GST અવળચંડી સિસ્ટમ અને ક્લાયન્ટસ વચ્ચે પીસાતા સુરતના ટેક્સ કન્સલ્ટન્ટસ
જીએસટીના અમલને 16 મહિના થવા આવ્યા છતાં જીએસટીના માળખામાં, ફ્રેમવર્કમાં પડી રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. પોતાના ક્લાયન્ટસને સામે ચાલીને જીએસટી રિટર્ન માટે સમજાવી તૈયાર કરતા ટેક્સ કન્સલ્ટન્ટસ પણ હવે તો તોબા પોકારી ઉઠ્યા છે. એક તો કાયદાની જટીલતા અને તેનાથી પણ વધારે તેના અમલીકરણની જટીલતા સામે તેઓ રોજ ઝઝુમી રહ્યાં છે. સર્વરને અપગ્રેડ નહિં કરાતા રોજબરોજ નવા પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન દ્વારા જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી આ પ્રશ્નોનું હવે તો નિરાકરણ લાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

જીએસટી જ્યારે લાગુ પડ્યું ન હતું અને લાગુ પડ્યા પછી જ્યારે સુરતમાં વ્યાપારીઓ ખાસ કરીને ટેક્સટાઇલ વ્યાપારીઓ જીએસટીને ઇગ્નોર કરી રહ્યા હતા ત્યારે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટસ એ જ ક્લાયન્ટસને જીએસટીની તરફેણમાં સમજાવ્યા હતા. આજે પરિસ્થિતિ એ થઇ કે એક તરફ જીએસટી નેટવર્ક યોગ્ય રીતે કામગીરી કરી શકતું નથી, ટેક્નોલોજી, પ્રોગ્રામિંગમાં અનેક છીંડા છે ત્યારે સૌથી વધારે મરો ટેક્સ કન્સલ્ટન્ટસનો થઇ રહ્યો છે. એક તરફ ન તો સરકાર સિસ્ટમ સુધારી રહી છે કે ન તો તેમાં અનુભવાય રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ક્લાયન્ટસ ટેક્સ કન્સલ્ટન્ટસને સામે પૂછી રહ્યા છે કે તમે તો કહેતા હતા ને જીએસટી સિસ્ટમ સુધરી જશે.
જીએસટીના કાયદાના અમલના 16 મહિના પછી પણ વેપારીઓઁએ અમુક વ્યવહાર માટે વકીલની સલાહ લેવી પડે છે. ટૂંકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એક પછી એક પત્રકોની હારમાળા, સતત થઈ રહેલા બદલાવ અને આકરા દંડના કારણે વેપારધંધો સરળ બનાવવાના ઇરાદે બનાવાયેલો કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ મુજબની રજૂઆત કરતાં આવદેનપત્રમાં ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત શાહ, શશાંક મીઠાઇવાલા, કુમાર દવે, વેપારી પ્રમોદ ભગત, મીતેષભાઈ વગેરેના પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું છે કે, ભારતમાં કર-કાયદાઓનું 90 ટકા અનુપાલન કર વ્યવસાયિકો દ્ધારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે તેઓ રીતસર ઝઝુમી રહ્યાં છે. સિસ્ટમની નાકામયાબીના હિસાબે વેપારીઓ દ્વારા અનેકવખત વારે-તહેવારો રજૂઆતો થઈ છે જેનો 16-16 મહિના પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
આથી તેમની આ રજૂઆતોને જીએસટી કાઉન્સિલના ચેરમેન સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી સાથે કલેકટરને આજરોજ આવેદનપત્ર અપાયું છે. જેમાં ઝીણવટપૂર્ણ મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે જેથી કરીને તેની પર યોગ્ય કામ થાય.
જાણો તેમની મુશ્કેલીઓ….
- —-જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે 1,50,000 રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નોંધણી ધરાવતા વેપારીઓની સંખ્યા 1.14 કરોડ છે એટલે સર્વરને અપગ્રેડ કરવું પડે. તેની કેપેસિટી વધારવી જોઈએ.
- —- અનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓને દિવસો સુધી પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શક્યા નથી અને જેના કારણે તેઓને નાણાંકિય નુકશાન ભોગવવું પડે છે.
- —- રિફંડની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી.
- —–જીએસટી નેટવર્ક પર કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર વ્યવસાયિકો જીએસટી હેલ્પ સેન્ટરમાં ફોન કરી કરીને થાકી જાય છે પરંતુ કોઈ જ હેલ્પ મળતી નથી અને હાસ્યાસ્પદ જવાબો મળે છે.
- —–પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્ન ન ભરી શકનારા વેપારીને પેનલ્ટીમાંથી મુકિત મળવી જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


