ચૂંટણી હારો તો EVM સાથે ચેડાં અને જીતો તો…’ બેલેટ પેપરથી મતદાન પર સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’
ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે.એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, ‘આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતુ હોવાનો દાવો કર્યો હતો.’
સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, ‘જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવુ બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.’ જસ્ટિસ નાથે જણાવ્યું કે, ‘આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.’
અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.
અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ‘આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, ‘તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.’
પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, ‘તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.’તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
