CIA ALERT

સુરતના હીરા ઉદ્યોગે નવી ઉંચાઇએ પહોંચવા માટે જરૂરી પરિવર્તનો કરી લીધા છે : સેવંતીભાઇ શાહ (વિનસ જ્વેલ)

Share On :

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગના અગ્રણી સેવંતી શાહ સાથે સફળ જીવનની સફર વિશે વાર્તાલાપ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ર૪ જૂન ર૦ર૧ના રોજ વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશે વેબિનાર થકી વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવંતી શાહે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને યુવા ઉદ્યોગ સાહસિકોને જીવનમાં યોગ્ય દિશામાં આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન આપી તેમના જીવન વિશેની રસપ્રદ યાદો વર્ણવી હતી.

સેવંતીભાઇ શાહે સુરતના હીરા ઉદ્યોગે કરેલી કેટલાક પરિવર્તનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સુરતનો હીરા ઉદ્યોગ નવી ઉંચાઇએ પહોંચશે એમાં કોઇ શંકા નથી

સેવંતી શાહે જણાવ્યું હતું કે, મેટ્રીક બાદ મુંબઇ જઇને આગળ ભણવાનું નકકી કર્યુ હતું પણ સંજોગો એવા બન્યા કે આગળ ભણવાનું માંડી વાળી હીરાના ધંધામાં આવ્યા હતા. ગોપીપુરામાં હીરાની ઓફિસ હતી અને લંબેહનુમાન રોડ ઉપર કારખાનું હતું તે સમયે હીરાના ધંધામાં કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ ૧૯૮૮માં જ્યારે એન્ટવર્પમાં અન્ય હીરા ઉદ્યોગકારો સાથેની મિટીંગ મળી હતી તે સમયે હીરા ઉદ્યોગમાં વિશ્વ કક્ષાએ સારુ નામ ધરાવતા સ્થાનિક મહાનુભાવે એવું કહયું હતું કે હીરા ઉદ્યોગમાં હાલ બેલ્જીયમ જે લેવલે છે તે લેવલે ભારત આવતા પ૦ વર્ષમાં પણ આવી શકશે નહીં. મહાનુભાવની આ વાતને ચેલેન્જ સમજીને તે સમયે માત્ર મોટા અને મોંઘા હીરાની રફ લેવાનું નકકી કર્યું હતું અને મોટા હીરા બનાવવાની શરૂઆત કરી હતી.

જે સમયે તેમણે હીરા ઉદ્યોગમાં મોટા અને મોંઘા હીરા બનાવવાની શરૂઆત કરી હતી તે સમયે માત્ર મુંબઇમાં જ થોડા ઘણા પ્રમાણમાં મોટા હીરા બનતા હતા. ધીરે ધીરે હીરા ઉદ્યોગના અન્ય અગ્રણીઓ પણ તેમના નવા કોન્સેપ્ટ સાથે જોડાતા ગયા હતા અને હીરા ઉદ્યોગ ડેવલપ થઇ ગયો. ત્યારબાદ તેમણે નવા કોન્સેપ્ટ સાથે સેન્ટ્રલ એર કન્ડીશન મોટી ઓફિસનું નિર્માણ કર્યું હતું. તે સમયે હીરાના સવાથી દોઢ લાખ જેટલા કારીગરો બેલ્જીયમ તથા ઇઝરાઇલમાં કામ કરતા હતા અને હવે આજે કારીગરો જ નહીં પણ સમગ્ર હીરા ઉદ્યોગ સુરત આવી ગયો છે.

તેમણે જ ફેકટરીમાં કર્મચારીઓને બપોરનું જમવાનું આપવાની શરૂઆત કરી હતી. એક પેકેટ એક હીરો સ્કીમ ચાલુ કરી હતી અને કર્મચારીઓ પાસે આઠ કલાક જ કામ કરવાનું નકકી કર્યું હતું. રત્નકલાકારોને બચત કરેલા નાણાં ભવિષ્યમાં કામ લાગી શકે તે માટે સૌપ્રથમ વખત પ્રોવિડન્ટ ફંડ કાપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જે કર્મચારીઓના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેઓને ગ્રેજ્યુઇટી આપવાની શરૂઆત કરી હતી. સાથે જ કર્મચારીઓને પેન્શન સ્કીમમાં આવરી લીધા હતા. કર્મચારીઓ માટે ઇન્કમ ટેકસના રિટર્ન ભરવાની સુવિધા ઉભી કરી હતી અને તેઓને ઉનાળા વેકેશન અને દિવાળી વેકેશનનો પણ પગાર આપવામાં આવે છે.

વર્ષ ર૦૦૮માં હીરા ઉદ્યોગમાં મોટાપાયા ઉપર મંદીનું વાતાવરણ સર્જાયું હતું. તે સમયે જ્યારે સમગ્ર હીરા ઉદ્યોગનું કામકાજ બંધ થઇ ગયું હતું ત્યારે પણ ફેકટરી ચાલુ રાખી હતી. કોઇપણ કર્મચારીનો પગાર કાપવામાં આવ્યો ન હતો અને પગાર ઘટાડવામાં પણ આવ્યો ન હતો. કર્મચારીઓએ પણ કવોલિટી પ્રોડકશન માટે ફેકટરી મેનેજમેન્ટના સૂચનોનું પાલન કરી મેનેજમેન્ટને સહકાર આપ્યો હતો. ત્યારબાદ થોડાક મહિના બાદ સમગ્ર હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી ગયો હતો. કોરોના કાળમાં પણ લોકડાઉન દરમ્યાન હીરાની ફેકટરીઓ બંધ રહી હતી તે સમયે પણ કર્મચારીઓને પગાર આપીને તેઓની તથા તેઓના પરિવારજનોની કાળજી રાખવામાં આવી હતી.

વિદેશમાં ઓફિસ રાખ્યા વિના અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને ઓનલાઇન સેલ કરતા હતા. હવે તો વિશ્વમાં હીરા માટે મોટામાં મોટું માર્કેટ મુંબઇ બની ગયું છે. વિશ્વના બધા જ હીરાના ખરીદદારો મુંબઇ આવે છે એટલે મુંબઇ ઓફિસ રાખીને ત્યાંથી બધો બિઝનેસ થાય છે. તેમણે કહયું કે, સુરતમાં હીરાનું મેન્યુફેકચરીંગ થતું હોય ત્યારે તેનું માર્કેટીંગ સુરતમાં કેમ ન થાય? તેવું વિચારીને આખરે હીરા બુર્સ શરૂ કરવાનું નકકી કર્યું હતું. આનાથી મુંબઇના હીરા બુર્સને કોઇ નુકસાન થશે નહીં. કારણ કે, હીરાના નાના વેપારીઓ માટે મુંબઇમાં મોંઘી ઓફિસ લઇને બિઝનેસ કરવાનું શકય ન હતું. આથી મોટા વેપારીઓની સાથે નાના વેપારીઓ પણ સુરતમાં હીરા બુર્સથી બિઝનેસ કરી શકશે.

કેન્દ્ર સરકાર પણ ધંધા – રોજગારને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે હીરા બુર્સ વધારે સાર્થક થશે તેમ લાગી રહયું છે. આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ પણ ડેવલપ થઇ ગયું છે અને આંતરરાષ્ટ્રીય કનેકટીવિટીને કારણે વિદેશોની ફલાઇટ પણ સીધી સુરત આવતી થશે ત્યારે હીરા ઉદ્યોગ વધુ ઉંચાઇએ પહોંચશે. તેમણે કહયું કે, કોરોના કાળમાં પણ હીરા ઉદ્યોગ ધમધમી રહયો છે. હવે વેપારીઓ ઉધારને બદલે રોકડમાં ધંધો કરતા થયા છે. આ બાબતને તેમણે વરદાનરૂપ ગણાવી હતી અને ભવિષ્યમાં પણ હીરા ઉદ્યોગ નવી ઉંચાઇઓ સર કરશે તેવું ચોકકસપણે લાગી રહયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે કહયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂરલ ડેવલપમેન્ટ અને ગામડાની ઇકોનોમી વિશે એક વખત વાત થઇ હતી ત્યારે તેમને રસ પડયો હતો અને એ દિશામાં લાંબી ચર્ચા થઇ હતી. હીરા ઉદ્યોગમાં કાયદાના પાલન સાથે ધંધો કરી શકીએ છીએ ત્યારે હેલ્થ કેર સેકટરમાં પણ સિદ્ધાંતોના પાલન સાથે સારુ વાતાવરણ ઉભું કરવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું નકકી કર્યું હતું અને આવી રીતે વિનસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. વિનસ હોસ્પિટલના ઉદ્‌ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સમગ્ર વેબિનારનું સંચાલન માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સુપેરે પાર પાડયું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :