CIA ALERT

‘થપ્પડ’થી ધરપકડ : નારાયણ રાણે Case

Share On :

જોરદાર હંગામા વચ્ચે કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરવામાં આવી. શહેરમાં પણ ઠેર-ઠેર બીજેપી અને શિવસેનાના કાર્યકરો બાખડી પડ્યા

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોમવારે બીજેપીની જન આશીર્વાદ યાત્રા દરમ્યાન મહાડમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આપણો દેશ ક્યારે સ્વતંત્ર થયો હતો એ વર્ષ ભૂલી ગયા હોવાથી પોતાના સહયોગીને પૂછ્યું હતું. આ બહુ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને ખબર નથી કે આપણને સ્વતંત્ર થયાને કેટલા વર્ષ થયાં? પોતાના ભાષણ દરમ્યાન પાછળ જોઈને તેમણે સહયોગીને પૂછ્યું હતું. એ સમયે હું તેમની પાસે હોત તો તેમને કાન નીચે વગાડી દેત. નારાયણ રાણેના આ નિવેદનથી રાજ્યભરમાં ઘમસાણ મચી ગયું છે. નારાયણ રાણે સામે નાશિક, મહાડ, પુણે, થાણે સહિત એફઆઇઆર નોંધાયા બાદ ગઈ કાલે બપોર બાદ તેમની રત્નાગિરિના સંગમેશ્વરમાંથી પોલીસે ધરપકડ કરી હતી.

નારાયણ રાણેના વકીલોએ રત્નાગિરિની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેમના વકીલોએ નાશિક સાઇબર પોલીસે નોંધેલી ફરિયાદમાં ધરપકડથી બચવા માટે કરેલી અરજી કોર્ટે માન્ય નહોતી રાખી. ત્યાર બાદ તેમના વકીલો મુંબઈ હાઈ કોર્ટમાં ગયા હતા જ્યાં તેમની અરજી ઉતાવળે સાંભળવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો.

રત્નાગિરિમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા

નારાયણ રાણેએ પોતાની સામેની પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં રત્નાગિરિના પોલીસવડાએ પાલક પ્રધાન અનિલ પરબનો સંપર્ક કરીને તેમને માહિતી આપી હતી. રાણેએ ધરપકડ કરતાં પહેલાં અરેસ્ટ વૉરન્ટની માગણી કરી હતી. જોકે સેશન્સ અને હાઈ કોર્ટ તરફથી રાહત મળી ન હોવાથી વૉરન્ટની જરૂર ન હોવાનું અનિલ પરબે કહેતાં બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી. જોકે એ પહેલાં બીજેપીના સ્થાનિક નેતા પ્રમોદ જઠારે કેન્દ્રીય પ્રધાનની પોલીસ ધરપકડ ન કરી શકે એમ કહ્યું હતું. નારાયણ રાણેનું બ્લડ-પ્રેશર અને શુગર-લેવલ વધી ગયું હોવાથી તેમની ડૉક્ટરે તપાસ કરી હતી અને બાદમાં પોલીસ સાથે રવાના કરાયા હતા. આ સમયે રાણેના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જોકે પોલીસે બધાને વિખેરી નાખ્યા હતા. કેટલાક સમર્થકોએ તો ખુરસીઓ ફેંકીને વિરોધ કર્યો હતો. એક સમર્થક તો રાણેની કારની સામે સૂઈ ગયો હતો. બીજેપીએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસે રાજકીય દબાવમાં આવીને નારાયણ રાણેને જમવા પણ નહોતા દીધા. તેઓ જમતા હતા ત્યારે જ લઈ જવામાં આવ્યા હતા.

રાણેની ખિલાફ ચાર એફઆઇઆર

રાણેના નિવેદનને લઈને નાશિકના શિવસેનાના પ્રમુખ સુધાકર બડગુજરે નાશિકના મહાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન અને એક બંધારણીય પદ પર છે એટલે તેમના વિશે આપવામાં આવેલું નિવેદન આખા રાજ્ય માટે અપમાન છે. પોલીસે નારાયણ રાણેની વિરુદ્ધ ૫૦૦, ૫૦૨, ૫૦૫ (બી) અને ૧૫૩ (એ) અંતર્ગત કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાણેના નિવેદનથી સમાજમાં નફરત અને તિરાડ પેદા થઈ શકે છે તેમ જ કાયદો-વ્યવસ્થાની સમસ્યા પેદા થઈ શકે છે. એ પછી નાશિક પોલીસે રાણેની વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. એ પછી પુણેના ચતુઃશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં યુવા સેનાના સચિવ રોહિત કદમે આઇપીસીની કલમ ૧૫૩, ૧૫૩ બી(૧)(સી), ૫૦૨ (૨) અંતર્ગત કેસ નોંધાવ્યો છે. આ રીતે કેસ રાયગડના મહાડમાં પણ નોંધવામાં આવ્યો છે.

‘મુરઘીચોર’નાં પોસ્ટર્સ લાગ્યાં

નારાયણ રાણેના નિવેદન પછી રાતોરાત મુંબઈના દાદર વિસ્તારમાં શિવસૈનિકોએ તેમની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાં હતા. એમાં નારાયણ રાણેના ફોટો સાથે ‘કોમ્બડી ચોર’ એટલે કે મરઘી ચોર લખ્યું હતું. આ સિવાય મોડી રાત્રે રાણેના નિવાસસ્થાન પર શિવસેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દેખાવો પણ કર્યા હતા. બીજી બાજુ ગઈ કાલે દિવસ દરમ્યાન મુંબઈ સહિત આખા રાજ્યમાં બીજેપી-શિવસેનાના સમર્થકો સામસામે આવી ગયા હતા.

ગઈ કાલે બપોરે જુહુ વિસ્તારમાં આવેલા નારાયણ રાણેના બંગલા પાસે જોરદાર હંગામો થયો હતો. આ જ રીતે મુંબઈના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગરમાં પણ બન્ને પાર્ટીના કાર્યકરો બાખડી પડ્યા  હતા. નારાયણ રાણેની ધરપકડ બાદ મુંબઈમાં ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.

રાણેને પ્રધાનપદેથી દૂર કરો

શિવસેનાના નેતા અને સંસદસભ્ય વિનાયક રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નારાયણ રાણેને પ્રધાનપદેથી દૂર કરવાની માગણી કરી હતી. વિનાયક રાઉતનો પત્ર મળ્યાની ગણતરીની મિનિટોમાં જ તેમને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો કે પ્રધાનમંત્રી વ્યસ્ત હોવાથી આ બાબતે તમે ગૃહપ્રધાનના સંપર્કમાં રહો, તમારો પત્ર તેમને મોકલી આપવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય એ કરવા દોમારે જે કરવું છે એ હું કરીશ,અમે પણ રાજકારણમાં છીએ : નારાયણ રાણે

પોલીસે ધરપકડ કર્યા બાદ નારાયણ રાણેએ એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય એ કરવા દો, મારે જે કરવું છે એ હું કરીશ. તે કાયમ થોડા મુખ્ય પ્રધાન રહેશે. આવી રીતે કાયદાનો દુરુપયોગ કરવાના હશે તો અમે પણ રાજકારણમાં છીએ.’

ઉદ્ધવ ઠાકરે વિશેના વિવાદાસ્પદ નિવેદન બાબતે હવે શું લાગે છે? આ સવાલના જવાબમાં નારાયણ રાણેએ કહ્યું હતું કે મેં થપ્પડ મારીશ એમ કહ્યું જ નથી. તેમણે ભાષણ આપતાં પહેલાં ઇતિહાસ વાંચી લેવાની જરૂર હતી એમ કહ્યું હતું. ત્યાર બાદ હું જો ત્યાં હોત તો તેમને થપ્પડ મારી હોત એમ કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :