માર્ચમાં GST કલેક્શન વધીને ₹1.06 લાખ કરોડ
માર્ચ મહિનામાં GST કલેક્શન વધીને ₹1.06 લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ફેબ્રુઆરીમાં સરકારની GST આવક ₹97,247 કરોડ રહી હતી. રિટર્નની સંખ્યામાં વૃદ્ધિને પગલે કમ્પ્લાયન્સમાં સુધારો થવાથી GSTના આંકડામાં વધારો નોંધાયો છે.
સત્તાવાર નિવેદન અનુસાર માર્ચ 2019માં GSTની કુલ આવક ₹1,06,577 કરોડ રહી છે. જેમાં કેન્દ્રીય GST ₹20,353 કરોડ, સ્ટેટ GST ₹27,520 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST ₹50,418 કરોડ અને સેસ ₹8,286 કરોડ છે.
31 માર્ચ સુધીમાં ફાઇલ કરાયેલા ફેબ્રુઆરી મહિનાના GSTR-3B સમરી સેલ્સ રિટર્નની કુલ સંખ્યા 75.95 લાખ રહી છે. GST અમલી બન્યો ત્યારથી અત્યાર સુધીમાં માર્ચ 2019નું GST કલેક્શન સૌથી વધુ છે, જે માર્ચ 2018ની તુલનામાં 15.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
માર્ચ 2018માં GST કલેક્શન ₹92,167 કરોડ નોંધાયું હતું. 2018-’19માં GST રેવન્યુની માસિક સરેરાશ ₹98,114 કરોડ રહી છે, જે અગાઉના નાણાંકીય વર્ષની તુલનામાં 9.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે, ઘણી ચીજોના GST દરમાં ઘટાડો છતાં છેલ્લા કેટલાક મહિનાથી GST કલેક્શન વધી રહ્યું છે.
સરકારે 2018-’19 માટેનો GST કલેક્શન ટાર્ગેટ ઘટાડીને ₹11.47 લાખ કરોડ કર્યો છે, જે અગાઉ ₹13.71 લાખ કરોડ હતો. GST કલેક્શન એપ્રિલમાં ₹1.03 લાખ કરોડ, મેમાં ₹94,016 કરોડ, જૂનમાં ₹95,610 કરોડ, જુલાઇમાં ₹96,483 કરોડ, ઓગસ્ટમાં ₹93,960 કરોડ, સપ્ટેમ્બરમાં ₹94,442 કરોડ, ઓક્ટોબરમાં ₹1,00,710 કરોડ, નવેમ્બરમાં ₹97,637 કરોડ, ડિસેમ્બર 2018માં ₹94,725 કરોડ, જાન્યુઆરી 2019માં ₹1.02 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં ₹97,247 કરોડ હતું. 2019-’20 માટે GST કલેક્શન ટાર્ગેટ ₹13.71 લાખ કરોડ નિર્ધારિત કરાયો છે.
ઊંચા કલેક્શનને કારણે સીધા વેરાની વસુલાતમાં ઘટ પૂરવામાં મદદ મળશે. માર્ચના અંત સુધીમાં સીધા વેરાની વસુલાતનો અંદાજ ₹11.50 લાખ કરોડ છે. કર અધિકારીઓ એપ્રિલને બદલે માર્ચના અંતમાં પીએસયુને ટીડીએસ જમા કરાવવા સહિતના ઉપાય અજમાવતા હોય છે. 2018-19 માટેના સુધારેલા અંદાજમાં સરકારે સીધા કરવેરાની વસુલાતનો આંક ₹11.5 લાખ કરોડથી વધારીને ₹12 લાખ કરોડ કર્યો છે. આમ, સુધારેલા અંદાજ કરતાં ₹60,000 કરોડની ઘટ રહેવાનો અંદાજ છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા વિભાગના અધિકારીઓ દ્વારા વસુલાત માટેનાં છેલ્લી ઘડીનાં પ્રયાસને પગલે જીડીપીના 3.4 ટકાના રાજકોષીય ખાધનો લક્ષ્ય વસુલ થશે એવો વિશ્વાસ નાણાં મંત્રાલયે વ્યક્ત કર્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં રાજકોષીય ખાધ સમગ્ર વર્ષનાં લક્ષ્ય કરતાં 34.2 ટકા વધી ગઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
