IRAN ઈરાનમાં ભારેલો અગ્નિ! સરકાર વિરોધી દેખાવોમાં 35ના મોત, 1200ની ધરપકડ

Iran protests : ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકારને ઉથલાવવાના આંદોલનમાં બદલાઈ ગયું છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને હટાવવા રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનના તેહરાન, ઈસ્ફહાન, મશહદ, શિરાજ અને કોમ સહિતના મુખ્ય શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે.
જોકે ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદોલન વિદેશી ષડ્યંત્ર છે. સરકાર આંદોલનને બળપૂર્વક કચડવા પ્રયાસ કરી રહી છે. આયાતોલ્લા અલી ખામેનેઈએ બે દિવસ પહેલા જ ચેતવણી આપી હતી કે હિંસક તત્વોને તેમની જગ્યા બતાવીશું. ન્યૂઝ એજન્સી AP અનુસાર ઈરાનમાં સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે જ્યારે 1200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ દેખાવો હજુ શાંત થાય તેવા કોઈ સંકેત નથી.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે હિંસક આંદોલનોમાં 250થી વધુ પોલીસ જવાનો અને 45 જેટલા અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા છે. સત્તા વિરોધી દેખાવોમાં હિંસા વધતાં અમેરિકાના હસ્તક્ષેપની સંભાવના પણ વધી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી આપી રહ્યા છે કે જો ઈરાનમાં આંદોલન કરી રહેલા લોકોની હત્યા થઈ અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર પણ હુમલો કર્યો હતો. જે બાદથી ટ્રમ્પનો આત્મવિશ્વાસ વધી ગયો છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરો ઈરાનના સમર્થક હતા.
નોંધનીય છે કે અગાઉ 2022માં પણ ઈરાનમાં આ જ પ્રકારે દેશવ્યાપી આંદોલનો થયા હતા. 22 વર્ષની યુવતીએ હિજાબ ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઈરાનમાં ઠેર ઠેર હિંસક પ્રદર્શનો થયા હતા.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને રશિયા સાથેના તેમના સંબંધો અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બનશે અને સરકાર પડી ભાંગશે તો ખામેનેઈએ રશિયાના મોસ્કો શહેર ભાગી જવાનો એક સિક્રેટ એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલો અનુસાર, 86 વર્ષીય આયાતોલ્લા ખામેનેઈએ રશિયાને સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પસંદ કર્યું છે. આ યોજના મુજબ, જો ઈરાનના સુરક્ષા દળો અને સેના આંદોલનકારીઓને રોકવામાં નિષ્ફળ જશે કે બળવો હિંસક બની જશે, તો ખામેનેઈ તેમના પરિવાર અને અંદાજે 20 જેટલા નજીકના સાથીદારો સાથે તેહરાન છોડી રશિયામાં શરણ લેશે. આ યાદીમાં તેમના પુત્ર મોજતબાનું નામ પણ સામેલ હોવાનું મનાય છે, જેમને તેમના અનુગામી માનવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


