CIA ALERT

મધ્ય ગુજરાતમાંથી Rs.2151 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Share On :

– ગુજરાત એટીએસ અને મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલનું ઓપરેશન

– સાવલી નજીક મોક્સી ખાતેની કેમિકલ ફેક્ટરીમાંથી 225 કિલો અને પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ સાથે 7ની અટકાયત

– દેશના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપાયું

સાવલી,અંક્લેશ્વર : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે નેક્ટર કેમ નામની કેમિકલ કંપનીમાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સનો ૨૨૫ જથ્થો ઝડપી પાડયો છે આ ડ્રગ્સની કિમત આંતર રાષ્ટ્રીય બજારમાં આશરે ૧,૧૨૫ કરોડ થાય છે. બીજી બાજુ મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે ભરૂચ જિલ્લામાં પાનોલી જીઆઇડીસીની એક કંપની પર દરોડો પાડીને ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને સાતની અટકાયત કરી છે. આમ આ ડ્રગ્સની કિંમત ૧૦૨૬ કરોડ થાય છે. ગુજરાતમાં એક જ દિવસમાં આશરે ૨૧૫૧ કરોડની કિંમતનું આશરે ૭૩૮ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આમ દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપી પાડયું છે.

ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે,વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે એક ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. જેથી,એ.ટી.એસ.ની ટીમે મોક્સી ગામે આવેલી નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડો પાડયો હતો.કંપનીમાંથી કોઇ ભાગી ના જાય તે માટે કંપનીને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી.કંપનીમાં તપાસ કરતા  એમ.ડી.ડ્રગ્સનો  શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જેથી,ફોરેન્સિક નિષ્ણાંતની ટીમને  સ્થળ પર બોલાવીને તપાસ કરાવવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલો જથ્થો એમ.ડી.ડ્રગ્સ હોવાનું  જણાઇ આવ્યું હતું.પોલીસે ૨૨૫ કિલો એમ.ડી.ડ્રગ્સ કિંમત ૧,૧૨૫ કરોડનું જપ્ત કર્યુ છે.ડીવાય.એસ.પી.કે કે પટેલે જણાવ્યું હતું કે,ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો  હતો.આ ડ્રગ્સનો જથ્થો અન્ય કોઇ સ્થળેથી તૈયાર થઇને અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો.એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ક્યાં તૈયાર કરવામાં આવ્યો હતો ? તે અંગે તપાસ ચાલી રહી છે.ફેક્ટરીમાંથી કંપનીના માલિક પીયૂષ  પટેલ અને એક કર્મચારી હાજર મળી આવ્યા હતા.તેઓની પૂછપરછ ચાલી રહી છે.ગુજરાતના ઇતિહાસમાં એમ.ડી.ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે.આ કંપની વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરે છે.અને કોરોના કાળમાં કોરોના સંબંધિત કેમિકલનું ઉત્પાદન થતું હતું.

પરંતુ, તેની આડમાં એમ.ડી.ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની જાણકારી મળી હતી.પરંતુ,રેડ પછી આ જગ્યાનો ગોડાઉન  તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.

પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો ડ્રગ્સ જપ્ત

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર નજીક પાનોલી જીઆઇડીસીની એક ફાર્મા કંપનીમાંથી મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે દરોડો પાડી અંદાજે ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૃા.૧૦૨૬ કરોડ આંકવામાં આવી રહી છે.

મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટ દ્વારા ગઇરાતે ભરૂચ જિલ્લા પોલીસની મદદ મેળવી પાનોલી જીઆઇડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો, જે પાવડર તેમજ પ્રવાહી સ્વરૂપે હતો.

આ સમગ્ર કાર્યવાહી અંગે જોકે પોલીસ તંત્રે કોઇ સતાવાર વિગતો જાહેર કરી નથી, હાલ પોલીસે સમગ્ર કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત લોકોની અટકાયત કરી છે. વડોદરા જિલ્લામાં સાવલી નજીક મોક્સી ગામે નેક્ટર કેમ કંપનીમાં ગુજરાત એટીએસ દ્વારા જે દરોડો પાડીને અંદાજે ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડયું તેની સાથે સાથે પાનોલી જીઆઇડીસી ખાતેની કંપનીમાં પણ દરોડા પાડતા રાજ્યમાં સંભવત પ્રથમ વખત આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.

આ કંપની પાનોલી જીઆઇડીસીમાં ડાઇઝ અને ડાઇ ઇન્ટરમીડિયેટના નામે ૫ વર્ષ અગાઉ શરૂ થઇ હતી, જેમાં રૂપિયા ૪૪૨ લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આ કંપનીમાંથી રૂપિયા ૧૦૨૬ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે, તેનાથી સ્થાનિક ઉદ્યોગ જગત પણ ચોંકી ઊઠયું છે.

ભૂતકાળમાં ગુજરાત એટીએસે પાનોલી જીઆઇડીસીની મીરા કેમિકલની  આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો.

દરમ્યાન તપાસ એજન્સી દ્વારા ડ્રગ્સ કયાં મોકલવામાં આવનાર હતું, ક્યારથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે, તે અંગે માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાંથી એમડી ડ્રગ્સ મુંબઇ, કર્ણાટક તેમજ ગોવા મોકલવામાં આવતુ હતું. મુંબઇ નાર્કોટિક્સ વિભાગની ટીમે મુંબઇના નાલા સોપારા ખાતેથી હાલ એક ડ્રગ પેડલરને ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં પાનોલીમાં એમડી ડ્રગ્સ બનતું હોવાની વિગતો બહાર આવ્યા બાદ ગત રાત્રિથી ગુજરાતમાં બે ઠેકાણે દરોડા પાડયા હતા.

તપાસ ટીમે ૮૧૨ કિલો કરતા વધારે સફેદ પાવડર જપ્ત કર્યો હતો. જે એમડી(મેફેડ્રોન) ડ્રગ્સ તૈયાર કરવામાં વપરાય છે. આ ઉપરાંત ૩૯૭ કિલો કરતા વધારે છીકણી રંગના ટુકડા કબજે કર્યા છે. જે પણ આ ડ્રગ્સ તૈયાર કરવામાં  વપરાય છે. આમ, કુલ ૧૨૧૮ કિલો કરતા વધારે વજનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત ૨૪૩૫ કરોડ થાય છે.

પાનોલીની કંપનીનો માલિક દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે

એન્ટી નાર્કોટિક્સ સેલના ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેના જણાવાયા મુજબ પાનોલી યુનિટનો માલિક ગિરિરાજ દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તા.૩ ના રોજ નાલા સોપારામાં ૭૦૦ કિલો એમડી ડ્રગ્સ, પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની કિંમત ૧૪૦૦ કરોડ થાય છે. શમસુલ્લાહ ઓબેદુલ્લાહ ખાન (૩૮), અયુબ ઇઝહાર અહેમદ શેખ (૩૩), રેશમા સંજયકુમાર ચંદન (૪૯), રિયાઝ અબ્દુલ સતાર મેમણ (૪૩), પ્રેમ પ્રકાશ પ્રશાંતસિંહ (૫૨) અને કિરણ પવારને રેડ દરમિયાન ઝડપી પાડયા હતા દિક્ષિતની ફેક્ટરીમાંથી મુંબઇના પેડલર્સ અને આજુબાજુના વિસ્તારોમાં માલ સપ્લાય થતો હતો. દિક્ષિત અને તેના સાગરીતોએ પ્રયોગો કરીને એમડી ડ્રગ્સની ફોર્મ્યુલા વિકસાવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :