ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં 01/04/2025થી અક્ષાંશ (latitude) – રેખાંશ (longitude) ફરજિયાત દર્શાવવા પડશે
ગુજરાતમાં હાલ ચાલી રહેલી મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં ક્ષેત્રફળ ઓછું દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકિત કરાવીને સરકારની તિજોરીને લાખો, કરોડો રૂપિયાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો ફ્રોડ બંધ થાય તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગે આગામી તા.1લી એપ્રિલ 2025થી મિલક્તોના દસ્તાવેજોની નોંધણીમાં અક્ષાંશ રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે અન્યથા દસ્તાવેજની નોંધણી જ નહીં થાય.
મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકવા માટે નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોના મુસદ્દા (ખરડા)માં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી કરવામાં આવશે નહી.
સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.
આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.
સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
