Land N.A. : ઑનલાઇન સિસ્ટમમાં નવો સુધારો
Land N.A.માં પેમેન્ટ પહેલા પ્રોવિઝનલ મંજૂરી પત્ર મળશે, ડેવલપરને ફાયદો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બિનખેતી (Land N.A.) ની કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિશે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઑનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે. આ નાણાંનું ઑનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી દ્વારા ખરાઈનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં અરજદારને ઇન્ટિમેશન લેટરની સાથે એન. એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.

અરજદારનું વેરિફિકેશન ઓનલાઇન થવાથી બિનજરૂરી વિલંબ નહીં થાય
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજૂર કરવાની કાર્યવાહી દરમિયાન જરૂરિયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની રહે છે. આ ખરાઈ ઑફલાઇન થવાને કારણે તથા કોઈ કિસ્સામાં એક જિલ્લાનો અરજદાર બીજા જિલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે ત્યારે બીજા જિલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં હવેથી ઑનલાઇન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હકપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઑનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસૂલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઑનલાઇન ચકાસણી કરશે, જેથી ખેડૂત ખાતેદારની ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.
જમીન પર બેંક-મંડળીનો બોજો હશે તો તેના ઉલ્લેખ સાથે બિનખેતીની પરવાનગી અપાશે
મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે બિનખેતીની કાર્યપદ્ધતિમાં બોજા સાથે બિનખેતી પરવાનગી આપવા-લેવાના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તાપ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા, નવી શરતની જમીનમાં ખેતી, બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગીની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી. આ કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા અંગે વધુ માહિતી આપતા કૌશિક પટેલે જણાવ્યું હતું કે, વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હોઈ અને માત્ર ઉપયોગનો હેતુ/સત્તા પ્રકાર જ બદલાતો હોઈ અને અન્ય કોઇ નિયમોનો હુકમોનો ભંગ ન થતો હોઈ, જમીન પર સરકારી લ્હેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય, માત્ર જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા બાબતે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આવા કિસ્સાઓમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી આપવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
