Gujarat: વરસાદી આફતથી બચાવ-રાહત માટે NDRF સાથે આર્મી તહેનાત

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની ૬ કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરી
- બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગોમાં રહેતા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા બરવાળા તાલુકાના ખાંબડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
- મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના મોટા દહીંસરા 132 કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા 6 કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
- દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે એક જર્જરિત મકાન મકાન ધરાશાયી થતા અબોલ પશુ ઇજાગ્રસ્ત થયા હતા. પશુપાલન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈને સારવાર કરી ઘાયલ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા.
- ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનથી તાલાલા-જામવાળા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમે ધરાશાયી વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો છે.
- ભારે વરસાદથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત એન.ડી.આર.એફના જવાનોએ ૭૦ જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.
- પંચમહાલ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે ૪,૦૦૦ જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે 20 જેટલા રસ્તાઓના કોઝ-વે પણ બંધ કરાયા છે.
- વડોદરા શહેરમાં એક જ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 285 કોલ મળ્યા હોવા છતાં, એમ્બ્યુલન્સ સેવા અટકી નહોતી. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી ૪૯ દર્દીઓને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
- મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સાવચેતીના ભાગરૂપે સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી 10 ખાસ ટીમો દ્વારા નાગરીકોનું રહેવા, જમવા જેવી સુવિધા ધરાવતા ૩૦ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
- જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદથી વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. લાલપુર તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા, જેની ગંભીરતા સમજી એરફોર્સના હેલિકોપ્ટરથી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
- વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.
MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત
અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની ૫૩૬ ટીમોના ૧૭૦૦થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ
વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
એટલું જ નહિ, વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
