9/4/20 @ 11 am : ગુજરાત-241 (મૃત્યુ-17), અમદાવાદ-133 (મૃત્યુ-6) સૂરત-25 (મૃત્યુ-4)

Share On :

રાજયમાં કોરોનાના નવા 55 કેસો, 50 એકલા અમદાવાદના : સૂરત-2, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં 1-1-1 નવા કેસ મળ્યા

તા.9મી એપ્રિલના રોજ સવારે ગુજરાતમાં કોરોના કેસીસ અંગેની માહિતી આપતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે એક દિવસમાં ગુજરાતમાં કુલ 55 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓની સંખ્યા 241 થઇ છે. નવા આવેલા 55 કેસોમાં 50 કેસો એકલા અમદાવાદના છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 133 થવા પામી છે. બીજા નંબરે સૂરતમાં સિટી વિસ્તારમાં 23 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 મળીને સૂરત જિલ્લામાં 25 કેસો છે જ્યારે વડોદરા અને ભાવનગર ખાતે 18-18 કોરોના કેસો હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.

24 કલાકમાં ચિંતાજનક રીતે વધ્યા કેસો, એક ઝાટકે 55 નવા કેસો મળતા ખળભળાટ

  • ગુજરાત અપડેટ
  • કુલ કેસ 241
  • કુલ મોત 17
  • રિકવરી 26

રાજ્યમાં સિટીવાઇઝ કેસો તા.9 એપ્રિલ સવારે 11 વાગ્યે

  • અમદાવાદ 133
  • સૂરત 25
  • ભાવનગર 18
  • વડોદરા 18
  • ગાંધીનગર 13
  • રાજકોટ 11
  • પાટણ 5
  • પોરબંદર 3
  • ગીરસોમનાથ 2
  • કચ્છ 2
  • આણંદ 2
  • છોટા ઉદેપુર 2
  • મહેસાણા 2
  • જામનગર 1
  • મોરબી 1
  • પંચમહાલ 1
  • દાહોદ 1
  • સાબરકાંઠા 1

ગુજરાત ડેથ-સ્પૉટ : કોરોનાના લોકલ ટ્રાન્સમિશનને રોકવા હવે બફર ઝોન

બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓનો આંકડો ૧૮૯એ પંહોચી ચૂક્યો છે, જેમાં ૧૧૪ જેટલા દર્દીઓ સ્થાનિક લોકો છે અને તેમને બહારથી આવેલા લોકોનો ચેપ લાગી ચૂક્યો છે પરંતુ હવે આવા સ્થાનિક પોઝિટિવ દર્દીઓનો ચેપ સ્થાનિક સ્તરે પ્રસરે નહીં તે માટે પોઝિટિવ દર્દીના વિસ્તારોને બફર ઝોન જાહેર કરીને તેમાં આરોગ્ય તપાસણી સહિતના પગલાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. બુધવારે જામનગરમાં અને સુરતમાં એક- એક દર્દીના મોત થતા મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચી ચૂક્યો છે. 

બુુધવારે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૨૩ પોઝિટિવ અને ૪ના મોત, ભાવનગરમાં ૧૬ પોઝિટિવ અને ૨ના મોત, વડોદરામાં ૧૩ પોઝિટિવ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ, રાજકોટમાં ૧૧ પોઝિટિવ, પાટણમાં ૫ પોઝિટિવ અને ૧નું મોત, પોરબંદરમાં ૩ પોઝિટિવ, મહેસાણામાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, કચ્છમાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, ગીર સોમનાથમાં ૨ પોઝિટિવ, પંચમહાલમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, જામનગરમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, મોરબી, છોટાઉદેપુર, આણંદ, સાબરકાંઠામાં ૧-૧ પોઝિટિવ કેસ નોઁધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪ પોઝિટિવ, ૬૮૭ નેગેટિવ ટેસ્ટ છે જ્યારે ૨૩૧ પેન્ડિંગ છે. તેમજ અત્યારસુધીમાં ૩૯૭૨ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૭૯ પોઝિટિવ, ૩૫૬૨ નેગેટિવ ટેસ્ટ છે. રાજ્યમાં કુલ ૧૨૨૯૯ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાંથી ૧૧૧૭૩ હોમ ક્વોરન્ટીન, ૯૫૨ સરકારી અને ૧૭૪ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

અમદાવાદ અડધું કોરોનાના બફર ઝોનમાં

રાજ્યમાં કોરોના વાઇરસના હોટ સ્પોટ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૮૩ કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાં કોટ વિસ્તારમાં સૌથી કેસો નોંધાતા હવે તેને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તાર એવા જૂના અમદાવાદની ૨૯ લાખ જેટલી વસ્તી એટલે કે અડધું અમદાવાદ બફર ઝોનમાં મુકવામાં આવ્યું છે. બફર ઝોનમાં ૬ જેટલા વિસ્તારમાં કલસ્ટર ઝોન બનાવી ૧૪૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારના પ્રવેશવાના મોટાભાગના રસ્તા બંધ અથવા તો બેરીકેડ મારી ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે.

કોટ વિસ્તારમાં જ્યાં કલસ્ટર ઝોન છે ત્યાં થ્રી લેયર બનાવવામાં આવ્યું છે. બફર ઝોનમાં પ્રવેશતાં પહેલા જ બેરીકેડ મૂકી આરએએફ અને એસઆરપી તહેનાત કરાઈ છે અને પોલીસ ચેકપોસ્ટ બનાવાઈ છે. કોઈપણ વ્યક્તિને અંદર જતા પહેલા રોકી પૂછપરછ કરવામાં આવે છે, તો બહારની વ્યક્તિ હોય તો કેમ અંદર જવું છે તેમ પૂછપરછ બાદ જ જવા દેવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ કોરોના ચેકપોસ્ટ બનાવેલી છે તેમાં મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી તેનું તાપમાન ચેક કરવામાં આવે છે. જો કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના સેમ્પલ ટેસ્ટ માટે લેવાય છે. જે પણ વ્યક્તિ બહાર આવે છે. તેને કામ વગર બહાર ન નીકળવા સૂચના પોલીસ દ્વારા આપવામાં આવે છે.

કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા બાદ કોર્ડન કરી ચેકપોસ્ટ બનાવ્યા બાદ દરરોજ જેટલા લોકો નીકળતા હતા તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો આજે સવારે બહાર નીકળતા જોવા મળ્યા હતા. સવારે ૭થી ૯ દરમ્યાન શાકભાજી અને દૂધ લેવા જવા થોડી છૂટછાટને પગલે લોકો બહાર નીકળે છે. બપોર બાદ બહાર નીકળતાં લોકોને પોલીસ રોકી પૂછપરછ કરે છે. જો વગર કારણે બહાર નીકળે તો તેમના વાહનો જપ્ત કરી લે છે.

બફર ઝોન જાહેર કરાયા બાદ બપોરે ૧૨.૩૦ સુધીમાં કોટ વિસ્તારમાંથી લગભગ ૧૦૦૦૦ લોકો જ બહાર નીકળ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું ચેકિંગ કર્યું હતું.

ગુજરાતમાં કોરોના : ૯,૪૬૪ બેડની હોસ્પિટલો તૈયાર

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. વાઈરસના સ્થાનિક સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાના ૯૪૬૪ દર્દીઓને સારવાર મળી રહે તે માટેની તૈયાર કરી છે. બુધવારે મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં ૨૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં હવે કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં કોવિડ ૧૯ માટે ૨૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય ૨૮ જિલ્લામાં ૩૨૦૦ બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-૧૯ કોરોના વાઈરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯,૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોંચી વળવા સજ્જ થયું છે. 

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ ૨૨૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ૨૮ જિલ્લામાં કુલ ૩૨૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા આઇસીયુ ફેસેલિટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.

Reported on 8 April 2020

ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરતા અમદાવાદ અને વડોદરાના બે સેવા કર્મીઓને કોરોના પોઝિટિવ

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને વડોદરામાં ગરીબોને ભોજન પૂરું પાડવાનું કામ કરતા બે સેવા કર્મીઓને પણ કોરોના વાઈરસનો ચેપ લાગતા બન્નેને પોઝીટીવ કોરોના આવ્યો છે. બીજી બાજુ સરકાર દ્વારા હવે આવાં ટીફીન સેવાની કામગીરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પહેલો કેસ અમદાવાદ મણિનગરમાં

અમદાવાદમાં ભાથું બાંધવા જતાં કોરોના ગ્રસ્તગરીબોને ટિફીન પહોંચાડતા મણિનગરમાં રહેતાં ૫૫ વર્ષીય સેવા કર્મીને કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું છે. તેઓ સેવાના ઉદ્દેશથી ટિફિન સેવા આપનારી સંસ્થા સાથે સંકળાયેલાં હતા. ગરીબોને તેઓ વિનામુલ્યે ટિફિન પૂરા પાડતા જતા હતા. તેમને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાલ મ્યુનિસિપાલ તંત્રએ શરુ કરી છે. આ સાથે હાલ ટીફીન સર્વિસ આપતાં બીજા છ લોકો અને સારવાર આપતાં ડોક્ટરને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ફેમિલીના ત્રણ લોકોને પણ કોરેન્ટાઈન કેન્દ્રમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજો કેસ વડોદરામાં બન્યો

વડોદરામાં રવિવારે નાગરવાડાના એક વ્યક્તિનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિ સયાજી હોસ્પિટલ સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ આપવાની સેવા કરવા માટે જતો હતો. આ વ્યક્તિની સેવાની હિસ્ટ્રી બહાર આવતા વડોદરામાં કોરોના વાઈરસની કામગીરી માટે ખાસ નિમાયેલા ડો. વિનોદ રાવે લોકડાઉનમાં સેવા કરતી સંસ્થાઓની સેવાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ગુજરાત અપડેટ્સ 8 એપ્રિલ 11 વાગ્યે

ગુજરાત રાજ્યમાં ગઇકાલે સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા બાદ છેલ્લા 12 કલાકમા કોરોનાના વધુ ચાર દર્દી નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 179 પર પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં કોરોના પોઝીટીવ આવેલા બે દર્દીના મોત થયા છે. જેમાં જામનગરના 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે તેમ આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ તા.8મી એપ્રિલે સવારે 10 વાગ્યે જણાવ્યું હતું.

આજે તા.8મી એપ્રિલે સવારે જે ચાર નવા કેસ સામે આવ્યા છે તેમાં સુરત, વડોદરાના એક-એક અને ભાવનગરના બે દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદમાં તા.7મી એપ્રિલે નોંધાયેલા 20 કેસ બાદ આજે હજુ સુધી કોઈ નવો કેસ આવ્યો નથી.

હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીમાં બેની હાલત ગંભીર છે, અને બંને હાલ વેન્ટિલેટર પર છે જ્યારે 136 દર્દીઓ સ્ટેબલ છે, અને 25 લોકોને અત્યારસુધી ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યો છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સિનક્લોરોક્વિન, એઝીથ્રોમાઈસિન નામની બે દવા કોરોનાની ટ્રીટમેન્ટમાં ખૂબ જ ઉપયોગી છે તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. ગુજરાતમાં હાલ આ બંને દવાનો પૂરતો સ્ટોક છે.

ગુજરાતમાં હવે ગામડાઓનો વારો: બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલાનો સર્વે થશે

ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગ અનેઆઇવીઆર થી લોકોની ખબર પૂછવામાં આવશે.

ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય બાદ પણ લોકલ ટ્રાન્સમિશન અને ગામડાંઓમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ગુજરાત સરકાર દ્વારા સર્વેનો બીજો રાઉન્ડ થશે. જેમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકોની માહિતી ના આધારે એમનો ટેસ્ટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાંથી ગામડામાં આવ્યા હોય અને તેમને તાવ કે શ્વાસની તકલીફ હોય તેમનો અલગથી ટેસ્ટ કરાશે.

આ ઉપરાંત બીજા તબક્કાના આ સર્વેમાં તંત્ર ઘેર જઈને તપાસ કરે એ પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તેઓ સામેથી ૧૦૪માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે જેથી સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા તબક્કામાં એક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, ફોનમાં આઇવીઆર સિસ્ટમથી લોકોની ખબર પૂછવામાં આવશે, જેમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફ જણાવી શકશે.

ગુજરાતમાં સ્થાનિક સંક્રમણનો ભય વધ્યો

રાજ્યમાં હવે વિદેશથી આવેલા લોકોનો કોરોના વાયરસ સંક્રમણનો સમય પુરો થઇ ચૂક્યો છે પરંતુ તેમના સંપર્કમાં આવેલા આતંર રાજ્ય પ્રવાસ કરનારાં અને સ્થાનિક લોકોને હવે કોરોનાએ સકંજામાં લીધા છે. મંગળવારે સાંજ સુધીમાં એક દિવસમાં રાજ્યમાં ૧૯થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા, જેમાં તમામ લોકલ ટ્રાન્સમિશનનો શિકાર બન્યાં છે. સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬૫ને પાર પહોંચ્યો છે. તેમજ પાટણમાં એક અને સુરતમાં એક દર્દીનું મોત થતાં રાજ્યમાં કોરોનાનો મૃતક આંક ૧૪ પર પહોંચ્યો છે. આ ઉપરાંત હવે આણંદ અને સાબરકાંઠા એમ બે નવા જિલ્લાઓમાં પણ કોરોનાએ પગરણ માંડ્યા છે.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારની સાંજથી અત્યાર સુધીમાં ૧૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૩, પાટણમાં ત્રણ, ભાવનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૬૫ પોઝિટિવ કેસમાંથી ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન, ૩૩ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૩૭ નેગેટિવ છે, ૨૧ પોઝિટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ ૩૦૪૦ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૬૫ પોઝિટિવ, ૨૮૩૫ નેગેટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. જિલ્લાવાર આંકાડાઓ જોઇએ તો અમદાવાદમાં ૭૭ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૧૯ કેસ અને ૩ના મોત, ભાવનગરમાં ૧૪ કેસ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ કેસ, વડોદરામાં ૧૨ કેસ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ કેસ, પાટણમાં ૫ કેસ, પોરબંદરમાં ત્રણ કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ, પંચમહાલમાં એક કેસ અને એક મોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

Reported on 7 April 2020

ગુજરાતમાં 19 નવા કેસ : અમદાવાદમાં 13, પાટણમાં 3 અને આણંદ, સાબરકાંઠા અને ભાવનગરમાં 1-1-1 : ગુજરાતના પ્રયાસો યુદ્ધ સ્તરીય

તા.7મી એપ્રિલને મંગળવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 165 થવા પામીછે. સૌથી વધુ કેસીસ અમદાવાદ ખાતેથી પણ મળી આવ્યા હતા. નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝીટીવ કેસો મળવાના શરૂ થયા છે. હવે ગુજરાતમાં કુલ 16 જિલ્લાઓમાં પહોંચી ચૂક્યો છે કોરોના વાઇરસ. ગુજરાતમાં આજે તા.7મી એપ્રિલે સવારે 19 નવા કેસો જાહેર થયા હતા જેમાંથી 13 અમદાવાદ, 3 પાટણ અને ભાવનગર, આણંદ અને સાબરકાંઠા ખાતે 1-1-1 નવા કેસો મળી આવ્યા છે.

કોરોના વાઇરસને પહોંચી વળવા માટે તેમજ પ્રીપેડનેસ પ્લાનમાં ગુજરાત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રયાસો યુદ્ધસ્તરીય ગણાય છે. ગુજરાતની કામગીરીની પ્રશંસા પણ થઇ રહી છે. ગુજરાતમાં જે પ્રમાણે કેસો છે તેની સામે પ્રીપેડનેસ તેમજ ઘનિષ્ઠ કામગીરીને કારણે મોટા પ્રમાણમાં સંક્રમણને ટાળી શકાઇ રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા રવિવાર અને સોમવાર તા.5 અને 6 એપ્રિલ 2020ના આ બે દિવસમાં રાજ્યભરમાંથી કોરોના પોઝીટીવ હોય એવા 39 નવા કેસ મળી આવ્યાં છે. ગુજરાતમા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 146એ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 12 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. જેમના માટે પણ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 87 કેસ લોકલ ટ્રાન્સમિશનના થયાં છે. જેમાંથી એક ચોક્કસ વિસ્તારમાંથી જ 31 કેસ સામે આવ્યાં છે. જ્યારે વિદેશથી આવેલા દર્દીઓની સંખ્યા 33 થઈ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસીસ

  • અમદાવાદમાં 77 કેસ
  • સુરતમાં 19
  • રાજકોટમાં 10
  • વડોદરા 12
  • ગાંધીનગર 13
  • ભાવનગરમાં 14
  • કચ્છ 2
  • મહેસાણામાં 2
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • પંચમહાલ અને
  • છોટા ઉદેપુરમાં 1-1
  • પાટણમાં 5
  • જામનગર 1
  • આણંદ 1
  • મોરબીમાં 1 કેસ

રાજ્યના 15 વિસ્તારો કોરોના હોટસ્પોટ

અમદાવાદમાં સૌથી વધુ 8 વિસ્તાર હોટસ્પોટ જાહેર કરાયા હતાં. જેમાં

  • દાણીલીમડા,
  • રખિયાલ,
  • જમાલપુર,
  • બાપુનગર,
  • હીરાવાડી,
  • આંબાવાડી,
  • શાહઆલમ અને
  • દરિયાપુરનો સમાવેશ થાય છે.

સૂરતના ત્રણ વિસ્તારો કોરોના હોટસ્પોટમાં

  • સચિન
  • રાંદેર
  • બેગમપરા

વડોદરામાં

  • સૈયદપરા અને
  • નાગરવાડા

ભાવનગર શહેરના

  • રુવાવડી અને
  • સંધિયાવાડ વિસ્તારને હોટસ્પોટ જાહેર કરાયા છે.

સુરત બેગમપુરાના ૧૧૪૭ મકાનના ૬૦૦૦ લોકો ક્વોરન્ટાઇન

સૂરત શહેરમાં બેગમપુરાના વૃદ્ધ અને તેના એક દિવસ બાદ તેમની સાસુના સેમ્પલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતુ. રવિવારે બેગમપુરા અને ઝાંપાબજારમાં મનપા દ્વારા ડિસઇન્ફેક્ટિવની કામગીરી કરવામાં આવી હતી. સાથે બેગમપુરા હાથી ફળિયાના ૧૧૪૭ મકાનમાં રહેતા છ હજાર લોકોને ક્વોરટાઈન કરવામાં આવ્યા હતા.

બેગમપુરાથી ઝાંપાબજાર વિસ્તાર નજીક હોવાથી ઝાંપાબજાર વિસ્તારની તમામ માર્કેટો ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવા સુરત મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. જાહેરનામાંના અમલનો ભંગ કરનાર સામે એપેડેમિક ડીઝીસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા તમામ લોકોનું ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર માર્ચ મહિનામાં ૫૨૧૯ લોકો વિદેશથી આવ્યા છે. જેમનો ૫૨૧૯ લોકોનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થયો છે. વિદેશથી આવેલા લોકોએ શિસ્ત જાળવી તે આપણા માટે મોટી વાત છે, જ્યારે નિયમભંગ કરનારા નવ લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કબૂલી હતી. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

વલસાડના નારગોલમાં ૨૩ બોટમાં આવેલા ૧૧૨૩ માછીમારને ક્વોરન્ટાઈન કરાયા

નારગોલ-ઉમરગામ, મરોલીના સ્થાનિક માછી સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી આવેલી ૨૩ બોટના ૧૫૦૦થી વધુ માછીમાર ખલાસીને નારગોલ બંદરે ઉતારવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું અને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

વલસાડના નારગોલમાં ૧૮૦૦માંથી ૧૧૨૩ માછીમાર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી નારગોલ ૧૮૦૦ જેટલા માછીમારો આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના માછીમારોને પરત મોકલાશે.

એક માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાતા દાખલ કરાયા હતા. ઉમરગામ, નારગોલ અને મરોલી કાંઠાના ગામના લોકો અને માછી સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રથી ખલાસીઓ ભરીને આવેલી બોટ ઉમરગામના મધદરિયે છેલ્લા બે દિવસથી અટવાઈ પડી હતી. આ બોટમાં ઉમરગામ તાલુકાના સ્થાનિક માછીમારો ખલાસી ભાઈઓ હોવાથી મંત્રી રમણભાઈ પાટકરે સ્થાનિક માછીમારો અને વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ આખરે ઉમરગામ નારગોલ બંદરે ૨૩ જેટલી બોટને લંગારાઈ હતી. જેમાંના અંદાજે ૧૫૦૦ જેટલા ખલાસીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉતારવામાં આવ્યા હતા.

આ તમામ ખલાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થાનિક ખલાસીઓને પોતાના ઘરે મોકલી ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. આ તમામ ખલાસીઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. જ્યારે એક ખલાસીને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો જણાતા તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ બોટમાં વલસાડ-નવસારી અને બીલીમોરાના પણ ખલાસીઓ હતા. તેઓને ધોલાઈ બંદરે ઉતારવામાં આવ્યા હતા. વધુમાં આ બોટમાં ઉમરગામ તાલુકાને અડીને મહારાષ્ટ્રના ગામડાઓના પણ અંદાજે ત્રણસો જેટલા ખલાસીઓ હોવાનું કહેવાય છે.

વડોદરામાં કોરોના વાઈરસથી વધુ 2 પોઝિટિવ 1 દર્દીનું મોત

વડોદરામાં કોરોના વાઈરસથી આજે સોમવારે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું હતું. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી બે દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે નવાં બે પોઝિટિવ કેસ નોંધાયાં કુલ દર્દીઓની સંખ્યાં ૧૨ થઇ છે.

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના ૬૨ વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી ૧૮ માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે. એક ૧૫ વર્ષની ઉંમરના કિશોર અને ૨૭ વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને ૧૨ થઇ ગઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Stage wise

ભારત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે

(કેન્દ્રીય આરોગ્ય વિભાગના પ્રવક્તા લવ અગ્રવાલના કહેવા મુજબ)

જાણો શું છે કોરોના વાયરસના વિવિધ સ્ટેજ

સ્ટેજ 1માં જે લોકો કોરોના વાયરસ જ્યાં ફેલાયો હોય તે દેશમાંથી આવે છે સૌથી પહેલા ઉદગમ કેન્દ્ર એટલે કે ચીનના લોકો ચેપગ્રસ્ત બન્યા. બાદમાં ઈટાલી અને ચીનમાંથી આવ્યા તે પૈકી કેટલાંક લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો.

સ્ટેજ 2 માં વિદેશથી આવેલા લોકો દ્વારા દેશના અન્ય લોકોમાં કોરોના વાયરસ ફેલાય છે.

સ્ટેજ 3 માં કોરોના વાયરસ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવનારા અન્ય સામાન્ય લોકોમાં આ ચેપ ફેલાય છે. સ્ટેજ 3ને રોકવા માટે જ લોકડાઉન જાહેર કરવામાં આવે છે. લોકોને ઘરમાં રહેવાનું જણાવવામાં આવે છે.

જ્યારે સ્ટેજ 4માં આ મહામારી પર નિયંત્રણ નથી રહેતું અને નવા કેસ સામે આવવા લાગે છે. જેમાં દેશના મોટાભાગના વિસ્તારમાં આ ચેપ ફેલાઈ જાય છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :