લઠ્ઠો પી ને મરનારાઓને 4 લાખ અને અકસ્માતમાં મરનાર નિર્દોષ ભૂલકાઓને અઢી લાખ
લઠ્ઠો (દેશીદારુ) પી ને મરનારાઓના પરિવારજનોને ગુજરાત સરકાર રૂ.4 લાખની સહાય આપે છે જ્યારે અકસ્માતમાં સુરતના જે નિર્દોષ ભૂલકાઓ મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખની સહાય. રાજ્ય સરકારની સહાયમાં આ પ્રકારનો ભેદ અન્યાયકર્તા હોવાનું જણાવીને પાસના કાર્યકર્તાઓએ આજે સુરત કલેક્ટર સંકુલ ખાતે બેમુદતી ધરણા સાથે અન્નત્યાગનું શસ્ત્ર ઉગામતા સુરત પોલીસ સમેત તંત્રવાહકો નાતાલની રજાના દિવસે પણ દોડતા થઇ ગયા હતા.

સુરતના પાસના કાર્યકરોએ આજે અણચિતવ્યી રીતે સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે પહોંચીને અમરોલીના બાળકોની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને રૂ.4-5 લાખ અને ઇજાગ્રસ્ત બાળકોની તમામ મેડીકલ સેવાનું બિલ ચૂકવવાની માગણી તાત્કાલિક ઉકેલવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. કલેક્ટર કચેરીએ ત્વરિત પગલાં નહીં ભરતા પાસના અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ 100-150 કાર્યકરોએ કલેક્ટર કચેરીના સંકુલમાં જ ધરણા શરૂ કરી દીધા હતા. બપોર બાદ પાસના કાર્યકરોએ અન્નત્યાગ પણ કરી દીધો હતો.
આજે નાતાલના દિવસે જાહેર રજા હોવા છતાં પાસના કાર્યકર્તાઓ સવારે અઠવાલાઇન્સ ચોપાટીની બાજુમાં આવેલી કલેક્ટર કચેરીના સંકુલમાં પહોંચ્યા હતા. કલેક્ટર ડો.ધવલ પટેલને મળીને અમરોલી બસ દુર્ધટના બાબતે રજૂઆતો કરી હતી. તેમની ચાર મુખ્ય માગણીઓ આ મુજબ હતી.
- લઠ્ઠાકાંડમાં મોતને ભેટતા દારુડીયાઓને રાજ્ય સરકાર રૂ.4 લાખની સહાય કરે છે તો અમરોલીની બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા ભૂલકાઓને પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખ કેમ, અલ્પેશ કથિરીયાએ રૂ.4-5 લાખની ત્વરીત સહાય આપવામાં આવે.
- અમરોલી બસ દુર્ઘટનામાં ઇજા પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને તમામ બિલની રકમ ચૂકવવામાં આવે.
- દારુ પીધેલા બસ ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી તેમજ જેની પાસેથી દારુ લીધો તેની સામે પણ પગલાં ભરવામાં આવે.
કલેક્ટર ડો. ધવલ પટેલે આવેદનપત્ર સ્વીકાર્યું અને ઘટતું કરવા માટે સરકારને મોકલી આપવાનું જણાવ્યું હતું. અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ ગયેલા પાસના કાર્યકર્તાઓએ ત્વરીત એકશન નહીં લેવાતા કલેક્ટર કચેરી સંકુલમાં જ સવારથી ધરણા શરૂ કરી દીધા હતા. 100થી 150 જેટલા પાસના કાર્યકર્તાઓએ અચોક્કસ મુદતના ધરણા શરૂ કરી દીધા હતા. મોડી સાંજે મળતી માહિતી મુજબ ધરણા પર બેઠેલા પાસના કાર્યકર્તાઓએ અન્નનો ત્યાગ કરી દીધો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


