મહિના કે વર્ષના સમયગાળામાં પાલ અડાજણની પ્રોપર્ટીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવાશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા વિસ્તારમાં પ્રોપર્ટી આખા સુરતમાં સૌથી ઉંચા દરે લે-વેચ થશે. ખાસ કરીને પાલ, ભાઠા, પાલનપોર, જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ આવશે.

શહેરભરમાંથી લોકો ડુમસ રોડની જગ્યાએ પાલ-અડાજણમાં આવશે
કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ શનિ-રવિ કે રજાના દિવસોમાં સુરત ડુમસ રોડ તરફ જતા લોકો અડાજણ તરફ વળશે. ડુમસ રોડ કરતા અડાજણ પાલમાં ખાણીપીણીથી લઇને મલ્ટી પ્લેક્સ, શોપિંગ સાઇટ્સ, મોલ્સ વગેરે વિકસી રહ્યા હોઇ શહેરભરમાંથી લોકો કેબલ સ્ટેઇડ બ્રિજ મારફતે અડાજણ પાલમાં ટાઇમ સ્પેન્ડ કરવા માટે આવશે. રજાના દિવસોમાં ડુમસ ગૌરવપથ પર ટ્રાફિકનું ભારણ ઘટશે જ્યારે એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી. પાલ અડાજણમાં ટ્રાફિક સિગ્નલ્સ મૂકવા પડશે.
ડુમસરોડ-વીઆઇપી રોડ અને અડાજણ વચ્ચેની વસતિનો ફરક વિકાસને વેગ આપશે
હાલમાં વેસુના વીઆઇપી રોડ તેમજ ડુમસ રોડ પર શોપિંગ મોલ્સ, ખાણીપાણી તેમજ પ્રોજેક્ટ આવ્યા છે. સુરતી માટે અત્યાર સુધી આ વિસ્તાર પોશ હતો અને લોકો હેંગ આઉટ માટે ત્યાં જઇ રહ્યા છે. પણ હવે હેંગ આઉટ સેન્ટર બદલાઇને પાલ અડાજણ બનશે. પાલ અડાજણમાં ધંધા રોજગાર વિકસવાનું કારણ ઘરાકી છે અને ઘરાકી ત્યાં વધારે થાય જ્યાં લોકો વસવાટ કરતા હોય. વેસુ વીઆઇપી રોડ કે ડુમસ રોડ કરતા સ્વાભાવિક છે કે અડાજણ અને પાલ વસતિની દ્રષ્ટીએ ગીચ છે અને હજુ વધુ ગીચ થશે. આ વિસ્તારમાં ધંધા રોજગાર સ્થાપનારને વેસુ કે ડુમસ રોડ કરતા વધુ ગ્રાહકો મળશે એમાં બે મત નથી. વેસુ, ડુમસ રોડ પર ઇન્વેસ્ટમેન્ટ માથે પડી રહ્યા છે જ્યારે પાલ અડાજણમાં એવું એટલા માટે નહીં બને કે વસતિ ગીચ હોવાને કારણે કોઇપણ ધંધા રોજગાર વેપાર હોય તેને ઘરાકીની સમસ્યા નહીં નડે. આ વિસ્તાર કરન્ટ બની જશે.
રિંગ રોડ કે ઉધના મગદલ્લા જનારાઓ માટે સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે
કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થવાથી સુરતના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોને સવલત જરૂર મળશે. ખાસ કરીને અઠવાલાઇન્સ શાળા કોલેજો કે ધંધા રોજગાર પર જતા લોકોને ફાયદો થશે એમાં બે મત નથી. પણ સુરતની લાઇફ લાઇનસમા રિંગ રોડ, ઉધના, ઉધના મગદલ્લા રોડ વગેરે જતા લોકો માટે તો સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે. કેમકે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી અઠવાલાઇન્સ ઉતાર્યા બાદ ઉમરા પોલીસ મથકની ગલીમાંથી ઘોડદોડ રોડ થઇને કેનાલ કોરીડોર બીઆરટીએસ સુધી પહોંચતા ભારે ટ્રાફિક હશે એનાથી બેટર વિકલ્પ સરદાર બ્રિજથી રિંગ રોડ કે ઉધના વિસ્તારમાં જવું સહેલું રહેશે.
You Can Find us on Google Play store too

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


