જોબવર્ક માટેના આયાતી હીરા પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધતાં હીરા ઉદ્યોગ વધુ ભીંસમાં
ભારતમાં રિ-કટિંગ તથા રિ-ડિઝાઇનિંગ માટે આવતા કટ અને પોલિશ હીરા પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારવામાં આવી હોવાથી સુરત-મુંબઇ સમેત હીરાના વેપાર સાથે સંકળાયેલા શહેરોની ઇકોનોમી પર ઘેરી અસર થઇ છે. હીરાના જોબવર્કનું કામ જે પહેલા ભારતને સૌથી વધુ મળતું હતું એ હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારાને કારણે ચીન અને થાઇલેન્ડ ભણી જઇ રહ્યું છે. વિદેશોમાંથી જોબવર્ક માટે ભારત આવતા હીરા પર ડ્યૂટી વધારાને કારણે ભારતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે.
- 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી
- ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં કટ અને પોલિશ માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો
- હીરા કટ એન્ડ પોલીશનું કામ હવે થાઇલેન્ડ અને ચીન ભણી ઘસડાય રહ્યું છે

સરકારે આ વર્ષે 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી દીધી છે. ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે બિનઆવશ્યક આઇટમ્સ પરની આયાત ડ્યૂટીમાં વધારો કરવાના પગલાના ભાગરૂપે ડ્યૂટી વધારવામાં આવી હતી પણ તેની અવળી અસર રોજગારી પર પડશે એવી કોઇ ગણતરી સરકારની ન હતી.
જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રો કહે છે કે ડ્યૂટીમાં વધારો, બિઝનેસ કરવામાં સરળતાના અભાવે તથા પ્રવાહિતાની સમસ્યાના કારણે આગામી બે ત્રિમાસિક ગાળા દરમિયાન સુરતમાં હીરાના વેપારમાં સંકળાયેલા આશરે એક લાખ લોકોની રોજગારી સંભવિતપણે છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. ઘણા બધા હીરા રિ-કટિંગ માટે ભારતમાં આવતા હોય છે તે હવે ચીન તથા થાઇલેન્ડ જઈ રહ્યા છે. દેશમાં હીરાના વેપાર સાથે આશરે પાંચ લાખ લોકો સંકળાયેલા છે. ઉપરાંત હીરા ઉદ્યોગમાં પ્રવાહિતા સંદર્ભે પણ કોઈ રાહત નથી કેમ કે કોલેટરલ નોર્મ તથા રેટિંગના નોર્મ્સ વધારે કડક થયા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કટ અને પોલિશ એટલે કે જોબવર્ક માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ છ માસિક ગાળા માટે ₹7,759.48 કરોડની કિંમતના કટ અને પોલિશ હીરાની આયાત થઈ હતી તેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹5,289.35 કરોડની કિંમતની આયાત નોંધાઈ છે.
ઉદ્યોગની કુલ નિકાસની ટકાવારી તરીકે ઉદ્યોગ પાસે કામગીરીને ચાલુ રાખવા માટે પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ નથી. અવાસ્તવિક કોલેટરલ નોર્મના કારણે તેમાં વધારે ઘટાડો થશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે ડોલરમાં ફાઇનાન્સમાં વધારે ઘટાડો નોંધાયો છે જેથી મુશ્કેલીમાં વધારો થયો છે.
સુરતમાં કટિંગ અને પોલિશિંગ એકમોએ તેમની નફાકારકતાને જાળવી રાખવા માટે દિવાળીની રજાઓને એક પખવાડિયા પહેલાં જ શરૂ કરી દીધી છે.ઘરઆંગણાના બજારમાં પણ હીરાનો ઉપાડ ઘટ્યો છે. ટ્રેડર્સ કહે છે કે સેન્ટિમેન્ટ તેજીમય નથી કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ પડી ભાંગ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


