‘પાસ’ પાટીદારોમાં અંદરો-અંદર જ શરુ થઇ ફાઇટ ટુ ફિનિશ
જયેશ બ્રહ્મભટ્ટ
એક સમયે સમગ્ર ગુજરાતનું જનજીવન ખોરવી દેનારું પાટીદાર આંદોલન હવે ફાઇટ ટુ ફિનિશના મોડમાં આવી ગયું છે. ફાઇટ ટુ ફિનિશ એ સેન્સમાં કે હવે પાસમાં બાકી બચેલા નેતાઓ અંદરો અંદર એવી લડાઇ લડી રહ્યા છે કે પાસ જેવી સંસ્થા જ નહીં રહે. પાટીદાર આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હવે કોંગ્રેસી નેતા બની ચૂકેલા હાર્દિક પટેલએ કોંગ્રેસની કંઠી બાંધી ત્યારથી શરૂ થયેલા અંદરોઅંદરના ડખાંમાં તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પાસની મિટીંગે પેટ્રોલ હોમવાનું કામ કર્યું. અમદાવાદની પાસની મિટીંગના મંચ પર લગાડાયેલા બેનરમાં એકલા હાર્દિક પટેલનો ફોટો સમાવાયો હતો અને અલ્પેશ કથિરીયાની બાદબાકી કરવામાં આવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત એ જ મિટીંગમાં પડ્યા અને હાર્દિક અલ્પેશ ગબ્બરના સમર્થકો અંદરોઅંદર ઝઘડી પડ્યા. બસ આ ફાઇટથી શરૂ થઇ છે પાસમાં ફાઇટ ટુ ફિનિશની ગેમ.
(સુરતમાં લાગેલા હાર્દિક પટેલ વિરોધી બેનર્સ હવે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ લાગવા માંડ્યા છે)
અમદાવાદ ખાતેની પાસની છેલ્લી મિટીંગના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો નહીં સામેલ કરીને હાર્દિક એન્ડ કંપનીએ પાસનો જ સેલ્ફ ગોલ સાથે ફાઇટ ટુ ફિનિશ શરૂ કરી
- કેન્દ્ર સરકારે 10 ટકા ઉજળીયાત અનામત આપીને પાટીદાર આંદોલન માટે લડવાનો કોઇ મુદ્દો રહેવા દીધો નહીં
- હાર્દિક પટેલએ પણ પવન જોઇને વહાણનું શઢ રાજકીય દિશામાં ફેરવતા કોંગ્રેસની કંઠી બાંધી લીધી
પાટીદારો માટે અનામતની માગ સાથે શરૂ થયેલું પાસનું પાટીદાર આંદોલન ત્યારે જ હળવું થઇ ગયું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત પાટીદારોને નહીં બલ્કે તમામ ઉજળીયાત વર્ગના આર્થિક રીતે પછાત પરિવારોના ઉમેદવારોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી અને એ પછી લોકસભા, રાજ્યસભામાં તાબડતોડ ઠરાવો કરાવીને તેનો અમલ ચૂંટણી પહેલા શરૂ કરાવી દીધો. આ ડેવલપમેન્ટ પછી પાટીદાર અનામત આંદોલન પાસે કોઇ નક્કર મુદ્દો લડવા માટે રહ્યો નથી, અને હવે ગુજરાતમાં ફક્ત પાટીદારોને અનામત મળે તેવી કોઇ શક્યતા પણ રહી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા હાર્દિક પટેલએ પોતાની નાની ઉંમર અને ભવિષ્યને જોતા રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવાના ઇરાદે કોંગ્રેસની કંઠી બાંધી લીધી.
હાર્દિકને પાટીદાર સમાજના ગદ્દાર ચિતરતા પોસ્ટર પહેલા સુરત લાગ્યા, બાદમાં સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં લાગવા માંડ્યા
અનેક પાટીદાર નેતાઓ, પાસના કાર્યકર્તાઓને હાર્દિકનું આ પગલું ગમ્યું નહીં, પણ પાસમાં ફાટફૂટ ન પડે તે માટે પહેલા કોઇ કશું બોલ્યું નહીં. પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં મળેલી પાસની મિટીંગમાં તોફાન થયા પછી હવે હાર્દિક પટેલ વિરુદ્ધ પહેલા સુરતમાં, બાદમાં સૌરાષ્ટ્રમાં અને હોળીના દિવસથી અમદાવાદમાં પણ પોસ્ટરો લાગવા માંડ્યા છે. હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર દર્શાવતા એક સરખા બેનરો સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, જામનગરમાં લાગી રહ્યા છે. ભાજપા માટે આ એક ગેઇનિંગ સબ્જેક્ટ છે. પાટીદારો અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને અલ્પેશ ગબ્બર એક હતા, તેમાં પણ હવે ઉગ્ર મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. લાલજી પણ હાર્દિક વિરુદ્ધ ખુલ્લંખુલ્લા મોરચો માંડી ચૂક્યા છે, આમ એક સમયે ગુજરાતનું જનજીવન ખોરવી નાંખનાર શક્તિશાળી પાટીદાર આંદોલન અને પાસનું સંગઠન વેરણછેરણની સ્થિતિમાં આવી ચૂક્યું છે.
હાર્દિકનો બળાપો, ભાજપના આશીર્વાદથી વિરોધ થઇ રહ્યો છે
છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલનો વિરોધ ખુદ પાટીદારો કરી રહ્યા છે, જામનગરમાં જ્યાંથી હાર્દિક પટેલએ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયો, એથી વિશેષ સુરતમાં પાટીદાર સમાજનો ગદ્દાર ચિતરતા પોસ્ટર લાગ્યા, આ સિલસિલો જે રીતે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહયો છે એ માટે હાર્દિક પટેલ જાહેરમાં એવો બળાપો કાઢી રહ્યો છે કે ભાજપા નેતાઓ આવું કરાવી રહ્યા છે. આ એક પોલિટીકલ સ્ટેટમેન્ટથી વિશેષ કંઇ ગણાતું નથી. હાર્દિક જ્યારે શક્તિશાળી પાટીદાર આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે પણ ઇમ્મેચ્યોર હતો અને આજે પણ ઇમ્મેચ્યોર જ જણાય છે. એ સમયે છાશવારે એવા નિવેદનો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બન્ને સરખા છે, આજીવન ક્યારેય કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ, એ જ હાર્દિકે કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે, હવે એ પોતાના વિરોધ માટે ભાજપાના નેતાઓને જવાબદાર ગણાવી રહ્યો છે, એ પણ નાદાનીથી વિશેષ કશું નથી. રાજકારણની ગેમમાં કદાચ હાર્દિક નબળો પડીને ધીમે ધીમે અસરકારકતા ગુમાવી દેશે.
( પાસના બે દિગ્ગજ નેતાઓમાં શરૂ થઇ છે ફાઇટ)
સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ હાર્દિક પટેલને આંધળું સમર્થન આપીને મોટો બનાવ્યો એ જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકરો હવે હાર્દિક પટેલનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પૂરું હવે અલ્પેશ કથિરીયાના સમર્થકોની પણ દુશ્મનાવટ વ્હોરી લઇને હાર્દિકે તેની સામે એવું જોખમ ઉભું કર્યું કે જેનાથી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ઘટી રહી છે. પાટીદારો હવે એવું માનવા માંડ્યા છે કે હાર્દિક પટેલ સમાજના નામે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે.
બીજી તરફ અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલા પોલીસ કેસ તેમજ તેની વર્તણૂકને લીધે બુધ્ધિજીવ પાટીદારો હવે પાસ કે આંદોલનથી કિનારો પકડી રહ્યા છે. અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલી લિગલ પ્રોસિડીંગ્સને કારણે પાટીદાર આંદોલન કે પાસ પાસે હવે કોઇ એવો સક્રીય નેતા રહ્યા નથી કે જે આ સંગઠનને નવી દિશા આપીને જાળવી શકે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે પડેલા ડખાં સમગ્ર સંગઠનને જ ફિનિશ કરવા તરફ દોરી જઇ રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
