ધો.12 સાયન્સનું પરીણામ ભયસૂચક : સ્કુલ એજ્યુકેશન સાઇડ ટ્રેક પર : NEET-JEE પાછળ આંધળી દોટ

Share On :

NEET-JEE મૉક ટેસ્ટમાં 95 પ્લસ ધરાવતા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં A-1 લાવી શક્યા નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટએ ગુજરાતમાં સ્કુલ એજ્યુકેશનમાં મોટો દાટ વાળ્યો હોવાની અનુભૂતિ આજે જાહેર થયેલો ધો.12 સાયન્સના પરીણામ પરથી થાય છે. વિદ્યાર્થીઓએ સ્કુલ એજ્યુકેશનને સાઇડ ટ્રેક પર મૂકીને જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે તરફ આંધળી દોટ મૂકી હોવાનું સ્પષ્ટ પણે ફલિત થઇ રહ્યું છે. સ્કુલના શિક્ષણના ભોગે વિદ્યાર્થીઓ હવે ધંધાદારી કોચિંગ ક્લાસીસોના રવાડે ચઢીને નીટ, જેઇઇ, ગુજકેટ, નાટા વગેરે જેવી પરીક્ષાની તૈયારીઓમાં ધો.11-12ના વર્ષો સમર્પિત કરી રહ્યા છે. ગુજરાતમાં સ્કુલ એજ્યુકેશનના ભોગે હવે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગુજરાત બોર્ડના સત્તાધીશોએ પણ આજે જેવું પરીણામ આપ્યું એવા પરીણામો આપીને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની ગતિવિધિઓ અટકાવવાના બદલે આંખ આડા કાન કર્યા છે.

શહેરના એક અગ્રણી સ્કુલના આચાર્ય સાથે વાત થઇ ત્યારે તેમણે સાહજિક રીતે કહ્યું કે આજના પરીણામ પરથી લાગે છે કે વિદ્યાર્થીઓએ ફક્ત પ્રવેશ લક્ષી અભ્યાસ કરવો છે. પ્રવેશ પરીક્ષાઓની તૈયારી પર વધુ ભાર આપીને સ્કુલ એજ્યુકેશનથી વિમુખ થઇ રહ્યા છે.

સ્કુલ એજ્યુકેશન માટે ગુજરાત બોર્ડે ઉપાયો કરવા પડશે

સ્કુલ એજ્યુકેશન પરત્વે વિદ્યાર્થીઓ વિમુખ થઇ રહ્યા છે. ધો.11 સાયન્સમાં આવે એટલે નીટ, જેઇઇ, નાટા, ગુજકેટ વગેરે પરીક્ષાઓની તૈયારીઓમાં સ્કુલ પ્રત્યે જ વિમુખ થઇ જાય છે. ઘણાં એ વિદ્યાર્થીઓ આજના પરીણામમાં મળ્યા છે જેમના મુખ્ય વિષયોમાં 95 પ્લસ માર્કસ છે જ્યારે ઇંગ્લિશ અને કમ્પ્યુટર જેવા વિષયોમાં 70 માર્કસ લાવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને એ વાતની ખબર પડી ગઇ છે કે શાળાકીય શિક્ષણનું મહત્વ નથી. મેડીકલમાં પ્રવેશ માટે બોર્ડમાં ફક્ત 50 ટકા જ લાવવાના છે બાકી સઘળું પરીણામ નીટના સ્કોર પર જ આધારિત છે એટલે બાયોલોજીના વિદ્યાર્થીઓ તો સ્કુલનું 20 ટકા ભણતા હોય છે જ્યારે બાકીનું 80 ટકા ભણતર ફક્તને ફક્ત નીટ આધારિત બની ચૂક્યું છે.

એવી જ રીતે એન્જિનિયરિંગમાં પણ વિદ્યાર્થીઓ સ્કુલના એજ્યુકેશનના ભોગે જેઇઇ, નીટ, બિટ્સ, આઇસર, નાઇસર વગેરે જેવી ટેસ્ટના ટ્યુશન પર નિર્ભર રહેતા હોય છે. એવું નથી કે ફક્તને ફક્ત ટોપર્સ આ પ્રમાણે વર્તે છે. તેમની પાછળ એવરેજ માર્કસ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ પણ ટોપર્સનું જ આંધળું અનુકરણ કરી રહ્યા છે.

મોટા ભાગની સ્કુલો ડે બોર્ડીંગ ટાઇપની બની ચૂકી છે

ધો.11-12 સાયન્સની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નજર કરીએ તો છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગની સાયન્સની સ્કુલો ડે બોર્ડીંગ ટાઇપ બની ચૂકી છે. ધંધાદારી કોચિંગ ક્લાસીસોવાળાની દાદાગીરી એટલી વધી ગઇ હતી કે તેઓ પોતાના ક્લાસીસોમાં પ્રવેશ આપતા પૂર્વે એવી શરત રાખે છે કે અમારા ક્લાસીસમાં તો જ પ્રવેશ મળે જો વિદ્યાર્થી તેમના દ્વારા દર્શિત સ્કુલમાં પ્રવેશ નોંધણી કરાવે. આમ, પ્રાઇવેટ ધંધાદારી, બજારુ કોચિંગ ક્લાસીસોવાળાની દાદાગીરી તોડવા માટે સ્કુલોએ પોતાના કેમ્પસમાં જ જેઇઇ, નીટ, ગુજકેટ, બિટ્સ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરાવવાની ફરજ પડી અને એટલે જ સ્કુલો હવે પાળી પ્રથાથી મટીને ડે બોર્ડીંગ ટાઇપની બની ચૂકી છે.

અંગ્રેજી મિડીયમમાં ફક્ત 2 જ એ-વન ગ્રેડ

ઇંગ્લીશ મિડીયમ સ્કુલોની સંખ્યા રાજ્યમાં ખાસી એવી છે. 27000થી વધુ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મિડીયમમાંથી ધો.11-12 સાયન્સ અભ્યાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આજના પરીણામની વાત કરીએ તો ઇંગ્લિશ મિડીયમની સ્કુલોમાંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડમાં પરીણામ લાવી શક્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :