CA મીતિશ મોદી on Union Budget : વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે મજબૂતને બદલે મજબૂર બજેટ
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે
મજબુત બજેટને બદલે મજબૂર બજેટ

“વિકસિત ભારત” ના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે
“મજબુત બજેટ” ને બદલે ‘મજબૂર બજેટ” — સીએ. મીતિશ મોદી
૩.૦ મોદી સરકારમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીથારમને આજે સંસદમાં સતત સાતમી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરીને ઈતિહાસ સર્જ્યો છે. વચગાળાના બજેટ પછી લોકસભાની ચૂંટણી અને પરિણામો પછી આજે નાણામંત્રીશ્રીએ રોજગારી, સ્કીલીંગ, એમ.એસ.એમ.ઈ. એકમો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીશ્રીનું પાંચ વિવિધ સ્કીમોવાળું પેકેજને સમાવેશ કરતું સામાન્ય બજેટ મુક્યું. આવનારા પાંચ વર્ષોમાં ૨ લાખ કરોડનાં ખર્ચાને પરિણામે ૪.૧ કરોડ યુવા વર્ગને આ પાંચ વિવિધ સ્કીમોનો લાભ થશે, એવો આશાવાદ દર્શાવ્યો છે. સમગ્ર બજેટને જોતાં, નાણામંત્રીશ્રીએ નવ પાયાના સ્તંભોને અગ્રીમતા આપતું “વિકસિત ભારત”નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસરૂપે વિવિધ જોગવાઈઓ અને દરખાસ્તો સાથે અંદાજપત્ર રજુ કર્યું છે.
છેલ્લાં ત્રણ મહિનામાં જ્યારે વ્યક્તિગત ઇન્કમટેક્ષ અને કોર્પોરેટ ટેક્ષનું કલેક્શન વિક્રમી દરે વધ્યું હોય અને પરિણામે રાજકોષિય ખાધ ઘટાડવામાં રાહત મળી હોય ત્યારે દેશનો મધ્યમ વર્ગનો સામાન્ય નાગરિક આ અંદાજપત્રમાં મોંઘવારી, રોજગારીની ઉમદા તકો, આરોગ્યની નિશુલ્ક સવલતો, રહેઠાણની સમસ્યાઓ વગેરે સળગતા પ્રશ્નો માટે ખુબ જ આશાવાદી હતો, પરંતુ અંતે નિરાશા સાંપડી છે.
ભારતમાં દેશની આર્થિક વ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતીક્ષેત્ર રહ્યું છે. ખેતીક્ષેત્રના વિકાસને જેટલી અગ્રિમતા આપવામાં આવે તેટલી ઝડપથી અન્ય ક્ષેત્રો અને દેશની અર્થવ્યવસ્થા મજબુત બને. નાણામંત્રીશ્રીએ આજના બજેટમાં “કુદરતી ખેતી”ને ભાર મુકીને આવનાર બે વર્ષમાં એક કરોડ જેટલા ખેડૂતોને લાભ મળશે, એવી દરખાસ્ત મૂકી છે. તે ઉપરાંત, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી ખેતપેદાશોનું એકત્રીકરણ, સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપી વેજીટેબલ ઉત્પાદન અને સપ્લાય ચેઈન વિકસાવવા જાહેર કર્યું છે. આ સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબુત કરવા “રાષ્ટ્રીય સહકાર પોલીસી” અમલમાં લાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત કરી રોજગારની તકો ઉભી કરવા ૧.૫૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ખેતી ક્ષેત્રને વિકસાવવા રજુ કરેલી દરખાસ્તો આવકારદાયક છે, પરંતુ સંપુર્ણતઃ સંતોષકારક નથી. આજે રજુ કરેલા અંદાજપત્રમાં, ઓર્ગેનિક ઇન્સ્યુરેન્સ સબસીડીમાં વધારો, કોલ્ડ સ્ટોરેજ તેમજ ઉત્પાદન અને વિતરણ માટેની માળખાગત સુવિધાઓ માટે વધુ ફાળવણી ન કરતાં ખેતીક્ષેત્રે અને ખાસ કરીને, સહકારની ક્ષેત્રને અન્યાય થયેલો ફલિત થાય છે.
ખેતીક્ષેત્રને પ્રોત્સાહિત કરવા ટ્રેક્ટરો અને ખેતીના સાધનો પર હાલમાં ૧૨ ટકા જી.એસ.ટી. અને જંતુનાશક દવાઓ ઉપર ૧૮ ટકા જી.એસ.ટી. નાબૂદ કરી હોત તો જી.એસ.ટી. મુક્ત ખેતી વ્યવસ્થા કરી પ્રધાનમંત્રીના ખેડૂતોના આવકને બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા આ અંદાજપત્ર મારફતે સાનુકુળતા ઉભી થઇ શકી હોત. તે ઉપરાંત, વર્ષ ૨૦૦૬-૦૭ માં પાક લોન સ્કીમની મર્યાદામાં વધારો કરતી દરખાસ્ત ન દેખાતા પાક ધિરાણ પર વ્યાજનો બોજ એ સહન કરવાનો રેહશે. કોવીડ સમય દરમિયાન સ્મોલ સ્કેલ ઇન્ડ અને ફર્ટીલાઈઝર ઇન્ડસ્ટ્રી પર સબસીડી બંધ કરવામાં આવી હતી, જેને પરિણામે ખાદ્યની કિમતો આસમાન પર પહુંચી છે. આ બજેટમાં નાણામંત્રીશ્રીએ સબસીડી પુનઃ ચાલુ કરવાની કોઈ દરખાસ્ત ન મુકતા ખેતીક્ષેત્રનો વિકાસ રૂંધાશે.
નાણામંત્રીશ્રીએ પોતાની અંદાજપત્રની રજુઆતમાં બિહાર, અન્ધ્રાપ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો માટે ૨૬૦૦૦ કરોડ અને પાવર પ્લાન્ટ અર્થે ૨૧૪૦૦ કરોડની ફાળવણી કરતી જાહેરાત કરી છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા ફલિત થાય છે કે ૩.૦ મોદી સરકારે અન્ય રાજકીય પક્ષો સાથે જોડાણ આવશ્યક બનતાં વિકાસશીલ અને ગતિશીલ અર્થવ્યવસ્થાની મજબૂતાઈને બાજુએ મુકીને “મજબૂર બજેટ” રજૂ કરવાની નોબત આવી છે. અલબત્ત, એમ્પ્લોયમેન્ટ બોન્ડ ઇન્સેન્ટીવને અગ્રિમતા ભવિષ્યમાં સાનુકુળ વિકાસ સર્જે એવી જણાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારાના ત્રણ કરોડ ઘરો આપવાની દરખાસ્ત ગમે એવી છે. પરંતુ, રીઅલ એસ્ટેટ ઇન્ડસ્ત્રીને ઉદ્યોગનો દરજ્જો આપતો કોઈ દરખાસ્ત આ બજેટમાં જણાતી નથી. સરકાર એકબાજુ સામાન્ય લોકોને આવાસ સસ્તાદરે મળે એવી વાતો કરે છે પરંતુ રીઅલ એસ્ટેટ સેકટરને ઉદ્યોગનો દરજ્જો ન મળતા જમીનો મોંઘી બને છે અને પરિણામે, સામાન્ય ગરીબ નાગરિકોને માટે મકાન લેવું કઠિન બન્યું છે. હાલમાં, હોઉંસિંગ લોન પર વ્યાજ ડીડકશન લીમીટ ૨ લાખ છે તે વધારીને ૫ લાખ સુધી કરી હોત તો રીઅલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળ્યું હોત.
ઇન્કમટેક્ષ કાયદાને લગતી દરખાસ્તોને જોતાં અમુક રાહતો જેવી કે નવા કર માળખામાં સ્લેબમાં સાનુકૂળ ફેરફારો, પગારદાર અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડીડકશનની મર્યાદા રૂ.૫૦૦૦૦/- થી વધારીને રૂ.૭૫૦૦૦/-, ફેમિલી પેન્શન ફંડફાળાની મર્યાદા રૂ. ૧૫૦૦૦/- થી વધારીને રૂ. ૨૫૦૦૦/-, ટી.ડી.એસ.ના વિવિધ દરોમાં ઘટાડો, દરોડાના આકારણી કેસોની મર્યાદા ઘટાડીને છ વર્ષની દરખાસ્ત, ભાગીદારોને ચુકવાતા પગારની મજરે મળવાપાત્ર રકમની મર્યાદામાં વધારો વગેરે નાના કરદાતાઓને “ફિલગુડ” ની લાગણી પ્રેરે છે.
પરંતુ ટેક્ષટાઈલ ગેઇન ટેક્ષનો બોજ વધારો ખાસ કરીને, શેર-સિક્યુરીટીઝ, અને ફંડોને રોકાણો અને તેનાં વેચાણના વ્યવહારો કરનારા કરદાતાઓ માટે અસહ્ય બનશે.
સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને લગતા ઘણાં સુધારાઓ આવકારદાયક છે. જેવી કે ક્રેડીટ ગેરંટી સ્કીમ હેઠળ અરજદાર એકમ દીઠ રૂ.૧૦૦ કરોડની ફાળવણી, ટર્ન ઓવર કે મિલ્કતોની મર્યાદા ધ્યાનમાં લીધા વગર સ્કીમ હેઠળ મળનારા લાભો, સીડબી (SIDBI) દ્વારા સીધો જ ક્રેડીટ લાભ વગેરે એમ.એસ.એમ.ઈ. એકમોના વિકાસમાં સહાયરૂપ રેહશે, એવું માની શકાય. પરંતુ ઇન્કમ ટેક્ષ કાયદાની કલમ ૪૩બી માં ગતવર્ષે આવેલા સુધારાને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને ખુબ જ મોટી હાલાકી ભોગવવી પડેલ છે. વેપાર, ધંધા અને ઉદ્યોગને કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના ખ્યાલથી વિરુદ્ધ છે અને તેથી આવી આકરી જોગવાઈઓ નાબૂદ કરવા જોઈએ એવી રજુઆત અનેક સ્તરેથી કરવામાં આવી છે. કમનસીબે, આ બજેટમાં નાણામંત્રીશ્રીએ કોઈ સાનુકુળ સુધારો કરતી દરખાસ્ત મૂકી નથી. વૈકલ્પિક રીતે, નાણામંત્રીશ્રીએ એમ.એસ.એમ.ઈ. ડેવેલોપમેન્ટ એક્ટ, ૨૦૦૬ માં સુધારો કરી ૪૫ દિવસમાં ચુકવણી કરવાના નિયમને લગતા ઝઘડાઓ દૂર કરવા એક “ઓનલાઈન ડિસ્પુટ રેસોલ્યુશન સ્કીમ” શરુ કરતી દરખાસ્ત મુકવી જોઈતી હતી પરંતુ આ બાબતે ઉદ્યોગ જગતમાં ભારે નિરાશા સાંપડી છે. એમ.એસ.એમ.ઈ. એક્ટ અને ઇન્કમ ટેક્ષની આકરી જોગવાઈઓને લીધે વેપારી અને ઉદ્યોગકારોને આર.બી.આઈ.ના બેઝ દરના ત્રણ ગણા દરે મોડી કરેલી ચુકવણી પર વ્યાજ ભોગવવી પડે છે. એમ.એસ.એમ.ઈ.ને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં “સેન્ટર્સ ઓફ એક્ષલેન્સ” ચાલુ કરવાની જોગવાઈ જો લાવી હોત તો એક્ષ્પોર્ટસને વધુ પ્રોત્સાહન મળી શકે તેમ છે.
પાછલા બજેટમાં ટેક્ષ સ્ટ્રકચરમાં વૈકલ્પિક બે કર માળખા દાખલ કરીને કોઈ ડીડકશન મળ્યા નથી. સામાન્ય કરદાતાને આવા કર માળખાને બદલે કરપાત્ર આવકમાંથી વધુ ડીડકશન મળે એવી દરખાસ્ત આવે તો વ્યક્તિગત કરબોજ ઓછો થાય. હાઉસિંગ રોકાણ બાબતે ટેક્ષમાંથી લાભ દરેક કરદાતા મેળવી શકતો નથી અને તેથી જ કરબોજ ઘટવાને બદલે પ્રમાણસર વધ્યો છે. તેથી આ બજેટમાં કરપાત્ર આવકમાંથી કરદાતાને વિવિધ ડીડકશન રીતે રાહત મળવાની દરખાસ્તો વધુ લાભકારક અને આવકારદાયક બન્યો હોત. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની નવી જોગવાઈઓ દાખલ કરી હોવા છતાં બિનજરૂરી હેરાનગતિરૂપ ટેક્ષ ડિમાન્ડ અને તેની રિકવરીનો ભોગ સામાન્ય કરદાતા બન્યો છે. આવા ટેક્ષ ટેરરિઝમમાંથી સામાન્ય કરદાતાને મુક્ત કરી “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના સરકારના ખ્યાલને ટેકો આપતી દરખાસ્ત ન આવતા વેપારીઓ ઉદ્યોગકારો અને સામાન્ય કરદાતા મુકપ્રેક્ષક બન્યો છે. — સીએ. મીતિશ મોદી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
