CIA ALERT

ISનું પતન પણ તાલિબાનનું પુનરાગમન, ભારત માટે જોખમ

Share On :

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર હટશે એ સાથે જ ફરી તાલિબાન ચડી બેસશે એવો અંદેશો સાચો પડવા માંડ્યો છે. અમેરિકાના નવાસવા પ્રમુખ જો બાઈડને ગાદી સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તાલિબાન સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાનું એલાન કરી દીધેલું ને એપ્રિલ મહિનાથી અમેરિકાના લશ્કરે બિસ્તરાં-પોટલાં બાંધીને ઉચાળા ભરવાનું શરૂ પણ કરી દીધેલું. ત્રણ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે ને હવે અમેરિકાના લશ્કરની વાપસીનો કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે ત્યારે જ તાલિબાને માથું ઉંચક્યું છે. તાલિબાને એક પછી એક વિસ્તારો કબજે કરવા માંડ્યા છે ને રવિવારે સમાચાર આવ્યા કે કંદહાર પાસેનો પંજવાઈ જિલ્લો પણ હવે તાલિબાનોના કબજામાં છે.

અમેરિકાનું લશ્કર હટવા માંડ્યું ત્યારે જ ધીરે ધીરે તાલિબાન આગળ વધવા માંડેલા પણ રાજધાની કાબુલથી દૂર હતા. કાબુલ પાસે આવેલા બગરામ એરબેઝ પર અમેરિકાનાં ફાઈટર જેટ અને એરફોર્સના સૈનિકો હાજર હતા તેથી તેમને સળી કરવાથી તાલિબાન દૂર રહ્યા હતા. બે દિવસ પહેલાં અમેરિકાના એરફોર્સે બગરામ એરબેઝ ખાલી કર્યો એ સાથે જ તાલિબાને રાજધાની કાબુલ તરફ કૂચ શરૂ કરી ને પંજવાઈ પર કબજો કરી લીધો છે. પંજવાઈ અને કાબુલ વચ્ચે ઝાઝું અંતર નથી ને તાલિબાનો આવી રહ્યા છે એ સાંભળીને અફઘાનિસ્તાનનું લશ્કર પોબારા ગણી ગયું છે એ જોતાં કાબુલ પડીને પાધર થાય એ દિવસો દૂર નથી. અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લા છે ને તેમાંથી ૧૦૦ જિલ્લા પર હવે તાલિબાનનો કબજો છે એ જોતાં અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનનું રાજ હશે એ શક્યતા હવે બહુ જલદી વાસ્તવિકતામાં પલટાઈ જશે.
ભારત માટે તાલિબાનનો વધતો પ્રભાવ ખતરાની ઘંટડી નહીં પણ ઘંટ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પોતાના સ્વાર્થને માટે અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા તેની કિંમત અફઘાન પ્રજા તો સૌથી વધારે ચૂકવવાની  જ છે.

તાલિબાન  પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવા ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ કરી દેશે તેના કારણે અફઘાન પ્રજાનું તો આવી જ બનશે. અફઘાન પ્રજાએ છેલ્લાં કેટલાંક વરસોમાં ભોગવેલી આઝાદી છિનવાઈ જશે ને ફરી ગુલામીના દિવસો શરૂ થશે. એ રીતે અફઘાન પ્રજા તો બહુ આકરી કિંમત ચૂકવશે પણ દુનિયાના બીજા દેશો પણ વત્તેઓછે અંશે કિંમત ચૂકવશે જ ને તેમાં આપણે પણ આવી ગયા. બલ્કે આપણી હાલત 
વધારે બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે.
તાલિબાન મજબૂત થતાં જ ભારતમાં આર્થિક હિતો સામે જોખમ ઉભું થઈ જ જવાનું છે.  

ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જશે તેમાં શંકા નથી.  તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય? તાલિબાનની માનસિકતા ભારત વિરોધી છે એ જોતાં ભારત તરફી બની જ ના શકે. તાલિબાન પહેલેથી ભારત વિરોધી છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે તેથી ભારત વિરોધી જ રહેવાના છે.

ભારત માટે બીજો મોટો ખતરો અલ કાયદા અને કાશ્મીરી આતંકવાદી સંગઠનોનો છે. તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે અલ કાયદા પણ મજબૂત બનશે કેમ કે અલ કાયદા અને તાલિબાન એક સિક્કાની બે બાજુ છે. આપણે ત્યાં બહુ ઓછા લોકોને યાદ છે પણ હજુ ગયા વરસે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.

જો કે એ વખતે અલ કાયદાની હાકલને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી કેમ કે અલ કાયદાનો ત્યારે એવો પ્રભાવ નહોતો. અલ કાયદા એક સમયે વિશ્ર્વમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતું હતું. ઓસામા બિન લાદેન તેનો કર્તાહર્તા હતો ત્યારે અલ કાયદાના નામથી આખી દુનિયા થરથરતી હતી. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને લાદેને આખી દુનિયામાં જે ખૌફ ઊભો કર્યો એવો ખૌફ બીજા કોઈ આતંકવાદીએ કર્યો નથી. લાદેન જેવો આતંકવાદી ભવિષ્યમાં કોઈ આવશે કે નહીં એ ખબર નથી પણ અત્યાર લગી તો આવ્યો નથી.
જો કે લાદેને અમેરિકાને છંછેડવાની ભૂલ કરીને પોતાની કબર ખોદી નાંખી.  ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ તેનો બદલો લેવા અફઘાનિસ્તાન પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. ઓસામા માટે અફઘાનિસ્તાનના તાલિબાન સૌથી મોટા આશ્રયદાતા હતા પણ અમેરિકાએ તેમની એવી બજાવી કે, મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાને ભાગવું પડ્યું. લાદેન પણ સંતાતો ફરતો થઈ ગયેલો પણ અમેરિકાએ તેને પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધી કાઢીને પતાવી દીધો.

લાદેન પત્યો પછી તેનાં વાઉચરોએ અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું પણ અમેરિકાએ એક પછી એક ફટકા મારી મારીને તેને એવું અધમૂઉં કરી નાંખ્યું કે, અલ કાયદા સાવ પતી ગયું. લાદેનના વખતમાં અલ કાયદા એક જ હતું પણ લાદેન ગયો પછી તેનાં કેટલાંય ફાડિયાં થઈ ગયાં. એક્યુએપી તેમાંથી એક છે ને અલ કાયદામાંથી અલગ અલગ થયેલા સંગઠનોમાં સૌથી મોટું ગણાય છે પણ તેનો કોઈ પ્રભાવ કે ડર એ વખતે નહોતો. યમન અને સાઉદી અરેબિયામાં આ સંગઠન સક્રિય છે પણ તેના નામે એવું કશું બોલતું નથી કે જેના કારણે લોકોમાં ખૌફ પેદા થાય.

હવે તાલિબાન પાછા મજબૂત થશે તેથી અલ કાયદા પણ મજબૂત થશે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ તાલિબાનની બે દાયકા લગી બરાબર બજાવી છે તેથી હમણાં એ અમેરિકા સામે બાખડી ના બાંધે તેથી પોતાનો ડર પેદા કરવા ભારતમાં હુમલા કરાવે એ ખતરો છે. પાકિસ્તાન અને તાલિબાન પણ એક જ છે તેથી તાલિબાન મજબૂત થાય  તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધશે.  

પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ ખતરો છે. 
અલ કાયદાનો અત્યાર લગી ભારતમાં પ્રભાવ નથી થયો પણ તાલિબાન મજબૂત થાય તો એ પણ થાય. અલ કાયદાનો કટ્ટરવાદી મુસ્લિમો પર ભારે પ્રભાવ છે. આ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારની એજન્સીઓએ ગયા વરસે લગભગ ૨૮૦૦ જેટલાં એવાં ટ્વિટર એકાઉન્ટ શોધી કાઢ્યાં હતાં કે જે ભારતના મુસ્લિમોને ભડકાવીને જિહાદ માટે ઉશ્કેરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. આ બધાં એકાઉન્ટ અત્યારે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે તેથી આપણી એજન્સીઓની નજરે ચડી ગયાં પણ અલ કાયદાનો પ્રભાવ વિશ્ર્વના ઘણા દેશોમાં છે. તેના કારણે આપણી સામે બીજાં દેશોમાંથી ઝેરીલો પ્રચાર શરૂ થાય એ પણ ખતરો છે.  તેને રોકવા આપણે તાકાત તો લગાવવી જ પડે. અલ કાયદા પાસે તાલીમબદ્ધ આતંકવાદીઓ છે ને તેમને ભારતમાં ઘૂસાડીને પણ પાકિસ્તાન આપણને નુકસાન તો કરી જ શકે. આતંકવાદનો એ સીધો ખતરો પણ તાલિબાન મજબૂત થતાં વધી જશે.
ભારત આતંકવાદના ખતરાને પહોંચી વળવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ  આપણે આપણી તાકાત વિકાસ કરવામાં લગાવવાના બદલે આતંકવાદ સામે લડવામાં લગાવવી પડે એ નુકસાન તો છે જ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :