મધ્યમથી ભારે મતદાન: લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો પાર
દેશમાં ૧૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાંની લોકસભાની ૯૫ બેઠક માટે ગુરુવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું હતું. આમ છતાં, મહારાષ્ટ્રની ૧૦ બેઠક પરનું સરેરાશ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ૫૭.૨૨ ટકા રહ્યું હતું જે ૨૦૧૪ની સરખામણીમાં ઓછું હતું.
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં પશ્ર્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા તેમ જ મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનો (ઇવીએમ)માં ખામી સર્જાવાના કિસ્સા પણ નોંધાયા હતા.
પુડુચેરીમાં સરેરાશ ૭૮ ટકા અને મણિપુરમાં અંદાજે ૭૫ ટકા મતદાન થયું હતું.
શ્રીનગરમાં ૨૦૧૪ની જેમ આ વખતે પણ ઘણું જ ઓછું મતદાન થયું હતું. શિયાઓની બહુમતીવાળા બડગામ જિલ્લામાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧૭.૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ બેઠક પર સરેરાશ મતદાન માત્ર ૧૨.૪૩ ટકા જ થયું હતું.
તમિળનાડુની ૩૮ બેઠક પર બપોરના ૩ વાગ્યા સુધી ૫૨.૦૨ ટકા મતદાન થયું હતું. કરુરમાં ૫૬.૮૫ ટકા, જ્યારે ચેન્નઇ મધ્યમાં ૪૫.૬૫ ટકા મતદાન નોંધાયું હતું.
વિધાનસભાના ૧૮ મતવિસ્તારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બપોરના ૩ વાગ્યા સુધી ૫૫.૯૭ ટકા મતદાન થયું હતું.
તમિળનાડુ ઉપરાંત, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશના ૮, આસામની પાંચ, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, છત્તીસગઢની ત્રણ, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, જમ્મુ અને કાશ્મીરની બે, મણિપુુરની એક અને પુડુચેરીની લોકસભાની એક બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું.
ઓડિશાના વિધાનસભાના ૩૫ મતવિસ્તારમાં પણ મતદાન થયું હતું.
તમિળનાડુના વેલ્લૂરમાં દ્રમુકના નેતાના એક સાથી પાસેથી મોટી રોકડ રકમ મળતાં ચૂંટણી પંચે અહીં મતદાન રદ કર્યું હતું.
ત્રિપુરા (પૂર્વ)ની લોકસભાની બેઠક પર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હોવાનું કારણ આપીને ત્યાં મતદાન ૨૩મી એપ્રિલે ત્રીજા તબક્કા પર મુલતવી રખાયું હતું.
પશ્ર્ચિમ બંગાળના રાયગંજ લોકસભા બેઠક ખાતે પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. અહીંના ચોપડા વિસ્તારમાં તોફાનીઓએ બૉમ્બ પણ ફેંક્યા હતા.
રાજગંજના કાટાફૂલવાડીમાં મતદાનનો અહેવાલ લેવા ગયેલા સમાચારની સ્થાનિક ચૅનલના પત્રકાર અને કૅમૅરામૅનને ધક્કે ચઢાવાયા હતા.
પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની ત્રણ બેઠક ખાતે હિંસા, રસ્તારોકો, બૉમ્બ ફેંકવાના અને પોલીસ ગોળીબારના બનાવો નોંધાયા હતા.
છત્તીસગઢની લોકસભાની ત્રણ બેઠક પર બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે ૫૯.૭૨ ટકા મતદાન થયું હતું, પરંતુ બાદમાં તે વધીને સરેરાશ ૬૯ ટકા થયું હતું.
ઓડિશાની લોકસભાની પાંચ બેઠક અને વિધાનસભાની ૩૫ બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૩ ટકા મતદાન થયું હતું.
કર્ણાટકમાં બપોરે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૧.૮૪ ટકા મતદાન નોંધાયું હતું.
આસામના કરીમગંજમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ૬૩.૬૬ ટકા મતદાન થયું હતું. બાદમાં, મતદાનની ટકાવારી વધીને સરેરાશ ૭૩.૩૨ ટકા થઇ હતી.
બિહારની પાંચ બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૫.૭૭ ટકા મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૯ ટકા મતદાન નોંધાયું હતું, પરંતુ બાદમાં છ વાગ્યા સુધીમાં આ ટકાવારી વધીને સરેરાશ ૬૨.૩૦ થઇ હતી.
મણિપુરમાં બે મતદાન કેન્દ્ર ખાતે હિંસાના બનાવ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ ૭૫.૬૯ ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીના હવે પછીના તબક્કા ૨૩મી એપ્રિલે, ૨૯મી એપ્રિલે, છઠ્ઠી મેએ, ૧૨મી મેએ અને ૧૯મી મેએ યોજાવાના છે તેમ જ મતગણતરી ૨૩મી મેએ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
