Corona Treatment : પ્લાઝમા થેરેપીથી

કોરોના સામે લડવા માટે એક અમોઘ શસ્ત્ર એટલે કે કારગર ટેક્નિક મળી છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ ટેક્નિકની કોઇ સાઇડ-ઇફેક્ટ પણ નથી. આ ઇલાજ બેહદ સસ્તો પણ છે. અમેરિકામાં કોરોના વાઇરસગ્રસ્ત કેટલાક ભારતીય-અમેરિકન દર્દીઓ પર આ ટેક્નિકથી સારવાર કરવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. ચીનમાં પણ પ્લાઝમા આપ્યા બાદ ૭૨ કલાકમાં દર્દીમાંથી કોરોનાનાં લક્ષણ ખતમ થવા માંડ્યાં હતાં અને દર્દીઓ સાજા થઇ ગયા હતા.
આ ટેક્નિકનું નામ કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપી છે. ભારતમાં આ થેરેપીની ટ્રાયલ કરવા માટે આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ મંજૂરી આપી દીધી છે. હાલમાં કોરોનાના ફક્ત ગંભીર અસરગ્રસ્ત દર્દીઓ પર પ્રતિબંધિત ઉપયોગ માટે જ પ્રાયોગિક ઉપચાર પ્લાઝમા થેરેપીને મંજૂરી મળી છે.
આ થેરેપીથી કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવાર કરનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ સારવાર પદ્ધતિ બેહદ પારંપરિક અને ભરોસાપાત્ર છે. ઘણા રોગ સામે આ થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કારગર નીવડ્યો છે. આ અત્યંત બેઝિક ટેક્નિક છે જેનો લાભ કોઈ પણ દેશ લઈ શકે છે. આવો આપણે કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપી વિશે જાણીએ.
બેક્ટેરિયાના ચેપની સામે લડવા માટે આપણી પાસે અસરકારક એન્ટિબાયોટિક્સ દવાઓ છે, પરંતુ અસરકારક એન્ટિવાઇરલ દવાઓ નથી. જ્યારે પણ કોઈ નવો વાઇરસ ફાટી નીકળે છે ત્યારે તેની સારવાર માટે કોઈ દવા હોતી નથી. ૨૦૦૯-૧૦માં એચ૧એન૧ ઇનફ્લુએન્ઝા વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પ્લાઝમા થેરેપીની સારવાર મેળવનારી વ્યક્તિઓ સાજી થઈ હતી અને મૃત્યુદરમાં પણ ઘટાડો થયો હતો. ટૂંક સમય પહેલાં જ્યારે ઇબોલા અને સાર્સનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પણ આ જ પદ્ધતિથી રોગીઓની સારવાર કરવામાં આવી હતી જે ઘણી ઉપયોગી નીવડી હતી.
આ થેરેપી રસીકરણથી કેવી રીતે અલગ છે તે સમજવાની કોશિશ કરીએ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ એક રોગ માટે રસી આપવામાં આવે છે ત્યારે તેના શરીરની રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડી ઉત્પન્ન કરે છે જેનાથી એ રોગ સામે રક્ષણ મળે છે. અને આ એન્ટિબોડીઝ તેના શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહે છે. પછીથી જ્યારે રસી અપાયેલી વ્યક્તિને ક્યારેક ચેપ લાગે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ નિષ્ક્રિય પડી રહેલા એન્ટિબોડીઝ મુક્ત કરે છે જે રોગના ચેપને બેઅસર કરે છે અને વ્યક્તિ સાજી થઇ જાય છે. રસીકરણથી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન થાય છે. કોરોનાના ઇલાજ માટે રસીની શોધ અને સંશોધનો ચાલુ છે પરંતુ એની માટે છ મહિનાથી લઇને એકાદ વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેથી હાલમાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે પ્લાઝમા થેરેપી પર જ નિર્ભર રહેવું પડે તેમ છે.
હવે પ્લાઝમા થેરેપી શું છે એ વિશે જાણીએ. સૌપ્રથમ આપણે પ્લાઝમા વિશે જાણીએ. આપણા શરીરમાં જે લોહી હોય છે તેમાં ૫૫ ટકા પ્લાઝમા હોય છે જે રક્તમાં રહેલા લાલ કણ અને શ્ર્વેત કણને પ્રવાહી પદાર્થ ઉપલબ્ધ કરાવે છે.
રોગીઓને ઉચિત માત્રામાં પ્લાઝમા આપવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે. જે વ્યક્તિ કોરોનાના રોગમાંથી સાજો થયો છે તેના શરીરમાંથી બ્લડ લેવામાં આવે છે અને તેમાંથી સિરમ (પ્લાઝમા) છૂટો પાડવામાં આવે છે અને તે કોરોનાના રોગ માટેના એન્ટિબોડીઝથી સમૃદ્ધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી આ સિરમ કોરોનાના દર્દીને આપવામાં આવે છે. રસીથી વિપરીત એન્ટિબોડી સિરમ દર્દીના શરીરમાં ત્રણથી ચાર દિવસ રહે છે. યુએસએ અને ચાઇનાના સંશોધન અહેવાલો સૂચવે છે કે ટ્રાન્સફ્યુઝન પ્લાઝમાની ફાયદાકારક અસર ત્રણથી ચાર દિવસમાં જોવા મળે છે અને તે ધીમે ધીમે સાજો થઇ જાય છે. આ સમય દરમિયાન દર્દી આડકતરી રીતે કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ મેળવે છે. તેના લોહીમાં એન્ટિબોડીઝ પેદા થાય છે જે રોગ સામે લડે છે. જેમ આપણે કોઈ રોગ માટે રસી લઈએ અને એ રસી શરીરમાં એ રોગના એન્ટિબોડીઝ બનાવે જે શરીરમાં નિષ્ક્રિય રીતે પડી રહેતા હોય છે અને જરૂર પડે ત્યારે સક્રિય થઇને રોગનો ખાતમો બોલાવે છે તેવી જ રીતે કોરોનાના દર્દીને અન્ય સાજા થઇ ગયેલા દર્દીના લોહીમાંથી આપવામાં આવેલા સિરમમાંના એન્ટિબોડીઝ સાજા થવામાં અને રોગનો ખાતમો બોલાવવામાં મદદ કરે છે.
કોન્વેલેસેન્ટ પ્લાઝમા થેરેપીનો ઇતિહાસ ઘણો જૂનો છે. ૧૮૯૦ની સાલમાં એક જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહરિંગે શોધી કાઢ્યું કે ડિપ્થેરિયાથી સંક્રમિત સસલામાંથી મેળવેલો સિરમ (પ્લાઝમા) ડિપ્થેરિયા ચેપને રોકવા માટે અસરકારક હતો. બેહરિંગને ૧૯૦૧માં પ્રથમ વખત દવા માટેનું નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું. તે સમયે એન્ટિબોડીઝ જાણીતા ન હતા. કોન્વેલેસેન્ટ સિરમ થેરેપીની અસરકારકતા વિશે ઝાઝી જાણ નહોતી.
જોકે, આ સારવાર પદ્ધતિ સામે પણ ઘણા પડકાર રહેલા છે. આ પ્રકારના ઉપચારમાં મુખ્યત્વે રોગમાંથી બચી ગયેલા અથવા તો રોગ સામે લડત આપીને સફળ થયેલા લોકો જ પ્લાઝમાના દાતા બની શકે છે અને તેમની પાસેથી જ પ્લાઝમા મેળવવામાં આવે છે જેમાં મુશ્કેલી આવી શકે છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો પાસેથી પ્લાઝમાની નોંધપાત્ર માત્રા મેળવવામાં મુશ્કેલીને કારણે તેનો ઉપયોગ સરળ નથી.
કોરોના જેવા રોગમાં જ્યાં મોટા ભાગના લોકો વૃદ્ધ હોય છે અને હાઈપરટેન્શન, ડાયાબિટીસ જેવી વ્યાધિઓથી પીડાતા હોય છે તેથી તેમની પાસેથી રક્ત લઈ શકાતું નથી. આ ઉપરાંત જે બ્લડ ગ્રુપ ધરાવતા સાજા થયેલા દર્દીનું રક્ત લીધું હોય તે બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીને જ તે આપી શકાય છે.
આ ઉપરાંત પ્લાઝમાના દાતાની હેપેટાઇટિસ, એચ.આઇ.વી., મેલેરિયા વગેરે જેવા રોગ માટે પણ તપાસ કરવી જરૂરી છે જેથી તેઓ રિસીવરને કોઈ જુદા રોગ પેદા ન કરે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


