સુરતમાં નવું ખોડલધામ: મોટી વોટબેંક પ્રભાવિત : પાટીદારોની પ્રચંડ શક્તિ નરેશ પટેલ ભણી
જયેશ બ્રહ્મભટ્ટ
-
સામી ચૂંટણીએ પાટીદારોની વસતિ, વોટ, સમૃદ્ધિની પ્રચંડ શક્તિ હવે માં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી
તા.22મી માર્ચ 2019ના રોજ સુરતમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલએ સુરત કે દક્ષિણ ગુજરાતમાં ખોલડધામ ઉભું કરવાની કરેલી જાહેરાત બાદ પાટીદાર સમાજમાં જે રીતના વમળો સર્જાયા તેના પરથી લખી શકાય કે સુરત-સૌરાષ્ટ્રમાં (ઉત્તર ગુજરાત સિવાય)ના પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી જઇ રહી છે. પાટીદારોને પ્રચંડ શક્તિથી એટલા માટે પ્રયોજી રહ્યો છું કેમકે પાટીદારો વસતિ, સમૃદ્ધિ, વોટિંગ તમામ દ્રષ્ટીએ એક મોટી તાકાત છે અને તેનો સ્વીકાર કરવો જ પડે. સુરતમાં ખોડલધામના નરેશ પટેલ નવું ખોડલધામ ઉભું કરવાની કરેલી જાહેરાતે ગુજરાતના લાખો પાટીદારોને સામી ચૂંટણીએ પ્રભાવિત કરી મૂક્યા છે. નવું ખોડલધામ ઉભું કરવાના ન્યુઝ સોશ્યલ મિડીયામાં જે રીતે માઇલેજ મેળવી રહ્યા છે, તેની તર્જ પરથી એવું ગણિત માંડી શકાય કે પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામ નરેશ પટેલ કેમ્પ ભણી પ્રયાણ કરી રહી છે. પાટીદારોની પ્રચંડ શક્તિ યોગ્ય નેતૃત્વ શોધી રહી છે.
સુરતમાં ખોડલધામનું નવું સંકુલ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદાર મતોને ગુજરાતમાં પ્રભાવિત કર્યા, જો નરેશ પટેલ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા હોત તો ચૂંટણી પંચે તેમને આચારસંહિતા ભંગની નોટિસ જારી કરી હોત એ હદે તેમની જાહેરાતે પાટીદાર વોટબેંકને પ્રભાવિત કરી છે, પરંતુ, નરેશ પટેલ એક ધાર્મિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે ચૂંટણી પંચ તેમની આ જાહેરાતની સામે કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી
એક સમય એવો હતો કે પાટીદારોએ પાસ, પાટીદાર આંદોલનને તન, મન, ધનથી જબરદસ્ત સપોર્ટ કર્યો હતો. ભાજપા સાથે કે સરકાર સાથે સંકળાયેલા મોટા ગજાના પાટીદાર નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ પાસ અને પાટીદાર આંદોલનને છાના છપના પણ એવો સપોર્ટ કર્યો કે પાટીદાર અનામત આંદોલન ગુજરાતને ગણતરીની મિનીટોમાં ડિસ્ટર્બ કરી દેવાની તાકાત ધરાવતું હતું. પાટીદાર આંદોલનની નેતાગીરી જેના શિરે નાંખવામાં આવી હતી એ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તેમજ અન્ય નેતાઓએ પાટીદારની પ્રચંડ શક્તિ, સંગઠનને જાળવવામાં સરીયામ નિષ્ફળતા મેળવી, તેમણે લોકપ્રિય નેતા બનવાની તક વેડફી નાંખી, હાર્દિક પટેલે લાખોની મેદની વચ્ચે અનેક વખત જાહેરાતો કરી કે આજીવન રાજનીતિમાં નહીં જાઉ, એ જ વિડીયો, એ જ ભાષણો ફરીથી પ્રસરાવીને હવે પાટીદારો તેને સમાજનો ગદ્દાર ચિતરીને એ જ્યાં જઇ રહ્યો છે ત્યાં તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અલ્પેશ કથિરીયા લિગર પ્રોસિડિંગ્સમાં એવો ફસાયો છે કે હવે તે સમાજને નેતૃત્વ આપી શકે તેમ નથી.
-
દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદારોને ચૂંટણીના સમયે પ્રભાવિત કર્યા
આવી સ્થિતિમાં છેલ્લા વીસેક દિવસથી ગુજરાત પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી એકત્રિત અને સંગઠિત થઇ રહી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ નરેશ પટેલ અને તેમના પુત્ર પૈકી જે તૈયાર થાય તેને જ્યાંથી ટિકીટ માંગે ત્યાંથી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ જ છે કે બન્ને રાજકીય પક્ષોએ જાણી ચૂક્યા છે કે હવે પાટીદાર આંદોલન તો વેરણછેરણ થઇ રહ્યું છે પરંતુ, પાટીદારોની મોટા ભાગની વસતિ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓની જે તાકાત છે પછી એ વોટિંગની હોય કે સમૃદ્ધિની હોય, જે પક્ષની સાથે હશે એ ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકોને તો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
પાટીદાર શક્તિ-સંગઠનને પરિપક્વ નેતાગીરીની આવશ્યકતા
ગુજરાતમાં પાટીદારો પાસે વસતિ, મતદાર, સમૃદ્ધિ, જ્ઞાન, યુવાધન જેવી શક્તિઓ ધરબાયને પડી છે એ જોતા હાલમાં પાટીદારોને એકસૂત્રતાથી જાળવી રાખે, પાટીદાર સંગઠનને યોગ્ય દિશા આપે તેવા નેતૃત્વની જરૂરીયાત છે. પાટીદારોને અનામત માટે શરુ થયેલી ચળવળમાં હવે અનામતનો મૂળભૂત હેતુ જ રહ્યો નથી, એટલે પાટીદારોનું બનેલું સંગઠન હવે એવી નેતાગીરી ઝંખી રહ્યું છે કે જે સામાજિક રીતે પાટીદારોને એકસૂત્રતામાં જાળવી રાખીને તેમની પ્રગતિ કરી શકે. હાલમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સિવાય અન્ય કોઇ નેતા દેખાતા નથી કે જે પાટીદારોની શક્તિને દિશા આપી શકે. પાટીદારોની આ શક્તિને એક પરિપક્વન નેતાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે.
-
હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરીયા કે પાસ પાટીદારોની પ્રચંડ શક્તિને દિશા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા

-
સુરત કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મિંટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકના ન્યુઝ સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થયા અને મોટા ભાગે પાટીદાર વસતિને સામી ચૂંટણીએ ભારે પ્રભાવિત કરી હતી.
ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની કૃષિ વિશેના જ્ઞાનમાં વધારો કરવા કૃષિ યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ માટેના અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણની શરુઆત થોડા સમયમાં જ થઈ શકે છે. આ પ્રોજેક્ટને લઈને જ સમિતિ દ્વારા વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે.
સુરતનાં પ્રમુખ કે.કે. કથીરિયાએ કહ્યું હતું કે, ખોડલધામના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટને લઈને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતના લેઉઆ પટેલ આગેવાનો સાથે વાતચીત કરી હતી અને આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાગવડ ખોડલધામ બનાવવાની શરુઆત 2012મા કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
