CIA ALERT

પૂર્વ PM મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન: દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક: તમામ સરકારી કાર્યક્રમ રદ

Share On :

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમની તબીયત લથડી હતી, ત્યારબાદ તુરંત દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી પણ એમ્સ જશે. તો કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા. એઈમ્સની આસપાસની સુરક્ષામાં વધારો કરાયો.

કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી, આતિશી, કેજરીવાલ, રાજનાથ સિંહ, સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, અશ્વિની વૈષ્ણવ, માયાવતી, યોગી આદિત્યનાથ, હેમંત સોરેન, પિનારાઈ વિજયન, નવીન પટનાયક, અજિત પવાર, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, શરદ પવાર, સુખબીર બાદલ, જયરામ રમેશ, સચિન પાયલટ, પી ચિદંબરમ, તેજસ્વી યાદવ, નીતિશ કુમાર સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.

રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે થનારા તમામ સરકારી કાર્યક્રમ રદ રહેશે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર. કાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. દિલ્હી AIIMS તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે, અત્યંત દુઃખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના 92 વર્ષની ઉંમરે નિધનની માહિતી આપી રહ્યા છીએ. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 26 ડિસેમ્બર 2024એ ઘર પર અચાનક બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમણે હોશમાં લાવવાના પ્રયાસ કર્યા. તેમણે રાત્રે 8:06 વાગ્યે દિલ્હી AIIMSના મેડિકલ ઇમરજન્સીમાં લવાયા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

મનમોહન સિંહજીએ અપાર વિદ્વતા અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.

વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.’

તેમની બુદ્ધિમતા અને વિનમ્રતા હંમેશા જોવા મળતી હતી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.’

આર્થિક સુધારાનાં સૂત્રધાર માનવામાં આવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ 1932માં અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહ વર્ષ 2004 થી 2014 સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા. તેમના 10 વર્ષનાં કાર્યકાળ સુધી મૌન રહેવા તેમના પર ગણા સવાલ ઉઠ્યા હતા. જોકે તેમની આ સાદગી જ મોટી વિશેષતા રહી. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર રૂપમાં ભારત સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ 1972માં તેમને નાણા મંત્રાલયનાં આર્થિક સલાહકાર રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. મનમોહન સિંહ પહેલીવાર 1991માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યસભામાં પાંચ વાર અસમ અને 2019માં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનમોહન સિંહ 1991થી 1996 વચ્ચે ભારતમાં નાણા મંત્રી પણ રહ્યાં. આર્થિક સુધારાની વ્યાપક નિતી શરૂ કરવામાં તેની ભૂમિકાને દુનિયાભરમાં સરાહના મળી. 1991માં જ્યારે ભારતને દુનિયાના બજાર તરીકે ખોલવામાં આવ્યુ ત્યારે મનમોહન સિંહ નાણામંત્રી હતા. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે મનરેગા યોજનાની પણ શરૂઆત કરી હતી. જેને લઇ ગણા ગરીબ લોકોને રોજગાર મળ્યો હતો.

1998થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષ નેતા હતા.

1999માં, તેઓએ દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી પણ તેને જીત મળી નહીં. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી પછી 22 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 22 મે 2009માં બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કર્યાં. તે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.

1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ ‘આત્માના અવાજ’ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે 2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ છે.

કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળ્યા, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.

આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :