CIA ALERT

ચોમાસા દરમિયાન કોલસાનો શોર્ટ સપ્લાય ઉભો કરીને કરોડોની કમાણીની કોલસા સિન્ડીકેટની આખી ગેમ ઉંધી પડી ગઇ

Share On :

જીએમડીસીએ તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે કોલસાના ભાવમાં પ્રતિ ટને રૂ.340 સુધીનો ઘટાડો જાહેર કર્યો

સુરતમાં કોલસાના કેટલાક સપ્લાયરો એવા છે કે જેઓ અત્યાર સુધી દર ચોમાસામાં કોલસાની કુદરતી કમીમાં કૃત્રિમ રીતે શોર્ટ સપ્લાયની સ્થિતિ વધુ ઘેરી બનાવીને કોલસાના વપરાશકારોને ઉંચા ભાવે કોલસો વેચતા હતા. આ વખતે કોલસા સપ્લાયરોની સિન્ડીકેટની નફો કરવાની નેમ મનની મનમાં રહી ગઇ છે. જીએમડીસીએ કોલસાના મુખ્ય વપરાશકારો પ્રોસેસર્સ સાથે તાલમેલ કરીને ચોમાસા દરમિયાન ચાલે તેટલો પુરવઠો સ્ટોર કરી દીધો છે. એટલું જ નહીં પણ ચોમાસા દરમિયાન પ્રાઇવેટ પ્લેયરો ભાવ વધારી દે તે પહેલા જ જીએમડીસીએ તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે લિગ્નાઇટના બેઝિક ભાવમાં 10થી 12 ટકાનો ઘટાડો કરી દીધો છે. આમ આ વખતે ચોમાસામાં સસ્તા ભાવે લિગ્નાઇટનો જોઇએ તેટલો પુરવઠો ઉપલબ્ધ બનવાનો હોઇ, પ્રાઇવેટ સપ્લાયરોની આખી ગેમ ઉંધી પડી ગઇ છે.

વરસાદની સીઝન શરૂ થાય એટલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની કપડા મિલો, ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ હાઉસોમાં કોલસાની રામાયણ શરૂ થઇ જતી. ચોમાસા દરમિયાન કોલસાનો શોર્ટ સપ્લાય એટલો અનુભવાતો કે મિલમાલિકોએ બળતણ માટે લાકડા કે અન્ય મટિરયિલ પર આધાર રાખવો પડતો. કોલસાના શોર્ટ સપ્લાયને કારણે કેટલાક કોલસાના સપ્લાયરો મોં માગ્યા દામ પણ વસૂલ કરતા. આ તમામ પરિસ્થિતિથી વિપરીત આ વખતે કોલસાના માઇનિંગથી લઇને સપ્લાયના મુખ્ય સરકારી પ્લેયર ગુજરાત મિનરલ ડેવપમેન્ટ કોર્પોરેશને તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે લિગ્નાઇટના ભાવમાં પ્રતિ ટને રૂ.340 સુધીનો ઘટાડો કરતા મિલમાલિકો, કપડા મિલો, ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ યુનિટો તેમજ કોલસાનો ઇંધણ તરીકે ઉપયોગ કરતા ઉદ્યોગકારોમાં સુખદ આશ્ચર્ય ફેલાયું છે.

ચોમાસા દરમિયાન ખાણમાંથી કોલસો કાઢવાનું કામ બંધ કરી દેવામાં આવે છે. પરીણામે આગોતરું આયોજન કે સ્ટોરેજ ન હોય તો ઉદ્યોગોને ચોમાસા દરમિયાન મળતા કોલસા-લિગ્નાઇટના પુરવઠામાં ભારે કમી આવતી અને શોર્ટ સપ્લાયના કારણે કોલસાના પ્રાઇવેટ સપ્લાયરો ચોમાસા દરમિયાન પ્રોસેસિંગ યુનિટોના માલિકોના ખીસ્સા ખંખેરી લેતા હતા. પરંતુ, આ વખતે સ્થિતિ બદલાય છે એમ જણાવતા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયા કહે છે કે જીએમડીસી સાથે છેલ્લા દોઢ મહિનાથી નેગોસીએશન ચાલી રહ્યું હતું. પ્રોસેસર્સ માટે કોલસો-લિગ્નાઇટ મુખ્ય ઇંધણ હોઇ, ચોમાસા દરમિયાન જે તકલીફો ભૂતકાળમાં પડી તે આ વખતથી હવે પછીના ચોમાસા દરમિયાન ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના મેમ્બર મિલમાલિકો સામાન્ય દિવસોમાં દર મહિના જેટલો લિગ્નાઇટ ખરીદતા તેમની એવરેજ કાઢીને આગામી ત્રણ મહિના ચાલે તેટલા લિગ્નાઇટના જથ્થાનો સ્ટોરેજ કરી દેવાયો છે. તેની સાથે સુખદ આશ્ચર્ય એ છે કે ઇતિહાસમાં પહેલીવાર જીએમડીસીએ ચોમાસા દરમિયાન લિગ્નાઇટના ભાવમાં ઘટાડો કર્યો છે. તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે પ્રતિ ટને રૂ.300 ઉપરાંત રૂ.40 અન્ય ખર્ચ કપાત મળીને રૂ.340 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને દરેક મિલમાલિકોને જાણ કરી છે કે જીએમડીસી પાસે આ ચોમાસા દરમિયાન સપ્લાય કરવા માટેનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે તેના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :