CIA ALERT

હાર્દિકની તબિયત બગડી રહી છે એમ સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યું છે

Share On :

ખેડૂતો માટે ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય હવે દર કલાકે કથળી રહ્યું છે. અત્યાર સુધી હાર્દિક પટેલના ઉપવાસને નજરઅંદાજ કરનાર રાજ્ય સરકાર તા.4થી સપ્ટેમ્બરથી એવી હરકતમાં આવી કે હવે હાર્દિકની માગણીઓ પરત્વે અંદરખાને વિચારણા શરૂ કરી દીધી છે. જેમ જેમ હાર્દિકનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યાનું જણાય આવે છે. જે રીતે  રાજ્ય સરકારે હાર્દિકને પારણા કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે એ જોતા હવે રાજ્ય સરકારે હાર્દિક પટેલના મુદ્દે કંઇકને કંઇક નમતું ઝોખવું પડે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

ઉપવાસના 11માં દિવસે સરકારે હાર્દિકને સિરીયલી લેવાનું શરૂ કર્યું

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે, પરંતુ આજદિન સુધી એક પણ પ્રધાન કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો, પરંતુ વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ પ્રધાન સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

હાર્દિકનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, સરકારનું બીપી વધી રહ્યું છે

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં હાર્દિકનું 20 કિલો વજન ઊતરી ગયુ છે. હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25મી ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઊતર્યો ત્યારે તેનું વજન 78 કિલો હતું. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઊતરી ગયું છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હૉસ્પિટલની ટીમ પહોંચી હતી. તબીબોની ટીમમાં એક ફિઝિશિયન ડૉક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

સોલા સિવિલના ડૉકટરે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન થયું છે. હાર્દિકને હૉસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે. હાર્દિક ઉપવાસ પર ઊતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો, પરંતુ ઉપવાસ પર ઊતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસે ને દિવસે કથળી હતી, પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી, પરંતુ તેનું વજન ઉતરવાનું ઓછું થયું ન હતું.

પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી

મંગળવારે તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોની 6 ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક મળી હતી. બેઠક બાદ સાંજે સી. કે. પટેલ અને જેરામ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સરકારને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યું હતું, જ્યાં કેબિનેટ પ્રધાનો સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સંયુક્ત બેઠક યોજીને હાર્દિકને પારણાં કરાવવા માટેનો વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ પારણાં કરશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :