મહારાષ્ટ્ર સરકાર દૂધ ઉત્પાદકોને રૂ.25 પ્રતિ લિટરનો ભાવ આપવા તૈયાર
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ખેડૂતોની લિટરદીઠ રૂ. 25નો ભાવ આપવાની માગ સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેરી ડેવલપમેન્ટ પ્રધાન મહાદેવ જાનકરના નિવેદન અનુસાર પાઉચમાં પૅક કરવામાં આવતા દૂધ માટે કોઈ સબ્સિડી આપવામાં આવશે નહીં. આ ઉપરાંતના દૂધને સરકાર રૂ. 5ની સબ્સિડી આપશે. આ સબ્સિડી દૂધ પુરવઠો ઉપલબ્ધ કરનાર અથવા પ્રક્રિયા કરનાર સંસ્થામાંથી એકને જ મળશે. જે દૂધનો પાઉડર ઉત્પાદિત કરે છે તેઓ જો રૂ. પાંચની સબ્સિડીનો લાભ લેશે તો તેમને પાઉડર પર મળતી આયાત માટે મળતી મદદનો લાભ મળશે નહીં, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
દૂધના ભાવમાં લિટરદીઠ પાંચના વધારાની માગ સાથે શરૂ થયેલું આંદોલન ચાર દિવસ ચાલ્યું હતું. મુંબઈમાં તેની સીધી અસર જોવા મળી નથી, કોલ્હાપુર, સોલાપુર, બુલઢાણા, પુણે તેમ જ રાજ્યના ઘણા ભાગોમાં તે હિંસક બન્યું છે. રાજ્યના અમુક જિલ્લા અને અંતરિયાળ વિસ્તારોમાં દૂધ દ્વારા ભગવાનનો અભિષેક કરવો, દૂધ રસ્તા પર ઢોળી દેવાના બનાવો બન્યા હતા.
બીજી બાજુ અમુક સ્થળોએ ખેડૂતોએ જાનવરોને પણ રસ્તા પર ઉતાર્યાં હતાં અને ચક્કાજામ કર્યો હતો. ચિખલી, સાતારા, બારામતી, નાશિક, બુલઢાણા, જાલના વગેરે જિલ્લાઓમાં આંદોલનની તીવ્રતા વધારે દેખાઈ હતી. પોલીસે લગભગ 30 જેટલા આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. બૅંગલૉર નેશનલ હાઈ વૅ સહિત અમુક રસ્તાઓ પર પણ ચક્કાજામ કરવાની કોશિશ થઈ હતી.
રાજ્યમાં ચાલી રહેલા દૂધના આંદોલનની ઘણા કારણોસર ટીકા કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્યના ખેડૂતોને દેશમાં સૌથી ઓછો ભાવ મળતો હોવાની હકીકત પણ સામે આવી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર દેશમાં દૂધ ઉત્પાદનના મહારાષ્ટ્રનો ક્રમાંક સાતમો છે, પરંતુ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને ઓછો ભાવ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગાયના દૂધ માટે ખેડૂતોને ખાનગી સેક્ટરમાં રૂ. 16 મળે છે જ્યારે સહકારી સેક્ટરમાં રૂ. 18.5થી 23 મળે છે. દેશભરમાં ડેરી ઉદ્યોગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેનું એક કારણ આ પણ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે રૂ. 29.5, કર્ણાટકમાં રૂ. 27.5- આ સાથે સરકાર રૂ. 5 સબ્સિડીરૂપે આપે છે, ઉત્તર પ્રદેશમાં રૂ. 25.6, પંજાબ રૂ. 25, મધ્ય પ્રદેશ રૂ. 25, રાજસ્થાન રૂ. 23.6 અને મહારાષ્ટ્રમાં રૂ. 18.5થી રૂ. 23 સુધી આપવામાં આવે છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં રાજ્યોનો ભાગ જોઈએ તો ઉત્તર પ્રદેશ 17 ટકા, રાજ્સ્થાન 12.6 ટકા, મધ્ય પ્રદેશ 8.1 ટકા, ગુજરાત 7.7 ટકા, આંધ્ર પ્રદેશ 7.4 ટકા, પંજાબ 6.8 ટકા અને મહારાષ્ટ્ર 6.3 ટકા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
