CIA ALERT

જનતા સ્વૈચ્છિક લોકડાઉન પાળે: મુખ્યમંત્રી રૂપાણી

Share On :

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.

વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.

રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે.
રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.

રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :