Rejection અને અણગમાનો દરીયો પાર કરીને પત્રકારમાંથી આજે ભારતના સૌથી શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ SGCCIના પ્રેસિડેન્ટ બનશે નિખિલ મદ્રાસી

નિખિલ મદ્રાસી, એક સમયે એટલે કે ગુજરાત-સુરતમાં ભાજપના કાશીરામ રાણાનો દબદબો હતો ત્યારે પત્રકાર હતા અને લોકલ ચેનલ, ચેનલ સુરતને લીડ કરતા હતા, એ પત્રકાર નિખિલ મદ્રાસી આજે જ્યારે ગુજરાત-સુરતમાં સી.આર. પાટીલનો દબદબો છે ત્યારે તા.6 જૂન 2025ને શુક્રવાર, ભીમ અગિયારસના દિવસે ભારતની સૌથી શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ SGCCIના પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લેશે.
નિખિલ મદ્રાસી માટે કહેવું પડે કે રિજેક્શન અને અણગમાની પરવાહ કર્યા વગર આગળ વધ્યા. નિખિલ મદ્રાસી પત્રકાર હતા અને એ પછી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય થયા ત્યારથી અનેક આગેવાનો અને સંસ્થાઓ તેમના પ્રત્યે અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. અનેક સ્તરે તેમણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. સવા એક વર્ષ અગાઉ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની હતી ત્યારે તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે આ વખતે જે થવાનું હોય એ થાય, હીટ આઉટ કે ગેટ આઉટ, પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં હવે હું પીછેહઠ કરવાનો નથી. એ સમયે અહેસાસ થયો હતો કે દ્રઢ નિશ્ચય કરનારે ક્યારેય પીછેહઠ કરવી પડતી નથી.
રિજેક્શન અને અણગમાનો દરીયો પાર કરીને એક સમયના પૂર્ણકાલિન પત્રકાર આજે ભારતની સૌથી શક્તિશાળી અને જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ઔદ્યોગિક સંસ્થા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ તરીકે આરુઢ થઇ રહ્યા છે.
નિખિલ મદ્રાસી, ચેમ્બરના ૭૯મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮પમો પદગ્રહણ સમારોહ શુક્રવાર, તા. ૬ જૂન, ર૦રપના રોજ સાંજે ૦પઃ૩૦ કલાકે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ તરીકે શ્રી નિખિલ મદ્રાસી અને ઉપ પ્રમુખ તરીકે શ્રી અશોક જીરાવાલા પદ ગ્રહણ કરશે.
આ પદગ્રહણ સમારોહ ભારતના માનનીય કેન્દ્રિય જળશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજીના વિશેષ મહેમાન પદે યોજાશે, જેમાં નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એન્ડ સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, લોકસભાના વ્હીપ અને વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલ, સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલ, રાજ્ય સભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકીયા, બારડોલીના સાંસદ શ્રી પ્રભુ વસાવા અને સુરત શહેરના ભાજપ પ્રમુખ તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીના લક્ષ્યાંકો….
Building Global Connections, Empowering Local Strengthsની થીમ પર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમના દરેક પાસાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ છે. એના માટે સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા હેતુ તેઓને યોગ્ય મંચ પૂરો પાડવામાં આવશે. ૧પ૦૦ જેટલા નવા સભ્યોનો ચેમ્બરમાં સમાવેશ કરવામાં આવશે, જેમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને સ્ટાર્ટઅપ્સને ચેમ્બરની સાથે જોડવા અભિયાન ચલાવવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧ર જેટલા ઔદ્યોગિક પ્રદર્શનો ૧ર જેટલી બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો થકી ઉદ્યોગોને નવા બજારો સુધી પહોંચવાની, પાર્ટનરશીપ્સ વિકસાવવાની અને નેટવર્કિંગ વધારવાની તક આપવામાં આવશે. ૧ર જેટલા વેન્ડર ડેવલપમેન્ટ્સ પ્રોગ્રામ કરવામાં આવશે, જેના થકી સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવી વૈશ્વિક માંગ માટે તેઓને યોગ્ય બનાવવામાં આવશે.
આ ઉપરાંત, ૧૦ ગ્લોબલ બીટુબી કનેકટ ઇનીશિએટીવ હાથ ધરાશે, જેમાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ સાથે સીધો સંપર્ક સાધીને વેપારવધારાનું સ્થાનિક ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે. રોકાણકારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચેની ખાઇને દૂર કરવા માટે ૩ જેટલા સ્પેશ્યલ ફોરમ તૈયાર કરવામાં આવશે.
ચેમ્બરની પ્રવૃત્તિઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવામાં આવશે, જેમાં સુરત ઇકોનોમિક ફોરમને વધુ ગતિશીલ બનાવવાની સાથે, ત્રણ સેટેલાઇટ ચેપ્ટરો ઉભા કરાશે, જે વિવિધ ઔદ્યોગિક ઝોનમાં સ્થાનિક વ્યવસાયો માટે સહાયક થશે. એની સાથે જ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો સાથે ભાગીદારી કરાશે, જે વૈશ્વિક ઉદ્યોગ ક્ષેત્ર સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને સ્થાનિક વ્યવસાયો માટે આંતરરાષ્ટ્રીય તકો ઊભી કરવાની દિશામાં કાર્ય કરશે.
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ – ધંધાઓ, ખાસ કરીને MSMEsના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અસરકારક રજૂઆતો કરવામાં આવશે. સાથે જ સરકારની વિવિધ નીતિઓના ઘડતરમાં તેમજ તેમાં સુધારાઓ માટે સરકાર સમક્ષ ઉદ્યોગ જગતના મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.
ઉદ્યોગ જગતના સમગ્ર વિકાસ માટે સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી સ્થાનિક ઉદ્યોગોમાં ટ્રેઇન વર્ક ફોર્સ વધે તે દિશામાં પ્રયાસ કરાશે. ઉદ્યોગો આધુનિક ટેકનોલોજી અપનાવે તે માટે તેઓને વિવિધ કાર્યક્રમો થકી માર્ગદર્શન આપવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ ડેવલપ કરવા માટે એન્જલ ઇન્વેર્સ્ટની સાથે મિટીંગો યોજાશે. તદુપરાંત, ઉદ્યોગો માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ ઉભી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.
વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીનો પરિચય…
તા. રપ મે, ૧૯૬૪ના રોજ સુરતમાં જ જન્મેલા, મૂળ સુરતી એવા માત્ર મદ્રાસી અટકધારી શ્રી નિખિલભાઇ બી.કોમ.ની શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે.
વર્ષ ૧૯૮૯માં ચેમ્બરની કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી નિખિલ મદ્રાસી ચેમ્બરમાં એકમાત્ર એવા વ્યક્તિત્વ છે કે જેમણે અલગ–અલગ ત્રણ સમયે માનદ્દ મંત્રી પદનો હોદ્દો શોભાવ્યો છે. આ ઉપરાંત, એક વખત એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, એક વાર પબ્લિક રિલેશન ઓફિસર અને એક વાર પ્રોગ્રામ કમિટિ ચેરમેન અને બે વર્ષ ચેમ્બરના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ એવા ‘સમૃદ્ધિ’ મેગેઝીનના સંપાદક તરીકે આંખે ઉડીને વળગે તેવી કામગીરી કરી છે.
ચેમ્બર ઓફ કોમર્સ જેમના અસ્તિત્વમાં અને કણેકણમાં વસે છે, ચેમ્બરની આંટીઘૂંટીઓને જેઓ વ્યવસ્થિત રીતે સમજી શકયા છે અને ચેમ્બરના બંધારણની જેમને રજેરજની માહિતી છે એવા શ્રી નિખિલભાઈએ પોતાના જીવનના ૩પ વર્ષ ચેમ્બરને સમર્પિત કર્યા છે. નિખિલ મદ્રાસી એ સુરતીઓ માટે ખૂબ જાણીતું નામ છે.
ચેમ્બર ઓફ કોમર્સમાં તેમને કોણ નથી ઓળખતું ? પરંતુ ચેમ્બર ઉપરાંત પણ તેઓ ઘણી સંસ્થાઓની સાથે સંકળાયેલા છે અને ઘણી પ્રવૃત્તિઓમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે.
સુરતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એસ.પી.બી. ઇંગ્લિશ મીડીયમ કોમર્સ કોલેજના વહીવટી સમિતિના અધ્યક્ષ ઉપરાંત સોસાયટીની અન્ય શાળાઓ અને કોલેજોમાં ૧૩થી પણ વધુ કમિટીઓમાં જવાબદારી અને સોસાયટીના મુખપત્ર ‘સાર્વજનિકન’ના તેઓ સંપાદક છે અને સાથે સાથે સાર્વજનિક યુનિવર્સિટીમાં પણ તેઓ પોતાનું સક્રિય પ્રદાન આપી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરીમાં તેઓ વર્તમાનમાં આસી. ગવર્નર, રોટરી ક્લબ ઓફ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ અને સમગ્ર ડીસ્ટ્રીકટ ૩૦૬૦ના મુખપત્ર ‘ગવર્નર મંથલી લેટર’ના તેઓ સંપાદક છે.
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – જીતો, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, મહાવીર ઇન્ટરનેશનલ – આ તમામ સંસ્થાઓમાં તેમનું સક્રિય યોગદાન રહેલું છે.
વ્યવસાયિક ધોરણે તેઓ ટ્રેઈનર, લાઈફ કોચ અને બિઝનેસ કોચ છે. પબ્લિક સ્પીકિંગના માધ્યમ દ્વારા હજારો વિદ્યાર્થીઓ અને તેનાથી વધારે સુરતીઓને અસરકારક વક્તા બનાવવામાં તેમનો સિંહફાળો છે.
આપણે સૌ તેમને ‘સુરત ચેનલ’ના પર્યાય તરીકે ઓળખીએ છીએ. સમગ્ર દેશની સૌ પ્રથમ સ્થાનિક ચેનલના સંચાલક તરીકે તેમણે સતત ર૦ વર્ષ સુધી આ શહેર પર એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું હતું. એક સમય હતો જ્યારે આખું શહેર તેઓ જેમ દિશા નિર્દેશ કરતાં તેમ ચાલતું હતું અને એ વાસ્તવિક હકીકત છે.
હાલમાં પણ તેઓ મીડિયા પર્સન તરીકે સક્રિય છે અને નાના માણસની મોટી વાતો તેમજ મોટા માણસની નાની વાતો પ્રસ્તુત કરતા ‘પેજ થ્રી’ મેગેઝીન અને ‘પેજ થ્રી કોફી બુક’ના તેઓ સંપાદક છે.
તેમના ધર્મપત્ની શ્રીમતી અલ્પાબેન પણ વ્યવસાયમાં સક્રિય રહીને જોબ પોર્ટલ અને મેરેજ બ્યુરો ચલાવી રહયા છે. સુરતની અગ્રણી કંપનીઓ – એન.જે. ઇન્ડિયા રિફ્રેશ, કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલ અને એપલ સારીઝની ડિસ્ટ્રીબ્યુટરશિપ તેઓ ધરાવે છે.
શ્રી નિખિલભાઇના એક માત્ર સુપુત્ર શ્રી મંથન મદ્રાસી બ્રાન્ડીંગ એક્ષ્પર્ટ છે. પુત્ર વધુ દેશના ખાનગી પ્રિ–નર્સરી શાળામાં પ્રશિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની ૮ વર્ષની પૌત્રી ગાથા રિલાયન્સ ફાઉન્ડેશનમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે.
ખૂબ લો–પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવતા, દિલના અમીર, ખાનદાની ખમીર, માનવીય સંબંધો બાંધવામાં માહિર અને આપણા સૌના જાણીતા અને માનીતા શ્રી નિખિલ મદ્રાસી, હવે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
વર્ષ ર૦રપ–ર૬ના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાનો પરિચય…

શ્રી અશોકભાઇ ચોડવડીયા (જીરાવાલા), જન્મ ર૧ એપ્રિલ ૧૯૬૬, એક સફળ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાહસિક અને સ્પષ્ટ વક્તા એવી વ્યક્તિ છે. તેમનું દ્રઢપણે માનવું છે કે, ‘જીવનમાં વ્યક્તિનો દ્રષ્ટિકોણ, અનુભવ અને વિચારોનું વૈવિધ્ય એ મહત્વની શિક્ષા છે.’ આજે તેઓ પોતાના આપબળે પરંપરાગત અને આધુનિક ટેક્ષ્ટાઇલ વિવિંગ ઉદ્યોગમાં એક આગવું મહત્વનું સ્થાન અંકિત કરી આગવી પ્રતિભા સાબિત થયા છે.
શ્રી અશોકભાઈ ઘણા વર્ષોથી ટેક્ષ્ટાઇલ, આર્ટ એન્ડ સિલ્ક વિવિંગ, ટ્રેડિંગ તેમજ સીવીડી ડાયમંડ ક્ષેત્રે સફળ બિઝનેસ કરતા આવ્યા છે. ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક કાર્યોમાં પણ તેમનો પ્રભાવશાળી અવાજ સદાય સક્રિય રહ્યો છે.
શ્રી અશોકભાઈએ ચેમ્બર સાથે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ર૦૧૬માં કરી હતી. પછીથી તેઓ ર૦ર૦–ર૧થી ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં સક્રિયપણે જોડાયા હતા. આ દરમ્યાન તેમણે ગૃપ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. ખાસ કરીને એન્ટી–ડમ્પિંગ, કસ્ટમ્સ ડયુટી, જીઆઇડીસી વિકાસ, એમએસએમઇ, અને મોડર્ન વિવિંગ જેવી અગત્યની કમિટીઓમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
અશોકભાઈએ નાનાં અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોની સમસ્યાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરી છે. તેઓના પ્રયાસોના પરિણામે અનેક બાબતોમાં નીતિગત સુધારાઓ થયા છે, જેનો લાભ ઉદ્યોગ – ધંધાઓને મળ્યો છે.
શ્રી અશોકભાઈ, ફોગવા – ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરતના વિવર્સ તથા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું મક્કમ નેતૃત્વ કરીને તેઓના વિવિધ પ્રશ્નોનું ઉકેલ લાવામાં સફળ રહ્યા છે.
શૈક્ષણિક ક્ષેત્રે તેઓ યુવા ઉત્કર્ષ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે અનેક યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસશીલ છે. તેમની આગેવાની હેઠળ અસંખ્ય યુવાઓએ વિવિધ શૈક્ષણિક અને વ્યવસાયિક અવસરો પ્રાપ્ત કર્યા છે.
શ્રી અશોકભાઈ જીરાવાલાએ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નં. ૩ના નગરસેવક તરીકે લોકહિત માટે અનેક નોંધપાત્ર કામગીરી કરી છે. તેઓએ ઘણીવાર જનહિતના મુદ્દાઓ પર વિવિધ મોરચે સફળ લડતો આપી છે.
તેઓ ઓલ ઇન્ડિયા માનવ સેવા સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમજ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળાના કમિટી મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
શ્રી અશોકભાઈ, લોકદૃષ્ટિ ચક્ષુબેંકના કમિટી મેમ્બર અને યોગા સ્પોટ્ર્સ એડવેન્ચર એસોસિએશનના ટ્રસ્ટી તરીકે પણ સક્રિય છે. તેમનો વ્યવહારિક અભિગમ અને સ્પષ્ટતા સાથે વાત કરવાનો અંદાજ તેમને સર્વત્ર લોકપ્રિય બનાવે છે.
ઉદ્યોગ, રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સેવા આપનાર તેમજ સ્પષ્ટ વકતા તરીકે જાણીતા શ્રી અશોકભાઇ જીરાવાલા, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦રપ–ર૬ના ઉપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
