ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર

Share On :

રાજ્યને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫
(જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ પોલિસીને પગલે ગુજરાતમાં રૂ.35 હજાર કરોડનું નવું જંગી મૂડીરોકાણ થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂર અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ થાય કે ગુજરાતમાં સ્થપાનારા મેઈટીની મંજૂરી પ્રાપ્ત પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને તરફથી બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.

કેન્દ્રની સહાય ચૂકવાયાના મહિનાની અંદર સહાય ચૂકવાશે

આ જીઈસીએમએસ-2025 પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ઈસીએમએસ) ને સંપૂર્ણપણે સુસંગત છે અને ૧૦૦ ટકા ટોપ-અપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે. એકવાર મેઈટી Ministry of Electronics and Information Technology (MeitY)જીઈસીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયાના ૩૦ દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન સહાય ચૂકવી દેવામાં આવશે.

ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસના લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે આ નવી પોલિસી અપસ્ટ્રીમ ઉદ્યોગને પણ વેગ આપશે. આના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે. આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણો આકર્ષિત કરવાનું અને વધુને વધુ ઉચ્ચ-કુશળ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ જીઈસીએમએસ પોલિસીના પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.

આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પણ ઉદાર સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ₹૧૨.૫ કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે. જીઈસીએમએસ અંતર્ગત ટર્નઓવર લિન્ક્ડ ઇન્સેન્ટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે.
પોલિસીના હેતુઓઓ પર એક નજર કરીએ તો તેનો સૌથી પહેલો હેતું તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું. સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવાનો છે.

આ પોલીસીનો લાભ લેવા માટે સરકારે પાત્રતા નક્કી કરી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મેઈટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.

સરકારે આ માટે ખાસ પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જાહેર કર્યા હતા. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮નો લાભ મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. તે ઉપરાંત વધારાના પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જેવા કે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.

ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર ૩૦ કાર્ય દિવસમાં સહાય ચૂકવશે. રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (જીએસઈએમ) દ્વારા કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :