સુરતના હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં 1લી ડિસેમ્બર 2018 થઇ જશે
વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી. હાલમાં દિવાળી વેકેશન અંતિમ તબક્કામાં છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં હજુ તા. 1 ડિસેમ્બર 2018 સુધીનો સમય લાગી જાય તેમ જણાય આવે છે. સુરતમાં સૌથી પહેલા મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતા હજું પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે, આ રૂએ નાના હીરાના કારખાનાઓને કામ મળતા હજુ પખવાડીયું નીકળી જાય તેમ છે.
સુરતમાં દિવાળી પહેલાથી મંદી હતી, અમદાવાદમાં વિપરીત સ્થિતિ
દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી. દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર જોવા મળ્યા નહોતા અને દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માંગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. આમ, સુરતના જ હીરા ઉદ્યોગના કારખાનાઓમાં કારીગરો માટે કામ મળતું નથી એ બાબત પણ હવે તપાસનો વિષય બની છે.

સુરતના હીરા ઉદ્યોગના મોટા યુનિટોમાં તા. 20 નવેમ્બરથી કામકાજ શરૂ કરશે જ્યારે અન્ય યુનિટો 25 નવેમ્બર અને 1 ડિસેમ્બરથી કાર્યરત થશે. એટલે કે કુલ ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થશે. એવું જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું. ક્રિસમસ માટેના ઓર્ડરો પૂરા કરવા પર યુનિટો ધ્યાન આપશે અને એકંદરે દિવાળી અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ રહેશે એવી અપેક્ષા છે.
સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ 5,000થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ₹80,000 કરોડ જેટલું ટર્નઓવર છે. રફ ડાયમન્ડના ભાવમાં વધારો થવાની સામે પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં એટલો વધારો જોવા મળ્યો નથી અને ડોલરની મજબૂતાઈનો લાભ પણ માત્ર ગણતરીની કંપનીઓને જ મળ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


