CIA ALERT

રૉમેન્ટિક રિશી ની Exit

Share On :

પીઢ અભિનેતા, ત્રણ દાયકા સુધી બૉલીવૂડના અવ્વલ દરજ્જાના રૉમેન્ટિક હીરો તરીકેની પ્રતિભા ધરાવતા તેમ જ ફિલ્મ કરિયરના છેલ્લા વર્ષોમાં ચરિત્ર અભિનેતાના રોલમાં જોવા મળેલા રિશી કપૂર લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડતમાં છેવટે હારી ગયા. ગુરુવારે તેમનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.

કપૂર કુટુંબની ત્રીજી પેઢીના મહાન કલાકાર રિશી કપૂરે અભિનયને નવો વળાંક અને ઓપ આપ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નીતુ, ઍક્ટર રણબીર અને પુત્રી રિદ્ધિમા કપૂર-સાહનીનો સમાવેશ છે. રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘મારો ભાઈ રિશી હવે આપણી વચ્ચે નથી. તેનું નિધન થયું છે.’

બુધવારે ગિરગામ ખાતેની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધા હતા. કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનના નિયમોને પગલે રિશી કપૂરનું પાર્થિવ શરીર હૉસ્પિટલમાંથી સીધું કાલબાદેવી ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું.

રિશી કપૂરના પાર્થિવ શરીરને ગુરુવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. સાંજે ૪.૦૦ વાગ્યા પછી કરવામાં આવેલા તેમના અગ્નિસંસ્કાર વખતે હાજર પત્ની નીતુ, પુત્ર રણબીર તેમ જ તેમના નજીકના પરિવારજનોમાં મોટા ભાઈ રણધીર, કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન, અભિનેતા અભિષેક બચ્ચન અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ તેમ જ અનિલ અંબાણીનો સમાવેશ હતો.

ગુરુવારે સવારે રિશી કપૂરના નિધનના સમાચાર બહાર આવતાં જ બૉલીવૂડમાં તેમ જ રિશીના ચાહકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી ચૅનલો પર લાડલા રિશીને અંજલિ આપતા અસંખ્ય સંદેશા આવવા લાગ્યા હતા.

કપૂર પરિવારે રિશીને અંજલિ આપવા સંબંધમાં તેમના ચાહકોને તેમ જ મિત્રોને લૉકડાઉનને લગતા નિયંત્રણોને લક્ષમાં રાખવાની વિનંતી કરી હતી. રિશીના ‘ડી-ડે’ ફિલ્મના સહ-અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે કૅન્સરની બીમારી સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું હતું અને ગુરુવારે રિશીનું લ્યૂકેમિયા સામેની લડતમાં અવસાન થયું. ત્રણ મહિના પહેલાં તેમના બહેન રિતુ નંદાનું આ જ બીમારીના કારણસર મૃત્યુ થયું હતું.

હૉસ્પિટલ ખાતેના ડૉક્ટરો અને સ્ટાફે જણાવ્યું હતું કે ‘રિશી કપૂર જીવ્યા ત્યાં સુધી બધાનું મનોરંજન કરતા રહ્યા હતા. આ જાણકારી કપૂર પરિવારે એક નિવેદનમાં આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ‘રિશી રમૂજી સ્વભાવના હતા અને છેક સુધી એવા જ રહ્યા. તેમણે બીમારીના બે વર્ષ દરમિયાન અને સારવાર માટે ખેડેલા બે ઉપખંડના પ્રવાસ દરમિયાન પણ જિંદગી ખૂબ માણી હતી. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ અને ફિલ્મ પર છેક સુધી તેમનું ધ્યાન રહ્યું હતું. જે કોઈ અમને મળતું એ કહેતું કે ગંભીર બીમારીમાં હોવા છતાં એની પીડા વ્યક્ત ન કરવાની અદ્ભુત શક્તિ રિશીમાં જોવા મળી. રિશીના જવાથી અમારા પરિવારને તો મોટી ખોટ પડી જ છે, આખું વિશ્ર્વ અત્યારે (કોરોના વાઇરસને કારણે) ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતથી પણ અમે બધા ચિંતિત છીએ. અમે રિશીના ચાહકો અને અમારા પરિવારના શુભેચ્છકો-મિત્રોને વિનંતી કરીએ છીએ કે લૉકડાઉનને લગતા કાનૂનોનું ચુસ્તપણે પાલન કરજો. ખુદ રિશી પણ આ નિયમોના પાલનમાં માનતા હતા અને એવા પાલન માટે અમે બધાને અરજ કરીએ છીએ.’

રિશી કપૂર અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બે વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં તેઓ જ્યારે દિલ્હીમાં એક ફૅમિલી-ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક ‘ઇન્ફેક્શન’ને કારણે તેમણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મુંબઈ પાછા આવ્યા પછી વાઇરલ ફીવરને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને થોડા જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.

રિશી કપૂર રૉમેન્ટિક અભિનયના બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા જ, તેઓ કોઈ પણ પ્રકારનો અભિનય બખૂબી નિભાવી જાણીતા હતા. તેમના જેવા વર્સેટાઇલ ઍક્ટર બૉલીવૂડને ભાગ્યે જ મળ્યા છે. ઘણી પેઢીઓના ફિલ્મપ્રેમીઓના તેઓ મનપસંદ અભિનેતા હતા. સદ્ગત પિતા રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ…’ ગીતમાં તેમણે બાળ કલાકારની ભૂમિકામાં ફિલ્મના પડદે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ૧૦૭૦માં ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં પણ તેમનો અભિનય હતો, પરંતુ ૧૯૭૩માં રાજ કપૂરની જ ‘બૉબી’ ફિલ્મમાંના અભિનય સાથે તેમણે રૉમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ મેળવવાની શરૂઆત કરી હતી.

અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરનાર રિશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રફૂ ચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘લૈલા મજનૂ’, ‘કભી કભી’, ‘કર્ઝ’, ‘યે વાદા રહા’, ‘ચાંદની’, ‘હીના’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ હતો. એ ઉપરાંત, તેમણે ચરિત્ર અભિનેતા તરીકેના અભિનય પણ આપ્યા હતા જેમાં પત્ની નીતુ સાથેની ફિલ્મ ‘દો દૂની ચાર’ તથા ‘અગ્નિપથ’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નો સમાવેશ હતો. અમિતાભ બચ્ચન સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને ‘૧૦૨ નૉટઆઉટ’ તેમની સાથેની આખરી ફિલ્મ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :